RBIએ ગુજરાતની 3 સહકારી બેન્કોને પેનલ્ટી ફટકારી, જાણો કેમ


- બેન્કોને માર્ગદર્શિકાઓનું પાલન ન કરવા બદલ પેનલ્ટી
- આણંદની બે કો-ઓપરેટિવ બેન્કોને રૂ. 1-1 લાખ પેનલ્ટી ફટકારી
- વલસાડની એક કો-ઓપરેટિવ બેન્કને રૂ. 15 લાખની પેનલ્ટી
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ ગુજરાતની ત્રણ સહકારી બેન્કોને માર્ગદર્શિકાઓનું પાલન ન કરવા બદલ પેનલ્ટી ફટકારી છે. જેમાં આણંદની બે કો-ઓપરેટિવ બેન્કોને રૂ. 1-1 લાખ અને વલસાડની એક કો-ઓપરેટિવ બેન્કને રૂ. 15 લાખની પેનલ્ટી ફટકારી છે.
ખાતેદારો પર તેની કોઈ ખાસ અસર થશે નહીં
આ પેનલ્ટી આરબીઆઈની માર્ગદર્શિકાઓનું પાલન ન કરવા બદલ થઈ હોવાથી ખાતેદારો પર તેની કોઈ ખાસ અસર થશે નહીં. SBPP કો-ઓપરેટિવ બેન્ક લિમિટેડને રૂ. 15 લાખની પેનલ્ટી થઈ છે. એસબીપીપીને આ પેનલ્ટી આરબીઆઈની માર્ગદર્શિકાઓના અનુપાલનમાં ખામી બદલ ફટકારાઈ છે. તે ઈન્કમ રિકોગ્નિશન, એસેટ ક્લાસિફિકેશન, અને અન્ય સંબંધિત મામલામાં નિયમોનું પાલન કરી શકી ન હતી. વધુમાં અમુક દેવાદારોના લોન ખાતાને એનપીએ તરીકે વર્ગીકૃત કરવામાં નિષ્ફળ રહી હતી.
અન્ય બેન્કો સાથે પ્લેસમેન્ટ ઓફ ડિપોઝિટની અમુક માર્ગદર્શિકાઓનું ઉલ્લંઘન કર્યું
ભાદરણ પીપલ્સ કો-ઓપરેટિવ બેન્કને રૂ. 1 લાખની પેનલ્ટી કરવામાં આવી છે. જેની પાછળનું કારણ ડિપોઝિટ પર વ્યાજના દર અને કેવાયસી મુદ્દે આરબીઆઈ દ્વારા જાહેર માર્ગદર્શિકાઓનું પાલન ન કરવા બદલ છે. બેન્કે ચાલુ ખાતા સિવાય અન્ય ખાતામાં પણ વ્યાજ મુક્ત ડિપોઝિટ સ્વીકારી હતી. તેમજ ખાતેદારોના કેવાયસીના રેકોર્ડ અપલોડ કરવામાં નિષ્ફળ રહી હતી. આણંદ જિલ્લાની તારાપુર કો-ઓપરેટિવ અર્બન બેન્ક લિ.ને રૂ. 1 લાખની પેનલ્ટી ફટકારી છે. તારાપુર કો-ઓપરેટિવ અર્બન બેન્કે અન્ય બેન્કો સાથે પ્લેસમેન્ટ ઓફ ડિપોઝિટની અમુક માર્ગદર્શિકાઓનું ઉલ્લંઘન કર્યું હતું.
આ પણ વાંચોઃ અમદાવાદ: કાંકરિયામાં ફરી અટલ એક્સપ્રેસ શરૂ થઈ, જાણો ટિકિટની કિંમત