દેશમાં ઓનલાઈન પેમેન્ટનો ટ્રેન્ડ વધ્યા બાદ ઘણી ફિનટેક કંપનીઓએ આ સેગમેન્ટમાં પ્રવેશ કર્યો. આને ધ્યાનમાં રાખીને, હવે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ આવી 32 કંપનીઓની યાદી બહાર પાડી છે, જેને પેમેન્ટ એગ્રીગેટર લાઇસન્સ આપવા માટે સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. આ યાદીમાં Razorpay, Reliance, Google, Zomato અને Pine Labs જેવી મોટી કંપનીઓના નામ સામેલ છે ત્યારે Paytm, Freecharge જેવી કંપનીઓ પાછળ રહી ગઈ છે.
દેશભરની 183 કંપનીઓએ પેમેન્ટ એગ્રીગેટરનું લાઇસન્સ મેળવવા માટે અરજી કરી હતી. આમાં Cred અને PhonePe જેવી કંપનીઓનો સમાવેશ થાય છે.
આ કંપનીઓની અરજીઓ ફગાવી
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ફ્રીચાર્જ, પેટીએમ, પેયુ અને ટેપિટ્સ ટેક્નોલોજીસની લાઇસન્સ અરજીઓ ફગાવી દીધી છે. જ્યારે PhonePe, Cred, MobiKwik અને InstaMojo સહિત 18 કંપનીઓની અરજીઓ પર હજુ વિચાર કરવામાં આવી રહ્યો છે.
ઘણા ઓનલાઈન પેમેન્ટ ગેટવેની લાઇસન્સ અરજી નકારવાનું કારણ ભૂતકાળમાં ક્રિપ્ટોકરન્સી ટ્રાન્ઝેક્શન અથવા ગેમિંગ એપ્સ સાથેનું તેમનું જોડાણ રહ્યું છે. આટલું જ નહીં, આ તમામના KYC સંબંધિત મુદ્દાઓ પણ તપાસમાં આવ્યા. વળી, ઘણી કંપનીઓ આરબીઆઈ દ્વારા નિર્ધારિત નેટવર્થ લિમિટને પણ પૂરી કરી શકી નથી.
પેમેન્ટ એગ્રીગેટર લાયસન્સ માંગતી ફિનટેક કંપનીઓની નેટવર્થ 31 માર્ચ, 2021 સુધીમાં રૂ. 15 કરોડ અને 31 માર્ચ, 2023 સુધીમાં રૂ. 25 કરોડ હોવી જોઈએ.