સુરતમાં રત્ન કલાકારને દુષ્કર્મ કેસમાં ફસાવવાની ધમકી આપી રૂપિયા ખંખેર્યા
સુરત, 24 ફેબ્રુઆરી 2024, શહેરમાં ફરી હનીટ્રેપની ઘટના પ્રકાશમાં આવી છે. રત્ન કલાકારને મહિલા મિત્ર અને તેની બહેન સહિત સાત લોકોની ટોળકીએ બળાત્કારના કેસમાં ફસાવવાની ધમકી આપી બે લાખ રૂપિયાની માગણી કરી હતી. આ ઘટનામાં પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે અને ચાર આરોપીને વોન્ટેડ જાહેર કર્યા છે. રત્નકલાકાર 70 હજાર રૂપિયા આપવા તૈયાર હતો. આરોપીઓએ રત્નકલાકારના પિતાને જાણ કરવાની ધમકી આપી 2500 રૂપિયા કઢાવી લીધા હતા. રત્નકલાકારે જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે છટકું ગોઠવીને ચંદ્રેશ પાંડવ તેની પત્ની ચંદ્ર અને નંદની પાંડવની ધરપકડ કરી છે. તે ઉપરાંત હરેશ, હિતેશ સહિત ચાર લોકોને વોન્ટેડ જાહેર કર્યા છે.
કામના બહાને ઓનલાઈન રૂપિયા 8 હજાર પડાવી લીધા
પ્રાપ્ત વિગતો પ્રમાણે ડભોલીમાં સુકન સ્કાય એપાર્ટમેન્ટ ખાતે રહેતા ધાર્મિક નાવડીયા હીરાના કારખાનામાં નોકરી કરે છે. છ માસ પહેલાં ફેસબુક પર નંદીની નામની યુવતીએ ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી આપી હતી. વાતચીતમાં વિશ્વાસ કેળવી નંદીનીએ દવાખાનાના કામના બહાને ઓનલાઈન રૂપિયા 8 હજાર પડાવી લીધા હતા. ત્યારબાદ નંદીની વારંવાર રૂપિયાની માંગણી કરવા સાથે કાયમ નાઇટમાં જ કોલ કરતી હોવાથી મહિના પહેલા ધાર્મિકે તેને બ્લોક કરી દીધી હતી. 21મી તારીખે કોલ કરી વાત કરતા તેણે પાંચ મિનિટ મળવાની વાત કરી હતી. ઇસ્કોન સર્કલ પાસે ધાર્મિકને મળવા બોલાવ્યો હતો. ઈસ્કોન સર્કલ પાસે નંદીનીની સાથે અન્ય એક મહિલા તેના બે બાળકો સાથે જોવા મળી હતી.
આરોપીઓ 70 હજાર રૂપિયામાં સેટલમેન્ટ કરવા તૈયાર થયા
ત્યારબાદ નંદીનીએ નજીકમાં રોઝ ગાર્ડન પાસે લઇ જવાની વાત કરતા ધાર્મિક તેઓને ત્યાં લઈ ગયો હતો. અહીં ગાર્ડનમાં વોશરૂમમાં જવાના બહાને નંદીનીની બહેન ચંદા બે બાળકોને ત્યાંથી લઇ ગઇ હતી. આ સમયે અન્ય બે યુવકોએ ત્યાં ધસી આવી ધાર્મિકને દમદાટી-ધમકી આપી હતી તથા મોબાઈલ અને બાઈકની ચાવી લીધા બાદ બ્લેકમેલિંગ શરૂ કર્યું હતુ. નંદીનીની સાથે કેમ ફરે છે? એમ કહી બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી સમાધાન પેટે 2 લાખ માંગ્યા હતા. તે સમય દરમિયાન ધાર્મિકે 20 હજાર જ મેનેજ કરી શકું એવી વાત કરતા આખરે તેઓ 70 હજાર રૂપિયામાં સેટલમેન્ટ કરવા તૈયાર થયા હતા. ધાર્મિકને બાઇક પર બેસાડી વરિયાવ રોડ પર લઈ જઈ રોકડા 2500 પડાવી લીધા બાદ ઓનલાઈન બીજા 2500 ટ્રાન્સફર કરાવી લીધા હતા. બપોર સુધીમાં 70 હજાર રૂપિયા નહીં આપે તો પિતાને જાણ કરી બદનામ કરવાની ધમકી તેઓએ આપી હતી. અંતે સમગ્ર મામલો જહાંગીરપુરા પોલીસ સ્ટેશનને પહોંચ્યો હતો. હાલ સમગ્ર મામલે પોલીસે છટકું ગોઠવીને ચંદ્રેશ પાંડવ તેની પત્ની અને નંદની પાંડવની ધરપકડ કરી છે.
આ પણ વાંચોઃખેડામાં દારૂની મહેફિલ બાદ મારામારીઃ ત્રણ પોલીસ કર્મીઓનો વીડિયો વાયરલ