શનિવારે છેલ્લો દિવસ! 2000 રૂપિયાની કેટલી નોટો હજુ પરત નથી આવી?
ભારતીય રિઝર્વ બેંકે શુક્રવારે જણાવ્યું કે, હજુ રૂપિયા 12,000 કરોડની 2000ની ચલણી નોટો બેંકમાં પરત આવી નથી. આરબીઆઈની ત્રિમાસિક નીતિની જાહેરાત કરવા યોજાયેલી પત્રકાર પરિષદમાં રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે, 2000ની ચલણી નોટની 87 ટકા રકમ બેંકોમાં પરત આવી ગઈ છે અને હજુ 12,000 કરોડની કિંમતની નોટો પરત આવી નથી.
શક્તિકાંત દાસે જણાવ્યું કે, રૂપિયા 3.43 લાખ કરોડની કિંમતની 2000ની ચલણી નોટો પરત આવી છે.
ભારતીય રિઝર્વ બેંક (RBI) એ 19 મે, 2023 ના રોજ જાહેરાત કરી હતી કે રૂ. 2,000 ની નોટ ચલણમાંથી પાછી ખેંચી લેવામાં આવશે. આરબીઆઈએ લોકોને 30 સપ્ટેમ્બર, 2023 સુધીમાં નોટો જમા કરાવવા અથવા બદલી આપવા જણાવ્યું હતું. આરબીઆઈએ જણાવ્યું હતું કે નોટો 30 સપ્ટેમ્બર, 2023 પછી પણ કાનૂની ટેન્ડર તરીકે સ્વીકારવાનું ચાલુ રખાશે. જો કે બેંકમાં નોટો બદલવામાં નહીં આવે તો 30 સપ્ટેમ્બર, 2023 પછી તેનું મૂલ્ય બંધ થઈ જશે.
વાંચોઃ 2000ની નોટ હવે સાતમી ઑક્ટોબર સુધી જમા કરાવી શકાશે, RBIએ રાહત આપી
જોકે, 30 સપ્ટેમ્બરે સાંજે ભારતીય રિઝર્વ બેંકે એક યાદી જાહેર કરીને રૂપિયા 2000ની નોટ પરત લેવાની, બેંકમાં એક્સચેન્જ કરાવવાની મુદતમાં વધારો કર્યો હતો. તદઅનુસાર હવે આગામી સાતમી ઑક્ટોબરને શનિવાર સુધી 2000 રૂપિયાની ચલણી નોટ કાંતો ડિપોઝિટ કરાવી શકાશે અથવા તેના બદલામાં નાના મૂલ્યની નોટો બેંકમાંથી લઈ શકાશે.
રિઝર્વ બેંકે ટ્વિટ દ્વારા જાણકારી આપી કે, રૂપિયા 2000ની નોટ પરત ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થઈ છે, અને તે અંગે સમીક્ષા કર્યા બાદ બેંક નોટ પરત લેવાની મહેતલ 7મી ઑક્ટોબર, 2023 સુધી વધારવામાં આવે છે. આમ આવતીકાલે સાત ઑક્ટોબર છે ત્યારે રિઝર્વ બેંકે ત્યારપછીની રૂપિયા 2000ની ચલણી નોટની સ્થિતિ અંગે અગાઉ માર્ગદર્શિકા જાહેર કરેલી છે.
8મી ઑક્ટોબર બાદ વ્યક્તિગત ધોરણે અથવા સંસ્થા-કંપની RBIની નિર્ધારિત 19 બ્રાન્ચમાં એક સાથે મહત્તમ રૂપિયા 20,000 જમા કરાવી શકશે અને તેની સામે નાની રકમની નોટ લઈ શકશે. એ જ પ્રમાણે જે લોકો પોતાના ખાતાંમાં રકમ જમા કરાવવા માગતા હશે તેઓ ગમે તેટલી રકમની 2000ની નોટ માત્ર RBIની નિર્ધારિત 19 શાખા દ્વારા કરી શકશે.
આઠ ઑક્ટોબર પછી વ્યક્તિગત અથવા કંપનીઓ રૂપિયા 2000ની બેંક નોટો ભારતીય પોસ્ટ દ્વારા RBIની નિર્ધારિત 19 બ્રાન્ચમાં મોકલાવી શકશે જેને તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવશે.
આરબીઆઈએ મહત્ત્વની જાહેરાત એ પણ કરી છે કે, રૂપિયા 2000ની બેંકનોટ કાનૂની ચલણી નોટ તરીકે યથાવત રહેશે.
વાંચોઃ RBI ગવર્નર શક્તિકાંત દાસે 2000 રૂપિયાની નોટ અંગે કહી આ મોટી વાત !