ટોપ ન્યૂઝનેશનલબિઝનેસ

મોંઘવારીમાં પિસાતા મધ્યમ વર્ગને વધુ એક માર, RBIએ રેપો રેટમાં ફરી કર્યો વધારો

Text To Speech

તહેવારોની સિઝનમાં RBIએ સામાન્ય માણસને મોટો ઝટકો આપ્યો છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ આજે ફરી એકવાર રેપો રેટ વધારવાની જાહેરાત કરી છે. રિઝર્વ બેંકે રેપો રેટમાં 50 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ વધતી જતા ફુગાવાને અંકુશમાં લેવા માટે મુખ્ય નીતિ દરમાં 0.5 ટકાનો વધારો કરીને 5.9 ટકા કર્યો છે.

EMIમાં થશે વધારો

RBIના આ પગલાથી લોન મોંઘી થશે અને લોનના માસિક હપ્તા એટલે કે EMI વધશે.

RBI ગર્વનરે શું કહ્યું ?

મોનેટરી પોલિસી કમિટી (MPC)ના નિર્ણય વિશે માહિતી આપતા RBI ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે MPCએ સર્વસંમતિથી રેપો રેટમાં 0.5 ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે. વધારા બાદ રેપો રેટ હવે 5.90 ટકા પર પહોંચી ગયો છે. પહેલા તે 5.40 પર હતો.

રિઝર્વ બેંકના ગવર્નરના જણાવ્યા અનુસાર, MPCના 6માંથી 5 સભ્યો અડધા ટકાના વધારાની તરફેણમાં હતા. જે બાદ રેટ 5.4 ટકાથી વધારીને 5.9 ટકા કરવામાં આવ્યા છે. ગવર્નરના જણાવ્યા મુજબ, આ પગલાંને કારણે, આગામી સમયમાં ફુગાવો ઘટવાની ધારણા છે અને ઓક્ટોબરથી માર્ચ વચ્ચે ફુગાવાનો દર ઘટીને 6 ટકા થઈ શકે છે, જે હાલમાં 7 ટકાના સ્તરે છે. રિઝર્વ બેંકનો અંદાજ છે કે જાન્યુઆરી અને માર્ચ વચ્ચે ફુગાવાનો દર 2 થી 6 ટકાની સંતોષકારક રેન્જમાં આવશે.

શું છે રેપો રેટ ?

અમે બેંક પાસેથી લોન લઈએ છીએ અને તે લોન પર અમારે વ્યાજ ચૂકવવું પડે છે. તેવી જ રીતે, બેંકોને પણ તેમના રોજિંદા કામકાજ માટે મોટી રકમની જરૂર હોય છે અને તેઓ RBI પાસેથી લોન લે છે. રિઝર્વ બેંક તેમની પાસેથી આ લોન પર જે દરે વ્યાજ વસૂલે છે તેને રેપો રેટ કહેવામાં આવે છે.

સામાન્ય માણસ પર રેપો રેટની અસર

જ્યારે બેંકોને ઓછા વ્યાજ દરે લોન મળશે એટલે કે રેપો રેટ ઓછો હશે તો તેઓ તેમના ગ્રાહકોને સસ્તી લોન પણ આપી શકશે. અને જો રિઝર્વ બેંક રેપો રેટ વધારશે તો બેંકો માટે લોન લેવી મોંઘી થશે અને તેઓ તેમના ગ્રાહકો માટે લોન મોંઘી કરશે.

વર્તમાન સંજોગોને જોતા રિઝર્વ બેંકે ચાલુ નાણાકીય વર્ષ માટે વૃદ્ધિ અનુમાન ઘટાડી દીધું છે. આરબીઆઈએ નાણાકીય વર્ષ 2022-23 માટે તેના આર્થિક વિકાસનું અનુમાન 7.2 ટકાથી ઘટાડીને 7 ટકા કર્યું છે.

Back to top button