ડોલર સામે રૂપિયો વધૂ ન તૂટે તે માટે RBIના આક્રમક પગલાં, રૂપિયાનું મૂલ્ય વધુ ન ઘટે તે માટે ખર્ચશે 100 અબજ ડોલર
ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયો સતત તૂટી રહ્યો છે. રૂપિયો વધુ 13 પૈસા ઘટી 80ની સપાટી નીચે 80.05 બંધ આવ્યો છે. સતત ઘટી રહેલા રૂપિયાના કારણે ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા આક્રમક પગલા લેવામાં આવી શકે છે. ઘટી રહેલા રૂપિયા પર લગામ લગાવવા માટે RBI તેના ફોરેક્સ રિઝર્વનો છઠ્ઠો ભાગ એટલે કે 100 અબજ ડોલર (વર્તમાન ફોરેક્સ રિઝર્વ મુજબ રૂ. 8 લાખ કરોડ) ખર્ચી શકે છે.
આ વર્ષે અત્યાર સુધીમાં ડોલર સામે રૂપિયામાં 7 ટકાથી વધુનો ઘટાડો થયો છે. રૂપિયાની રેન્જ 79.70-80.30 રહી શકે છે. ચાલુ સપ્તાહની શરૂઆતમાં ઇન્ટ્રા-ડે 80ની નીચે સરક્યા બાદ આજે 80ની સપાટી ગુમાવી હતી. જો RBIએ સાવચેતીનાં પગલાં ન લીધાં હોત તો રૂપિયામાં વધુ ઘટાડો થયો હોત.
RBIની ફોરેક્સ રિઝર્વ ગતવર્ષે સપ્ટેમ્બરમાં 642.45 અબજ ડોલરના સર્વોચ્ચ સ્તરે હતું. જેમાં અત્યાર સુધીમાં 60 અબજ ડોલરથી વધુનો ઘટાડો થયો છે. મુખ્ય કારણ રૂપિયામાં મોટા ઘટાડાથી બચવા માટે ડોલરનું મોટા પાયે વેચાણ છે. RBI પાસે હજુ પણ 580 અબજ ડોલરનું ફોરેક્સ રિઝર્વ છે.