ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડસ્પોર્ટસ

રવિચંદ્રન અશ્વિને રચ્યો ઈતિહાસ: ટેસ્ટમાં 500 વિકેટ કરી પૂર્ણ

  • મેચના બીજા દિવસે અશ્વિને જેક ક્રાઉલીને આઉટ કરીને આ ઐતિહાસિક સિદ્ધિ પ્રાપ્ત કરી
  • રવિચંદ્રન અશ્વિન ટેસ્ટમાં 500 વિકેટનો આંકડો પાર કરનાર બીજો ભારતીય ખેલાડી

રાજકોટ, 16 ફેબ્રુઆરી: રાજકોટમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમવામાં આવી રહેલી ટેસ્ટ મેચમાં ભારતના સ્ટાર ઓફ સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિને ઈતિહાસ રચ્યો છે. આ મેચ દરમિયાન રવિચંદ્રન અશ્વિને પોતાની 500 વિકેટ પૂરી કરી લીધી છે. અશ્વિને મેચના બીજા દિવસે એટલે કે 16 ફેબ્રુઆરીએ જેક ક્રાઉલીને આઉટ કરીને આ ઐતિહાસિક સિદ્ધિ પ્રાપ્ત કરી છે. રવિચંદ્રન અશ્વિન ટેસ્ટમાં 500 વિકેટનો આંકડો પાર કરનાર બીજો ભારતીય ખેલાડી છે.

 

 

અશ્વિને શેન વોર્ન અને અનિલ કુંબલેને પાછળ છોડી દીધા

અશ્વિન ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી 500 વિકેટ લેનારો બીજો ભારતીય બોલર છે. અશ્વિને 98મી ટેસ્ટ મેચમાં આ સિદ્ધિ મેળવી છે. ટેસ્ટમાં સૌથી ઝડપી 500 વિકેટ લેવાનો રેકોર્ડ મુથૈયા મુરલીધરનના નામે છે, જેણે 87મી ટેસ્ટમાં આ અનોખી સિદ્ધિ મેળવી હતી. જ્યારે પૂર્વ ભારતીય કેપ્ટન અનિલ કુંબલેએ 105 ટેસ્ટમાં આ રેકોર્ડ બનાવ્યો હતો અને ઓસ્ટ્રેલિયાના સ્વર્ગસ્થ સ્પિનર ​​શેન વોર્ને તેની 108મી ટેસ્ટમાં આ રેકોર્ડ બનાવ્યો હતો. એટલે કે સૌથી ઝડપી ગતિએ 500 વિકેટ લેવાના મામલે અશ્વિને શેન વોર્ન અને અનિલ કુંબલેને પાછળ છોડી દીધા છે.

ક્રિકેટમાં 500 વિકેટ પૂરી કરનાર વિશ્વનો નવમો બોલર

અશ્વિન ટેસ્ટ ક્રિકેટમાં 500 વિકેટ પૂરી કરનાર વિશ્વનો નવમો બોલર છે. ઉપરાંત, તે 500 કે તેથી વધુ વિકેટ ઝડપનાર પાંચમો સ્પિનર ​​છે. ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ શ્રીલંકાના મુથૈયા મુરલીધરન (800)એ લીધી હતી. શેન વોર્ન (708) બીજા સ્થાને છે અને જેમ્સ એન્ડરસન (695*) હાલમાં ત્રીજા સ્થાને છે. અનિલ કુંબલે ભારત માટે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. કુંબલેએ 132 ટેસ્ટ મેચમાં 619 વિકેટ લીધી હતી. તેનું સર્વશ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન 10/74 હતું.

સૌથી વધુ ટેસ્ટ વિકેટ કોના નામે છે ?

  1. મુથૈયા મુરલીધરન (શ્રીલંકા 1992-2010): 133 ટેસ્ટ – 800 વિકેટ
  2. શેન વોર્ન (ઓસ્ટ્રેલિયા 1992-2007): 145 ટેસ્ટ – 708 વિકેટ
  3. જેમ્સ એન્ડરસન (ઈંગ્લેન્ડ 2003-2023): 185* ટેસ્ટ – 696* વિકેટ
  4. અનિલ કુંબલે (ભારત 1990-2008): 132 ટેસ્ટ – 619 વિકેટ
  5. સ્ટુઅર્ટ બ્રોડ (ઇંગ્લેન્ડ 2007-2023): 167 ટેસ્ટ – 604 વિકેટ
  6. ગ્લેન મેકગ્રા (ઓસ્ટ્રેલિયા 1993-2007): 124 ટેસ્ટ – 563 વિકેટ
  7. કર્ટની વોલ્શ (વેસ્ટ ઈન્ડિઝ 1984-2001): 132 ટેસ્ટ – 519 વિકેટ
  8. નાથન લિયોન (ઓસ્ટ્રેલિયા 2011-2023): 127* ટેસ્ટ – 517* વિકેટ
  9. રવિચંદ્રન અશ્વિન (ભારત 2011-2023): 98* ટેસ્ટ – 500* વિકેટ

500 કે તેથી વધુ વિકેટ લેનારા સ્પિનરો કોણ-કોણ ?

  1. મુથૈયા મુરલીધરન (શ્રીલંકા): 133 ટેસ્ટ – 800 વિકેટ
  2. શેન વોર્ન (ઓસ્ટ્રેલિયા): 145 ટેસ્ટ – 708 વિકેટ
  3. અનિલ કુંબલે (ભારત): 132 ટેસ્ટ – 619 વિકેટ
  4. નાથન લિયોન (ઓસ્ટ્રેલિયા): 127* ટેસ્ટ – 517* વિકેટ
  5. રવિચંદ્રન અશ્વિન (ભારત): 98 ટેસ્ટ*- 500* વિકેટ

સૌથી ઝડપી 500 વિકેટ

  1. મુથૈયા મુરલીધરન (શ્રીલંકા) – 87 ટેસ્ટમાં
  2. રવિચંદ્રન અશ્વિન (ભારત) – 98 ટેસ્ટમાં
  3. અનિલ કુંબલે (ભારત) – 105 ટેસ્ટમાં
  4. શેન વોર્ન (ઓસ્ટ્રેલિયા) – 108 ટેસ્ટમાં
  5. ગ્લેન મેકગ્રા (ઓસ્ટ્રેલિયા) –110 ટેસ્ટમાં

અશ્વિને નવેમ્બર 2011માં વેસ્ટ ઈન્ડિઝ સામે દિલ્હીમાં કર્યું હતું ટેસ્ટ ડેબ્યૂ

તમિલનાડુના આ સ્પિનરે નવેમ્બર 2011માં વેસ્ટ ઈન્ડિઝ સામે દિલ્હીમાં ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું અને ત્યારથી તે ભારતીય ટીમનો સ્ટાર ખિલાડી છે. ટેસ્ટમાં તેણે 24થી ઓછી એવરેજથી વિકેટ લીધી છે. અશ્વિને 34 વખત એક ઇનિંગમાં પાંચ કે તેથી વધુ વિકેટ અને આઠ વખત મેચમાં દસ કે તેથી વધુ વિકેટ લીધી છે.

આ પણ જુઓ: IPL 2024 પહેલાં MS ધોનીનું બેટ એકાએક કેમ ચર્ચામાં આવ્યું?

Back to top button