રવીના ટંડને પોતાની સાથે મારપીટની ઘટના અંગે છેવટે મૌન તોડ્યું, જાણો શું કહ્યું?
મુંબઈ, 7 જૂનઃ રવીના ટંડને પોતાની સાથે ગયા અઠવાડિયે અમુક લોકોએ કરેલી મારપીટ અને ગાળાગાળી અંગે છેવટે મૌન તોડ્યું છે. રવીનાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર એક પોસ્ટ મૂકીને પોતાના મનના ભાવ વ્યક્ત કર્યા છે.
રવીના ટંડને તેના ઈન્સ્ટાગ્રામ સ્ટેટસ દ્વારા પહેલી જૂનની ઘટના અંગે તેને સમર્થન આપનાર તમામ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરતાં લખ્યું છે કે, અભૂતપૂર્વ પ્રેમ, વિશ્વાસ અને સમર્થન બદલ આભાર. આખી વાતનું તારણ શું છે? હવે ડૅશકૅમ અને સીસીટીવી(ના ફૂટેજ) કાઢીને જૂઓ.
યાદ રહે, પહેલી જૂનને શનિવારે રાત્રે રવીના કોઈ કાર્યક્રમમાંથી તેના ઘરે પરત આવી ત્યારે ત્યાં રાત્રે ફરવા નીકળેલા લોકોની ભીડ હોવાથી ડ્રાઈવરને કાર ચલાવવામાં મુશ્કેલી પડી રહી હતી. એ દરમિયાન કાર કેટલીક મુસ્લિમ મહિલાઓની નજીક પહોંચી જતાં એ મહિલાઓએ બૂમાબૂમ કરી દીધી હતી. ડ્રાઈવરે કાર તરત રોકી દીધી હતી અને રવીના શું થયું એ જોવા કારમાંથી બહાર આવી ત્યારે એ મહિલાઓએ તેની સાથે ઝપાઝપી કરી હતી. તે સમયે વાયરલ થયેલા વીડિયોમાં રવીના એ ટોળાને એવી વિનંતી કરતી સાંભળવા મળી હતી કે, મને મારશો નહીં.
વાંચો અહીં એ દિવસની ઘટનાનો અહેવાલઃ
રવિના ટંડનની કારને અકસ્માત નડ્યો, ટોળાએ તેની સાથે ઝપાઝપી કરી
આમછતાં ટોળાએ રવીના અને તેના ડ્રાઈવરને કસુરવાર ગણીને પોલીસમાં ફરિયાદ નોંધાવવા પહોંચી ગયા હતા. જોકે, પોલીસે તત્કાળ ફરિયાદ નોંધી નહોતી અને ઘટના ખરેખર શું બની છે તે સમજવા પ્રયાસ કર્યો હતો. આ અંગે મુંબઈ ઝોન-9ના ડીસીપી રાજ તિલક રોશને જણાવ્યું હતું કે, રવીના તેના ઘરે આવી રહી હતી. તેની ગાડી રિવર્સ લેવી પડે એવી સ્થિતિ ઊભી થઈ હતી. એ દરમિયાન પાછળ રહેલી મહિલાઓએ બૂમાબૂમ કરી દીધી હતી. તેમણે ડ્રાઈવરને બેફામ બોલવાનું શરૂ કરી દીધું હતું કે, જોઈને ચલાવી નથી શકતો? ગાડી કોઈ મહિલાને અડી પણ નહોતી છતાં એ મહિલાઓ ગુસ્સે થઈ જતાં રવીના ગાડીની બહાર આવી હતી અને ત્યારે એ મહિલાઓએ અભિનેત્રી પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, થોડી ઝપાઝપી અને બોલાચાલી બાદ મામલો શાંત પડી ગયો હતો અને કોઈ ફરિયાદ દાખલ કરવામાં આવી નહોતી. કોઈને કશી ઈજા પણ થઈ નહોતી, કેમ કે ગાડી કોઈને અડી જ નહોતી.
જૂઓ અહીં વીડિયોઃ
Nobody was injured in the accident involving actress #RaveenaTandon‘s car, according to the police. They stated that the complainant filed a false complaint against the actress and created fake videos.
The #KharPolice reported that the actress’s driver was reversing the car… pic.twitter.com/bs8n4iTNXQ
— Hate Detector 🔍 (@HateDetectors) June 2, 2024
જોકે, કેટલાક લોકોએ આ ઘટનાનો વીડિયો વાયરલ કરીને એવું દર્શાવવાનો પ્રયાસ કર્યો હતો કે, રવીનાના ડ્રાઈવરે અકસ્માત કરી દીધો હતો અને રવીના પોતે શરાબના નશામાં હતી વગેરે.
છેવટે ઘટનાના એક અઠવાડિયા પછી ગઈકાલે ગુરુવારે મોડી સાંજે રવીનાએ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી દ્વારા તેના સમર્થકોનો આભાર માન્યો હતો અને એ દિવસના સીસીટીવી ફૂટેજની તપાસ થવી જોઇએ તેવી માગણી કરી હતી.