RBIએ રેપો રેટમાં કર્યો વધારોઃ જાણો કેટલો વધશે તમારો EMI ?
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ રેપો રેટમાં ફરીથી વધારો કર્યો છે. આ વખતે રેપો રેટમાં 0.50 ટકાનો વધારા કરાયો છે. તેની સાથે રેપો રેટ વધીને 4.90 ટકા થઇ ગયો છે. બાય-મંથલી બેઠક બાદ યોજેલી પ્રેસમાં સેન્ટ્રલ બેંકે આ વિશે જાણકારી આપી હતી. રેપો રેટ વધવાથી તમામ પ્રકારની લોન હવે મોંઘી થશે. સામાન્ય નાગરિકો પર EMI નો ભાર પહેલાની સરખામણીએ વધારે પડશે. રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ પોલિસી રેપો રેટને વધારીને 4.90% કરી દીધો છે. તો SDF દરને 4.15% થી વધારીને 4.65% અને માર્જિનલ સ્ટેંડિંગ ફેસિલિટી રેટ અને બેંક રેટને 4.65% થી વધારીને 5.15% પર એડજસ્ટ કર્યા છે.
RBI દ્વારા રેપો રેટ વધારવાથી હોમ અને કાર લોનની સાથે અન્ય લોનના EMI વધી જશે. કારણકે બેંક વધારેલા રેપો રેટનો બોજ સીધો ગ્રાહકો પર પડશે. રેપો રેટ વધવાની અસર સેવિંગ બેંક એકાઉન્ટ અને FD પર પણ પડશે. બેંક પોતાના સેવિંગ એકાઉન્ટ અને ફિક્સ ડિપોઝિટ પર વ્યાજ દર વધારી શકે છે. આ પહેલા 4 મે ન રોજ રેપો રેટમાં વધારા બાદ તમામ બેંકોએ ફિક્સ ડિપોઝિટ પરના વ્યાજદરમાં વધારો કર્યો હતો.
રેપો રેટ એટલે શું?
રેપો રેટ એટલે સામાન્ય ભાષામાં વ્યાજનો રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયા જે દરે દેશની તમામ બેન્કોને લોન આપે તે વ્યાજનો દર. આ દર ઘટે તો બેન્કોને ફાયદો થાય કારણકે તેમણે RBIને ઓછું વ્યાજ ચૂકવવું પડે. અને જો આ દર વધે તો બેન્કોએ RBIને વ્યાજનો ઊંચો દર ચૂકવવો પડે છે.
રિવર્સ રેપો રેટ વધે તો શું થાય?
રિવર્સ રેપો રેટ વધે તો બજારમાં નાણાનો પુરવઠો ઘટી શકે છે. જ્યારે રિવર્સ રેપો રેટમાં વધારો થાય ત્યારે કોમર્શિયલ બેન્કોને RBI તરફથી વધુ વ્યાજ મળે છે. આ સ્થિતિમાં પણ બેન્કો પોતાના નાણા RBIને ધીરે છે.
SLR એટલે શું?
બેન્ક જે વ્યાજદરે પોતાના રૂપિયા સરકાર પાસે રાખે તેને SLR કહે છે. રોકડના જથ્થાને નિયંત્રણમાં રાખવા SLRનો ઉપયોગ થાય છે. કોમર્શિયલ બેન્કોએ સરકારને એક ચોક્કસ રકમ જમા કરાવવી પડે છે જેનો ઉપયોગ તે ઇમર્જન્સી દરમિયાન કરી શકે છે, તેને SLR કહેવાય છે.