ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

RAW એ ભારતમાં ચીનની ગુપ્ત કામગીરી અંગે આપી મોટી ચેતવણી

  • નેપાળી પાસપોર્ટનો ઉપયોગ કરીને ઘૂસણખોરીનો પ્રયાસ
  • ચીની એજન્ટોએ હિન્દી અને અંગ્રેજી ભાષા શીખી
  • ભારતને આર્થિક નુકસાન કરવા ચીને ગુપ્ત યોજના ઘડી

ભારતની ગુપ્તચર એજન્સી રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (RAW) એ દેશમાં ચીનની ગુપ્ત કામગીરી સામે આંતરિક સુરક્ષા એજન્સીઓને ચેતવણી આપી છે. ફોરેનર્સ રિજનલ રજીસ્ટ્રેશન ઓફિસ (FRRO) દ્વારા સુરક્ષા સમીક્ષા બેઠક દરમિયાન આ વાતની પુષ્ટિ કરવામાં આવી હતી. જેમાં ભારતમાં ચીનની ગતિવિધિઓને લઈને મોટો ખુલાસો થયો છે કે ચીનના એજન્ટો નેપાળી પાસપોર્ટનો ઉપયોગ કરીને ઘૂસણખોરી કરી રહ્યા છે અને પછી ભારતમાં સ્થાયી થઈ રહ્યા છે. આ એજન્ટો પોલીસના હાથે પકડાઈ ન જાય તે માટે ખાનગી એજન્સીઓ અને સ્થાનિક નેપાળી પાસપોર્ટ ઓફિસની મદદથી નેપાળી પાસપોર્ટ મેળવીને નવી ઓળખ ઉભી કરી રહ્યા છે. આ ઉપરાંત, તેઓએ હિન્દી અને અંગ્રેજી ભાષા પણ શીખી જેથી તેમના પર કોઈ શંકા પેદા ના થાય.

નેપાળીઓ પર કડક નજર રાખવા નિર્દેશો જારી કર્યા

RAW એ મુંબઈ, પુણે અને નાગપુર આવતા નેપાળીઓ પર કડક નજર રાખવા માટે આંતરિક સુરક્ષા એજન્સીઓને નિર્દેશો જારી કર્યા છે. આ નિર્દેશમાં R&AW ને મળેલી બાતમી મુજબ ચીની એજન્ટોએ ભારતમાં ઘુસણખોરી કરવા માટે નવી ગુપ્ત રણનીતિ તૈયાર કરી છે. આ ચીની એજન્ટો નેપાળી પાસપોર્ટ મેળવીને નવી ઓળખ ઉભી કરી રહ્યા છે. નેપાળમાંથી ભારતમાં ઘૂસણખોરી કરવા અને મુંબઈ કે પુણે જેવા શહેરોમાં પહોંચવા નેપાળી પાસપોર્ટનો ઉપયોગ કરે છે. તેઓ શહેરમાં સ્થાયી થાય છે અને સ્થાનિક સમુદાય વચ્ચે રહે છે. પછી તેઓ ભારત વિરુદ્ધ તેમની છૂપી કાર્યવાહી શરૂ કરે છે.

ભારતને આર્થિક નુકસાન પહોંચાડવાનું ચીનનું ષડયંત્ર

ચીની એજન્ટો ભારતમાં શેલ કંપનીની સ્થાપના કરે છે, પછી તેમાં ભારતીય ડિરેક્ટરોની નિમણૂક કરીને અને કર ટાળવા રોકડ વ્યવહારો કરીને આર્થિક જોખમ ઊભું કરે છે. જેના પરિણામે ભારતને નોંધપાત્ર આવકનું નુકસાન થાય છે. આમાંથી થતો નફો ચીનની કંપનીઓને મોકલવામાં આવે છે. જોકે આવી કંપનીઓને શોધવી એ એક મોટો પડકાર છે. મળતી માહિતી મુજબ, ચીન આ ગુપ્ત એજન્ટો દ્વારા પરમાણુ શસ્ત્રો, કંટ્રોલ એન્ડ કોમ્યુનિકેશન્સ (C3I) સિસ્ટમ્સ વિશે ગુપ્ત માહિતી એકત્ર કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ મિશનને પાર પાડવા તેઓ મુખ્યત્વે સામાન્ય નાગરિકોનો ઉપયોગ કરે છે.

આ પણ વાંચો: કેનેડામાં નિજ્જરની હત્યામાં ચીનનો હાથ હોવાની કોણે વ્યક્ત કરી આશંકા?

Back to top button