નોઈડાના આ ગામમાં થયો હતો રાવણનો જન્મ, દશેરા પર રહે છે શોક
- પૌરાણિક કથાઓ અનુસાર બિસરખ ગામ લંકાપતિ રાવણના પિતા વિશ્રવા ઋષિનું ગામ હતું. તેમના નામ પરથી આ ગામનું નામ બિસરખ પડ્યું. રાવણનો જન્મ પણ આ જ ગામમાં થયો હતો
HD ન્યુઝ ડેસ્કઃ શારદીય નવરાત્રી 3જી ઓક્ટોબરથી શરૂ થઈ છે અને દશેરાના દિવસે એટલે કે 12મી ઓક્ટોબરે સમાપ્ત થશે. આખા દેશમાં દશેરાના તહેવારની તૈયારીઓ ચાલી રહી છે, પરંતુ ઉત્તર પ્રદેશના ગૌતમ બુદ્ધ નગરમાં ગ્રેટર નોઈડાથી 15 કિલોમીટરના અંતરે એક ગામ આવેલું છે, જેનું નામ બિસરખ છે. કહેવાય છે કે આ ગામમાં દશેરાનો તહેવાર ઉજવવામાં આવતો નથી, પરંતુ તે દિવસે લંકાપતિ રાવણની મંત્રોચ્ચાર સાથે પૂજા કરવામાં આવે છે.
વડીલોનું કહેવું છે કે કેટલાક દાયકાઓ પહેલા બિસરખ ગામમાં રાવણના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું, પરંતુ પુતળા દહન બાદ ઘણા લોકોના મોત થયા હતા. ત્યારબાદ ગામના લોકોએ વિધિ-વિધાન અને મંત્રોચ્ચાર સાથે રાવણની પૂજા કરી અને ત્યારે જ આખા ગામમાં શાંતિ આવી હતી. આમાં કેટલું સત્ય છે તે તો ગામના લોકો જ કહી શકે, પરંતુ ત્યારબાદ ગામમાં ક્યારેય દશેરાની ઉજવણી થઈ નથી કે દશેરા પર રાવણનું પૂતળાનું દહન કરવામાં આવ્યું નથી.
જાણો કેમ નથીઉજવવાતી દશેરા?
પૌરાણિક કથાઓ અનુસાર બિસરખ ગામ લંકાપતિ રાવણના પિતા વિશ્રવા ઋષિનું ગામ હતું. તેમના નામ પરથી આ ગામનું નામ બિસરખ પડ્યું. એવું માનવામાં આવે છે કે ઋષિ વિશ્રવા આ ગામમાં દરરોજ પૂજા કરવા આવતા હતા. રાવણનો જન્મ પણ આ જ ગામમાં થયો હતો. ત્યારબાદ આ ગામ કુંભકર્ણ, સુર્પણખા અને વિભીષણનું જન્મસ્થળ પણ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર જ્યારે આખો દેશ રામજીના વિજયની ઉજવણી કરી રહ્યો હતો ત્યારે આ ગામમાં રાવણના મૃત્યુનો શોક મનાવાતો હતો. તેથી જ આજે પણ બિસરખ ગામમાં લોકો દશેરાના દિવસે શોક મનાવે છે.
બિસરખ ગામનો પુત્ર છે રાવણ
સ્થાનિક લોકોનું કહેવું છે કે રાવણ તેમના ગામનો પુત્ર છે. આ ગામમાં રાવણને ભગવાનની જેમ પૂજવામાં આવે છે. અહીંના ગ્રામજનોએ આજ સુધી ક્યારેય રામલીલા જોઈ નથી. દશેરાના દિવસે ઘરે ઘરે પકવાન બનાવવામાં આવે છે, પરંતુ રામલીલા કે પૂતળાનું દહન કરવામાં આવતું નથી.
આ પણ વાંચોઃ દશેરા પર કરો આ ઉપાયો, નેગેટિવિટિ થશે દુર, ખુશીઓ મળશે