કચ્છ - સૌરાષ્ટ્રકૃષિખેતીગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગવિશેષસાયન્સ એન્ડ ટેકનોલોજી

MLA કાંતિભાઈ અમૃતિયાના હસ્તે મોરબીમાં રવિ કૃષિ મહોત્સવનો શુભારંભ

  • ખેડૂતોને રવિ પાકો વિશે આધુનિક કૃષિ અને ટેક્નોલોજી અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું
  • ખેડૂતોને વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવી
  • ખેડૂતલક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગેની સમજ મળી રહે તે માટે રાજ્યના તમામ તાલુકાઓમાં કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે

મોરબી, 24 નવેમ્બર: મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે યોજાયેલા રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૩ કાર્યક્રમનો મોરબી-માળિયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ શુભારંભ કરાવ્યો હતો. ખેડૂતોના આર્થિક ઉત્કર્ષ અને તેમને વિવિધ યોજનાઓની માહિતી આપી યોજનાઓના લાભ હેઠળ સાંકળી લેવાના હેતુથી મોરબી જિલ્લામાં ૫ તાલુકા અને એક પિયતના નવા સોર્સ ખાતે એક ૬ જગ્યાઓએ રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૩નું આયોજન કરવામાં આવ્યું છે.

કૃષિ સંમેલન-HDNews
કૃષિ સંમેલન-photo_Information department, Morbi

ખેતી એ આપણી ધરોહર અને આપણી સંસ્કૃતિ છે. ત્યારે રાજયના ખેડૂતોને રવિ સીઝનમાં રવિ પાકો વિષે આધુનિક કૃષિ અને ટેકનોલોજી વિશે માર્ગદર્શન અને ખેડુતલક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગેની સમજ મળી રહે તે માટે રાજ્યના તમામ તાલુકાઓમાં યોજાયેલા કાર્યક્રમની જેમ મોરબીમાં પણ કાર્યક્રમ યોજાયો હતો.

 

આ પ્રસંગે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી તેઓ ખેડૂતોની આવક ડબલ કરવા માટે પ્રયત્નશીલ છે. આપણે સૌએ એક વાત સ્વીકારવી જ પડશે કે ખેતી આબાદ તો દેશ આબાદ. અત્યારે સરકાર દ્વારા ખેતી અને અને ખેડૂતોના કલ્યાણ અર્થે વિવિધ યોજનાઓ થકી કામગીરી કરવામાં આવી રહી છે. મોરબી જિલ્લામાં ખેડૂતોને સિંચાઈ માટે તમામ કેનાલો રિપેર થાય તે માટે આયોજન કરવામાં આવ્યું છે અને ટૂંક સમયમાં તેનું અમલીકરણ કરવામાં આવશે. સૌની યોજનાની જેમ આપણે મોરબી જિલ્લામાં સૌના તળાવ નામે એક નવી પહેલ કરવા જઈ રહ્યા છીએ. જે માટે શરૂઆતમાં ૩૫ તળાવોને મચ્છુ -૨ અને મચ્છુ -૩ સહિતના ડેમો સાથે જોડી સિંચાઈ માટે પાણી પુરૂ પાડવા માટે પ્રયાસો કરવામાં આવશે. સરકાર ખેડૂતોને પાણી, ખાતર ટેકાના ભાવ બજાર વગેરેની સાથે વિવિધ સહાય અને સબસીડી આપે છે. વધુમાં તેઓએ સારા સ્વાસ્થ્ય માટે આરોગ્યપ્રદ ખેત પ્રણાલી અને ખોરાક પદ્ધતિ અપનાવવા જણાવ્યું હતું.

કૃષિ સંમેલન-HDNews
કૃષિ સંમેલન-photo_Information department, Morbi

જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યાએ જણાવ્યું હતું કે, ખેડૂતોને ખેડૂતલક્ષી યોજનાઓની માહિતી મળી રહે, ખેડૂતો આ યોજના માટે અરજી કરી લાભ લે, તે માટે આ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષથી ખેડૂતલક્ષી યોજનાઓની સહાય ડ્રો ના બદલે બજેટ અને ટાર્ગેટ મુજબ તમામને આપવામાં આવે છે.

 

આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે ડાંગર લાખાભાઈ તેમજ કણજારિયા હરિભાઈ નામના બે ખેડૂતોનું સન્માન કરવામાં આવ્યું હતું અને ટ્રેકટરના લાભાર્થીને પેમેન્ટ ઓર્ડરનું વિતરણ કરવામાં આવ્યું હતું.

 

કૃષિ વૈજ્ઞાનિકોએ માર્ગદર્શન આપ્યું

રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૩ કાર્યક્રમમાં કૃષિ પરિસંવાદ અને કૃષિ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કૃષિ વૈજ્ઞાનિક હેતલબેન મણવરે મિલેટ્સ વિશે જ્યારે ડો. અશ્વિનભાઈએ FPO ની કામગીરી વિશે માર્ગદર્શન આપ્યું હતું. તે ઉપરાત કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા ખેડૂતોને મિલેટ, પ્રાકૃતિક ખેતી, અને નવીનતમ ટેકનોલોજી અંગે માહિતી આપવામા આવી હતી. આ કાર્યક્રમ અન્વયે બે દિવસ માટે સેવાસેતુ કાર્યક્રમ, પશુ આરોગ્ય કેમ્પ, કૃષિને લગતા સ્ટોલ વગેરેનું આયોજન કરવામાં આવ્યું છે.

કોણ-કોણ ઉપસ્થિત રહ્યા

મોરબી-માળિયા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યા, સહકારી અગ્રણી અને મોરબી માર્કેટિંગ યાર્ડના ચેરમેન મગનભાઈ વડાવિયા, મોરબી તાલુકા પંચાયત પ્રમુખ અશોકભાઈ દેસાઈ, મોરબી પ્રાંત અધિકારી સુશીલ પરમાર, મોરબી તાલુકા વિકાસ અધિકારી પી.એચ. ડાંગર, જિલ્લા ખેતીવાડી અધિકારી વિક્રમસિંહ ચૌહાણ, અગ્રણી જેઠાભાઈ મ્યાત્રા, રાકેશભાઈ કાવર, જીલેશભાઈ કાલરીયા અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની મોટી જાહેરાત, દેશભરમાં શરૂ થશે ઇથેનોલ પંપ

Back to top button