ગુજરાત

લીંબડીના નટવરગઢમાં રેશનિંગ દુકાનદાર ગેરરીતિ કરતો ઝડપાયો, દુકાન સીલ

Text To Speech

સુરેન્દ્રનગરઃ લીંબડી તાલુકાના નટવરગઢ ગામનો સસ્તા અનાજની દુકાનધારક ગેરરીતિ આચરતા રંગેહાથ ઝડપાઈ ગયો હતો. મામલતદાર અને પુરવઠા વિભાગ દ્વારા અનાજ સહિત રાશનનો જથ્થો અને વ્યાજબી ભાવની દુકાનને સીલ કરી દેવામાં આવી હતી. લીંબડી તાલુકાના નટવરગઢ ગામનો પરષોતમ ચતુરભાઈ કાલિયા છેલ્લા ઘણાં વર્ષોથી ગામમાં વ્યાજબી ભાવની દુકાન ચલાવતો હતો.

સસ્તા અનાજની દુકાનમાં મોટા પાયે ગેરરીતિ થતી હોવાની ફરિયાદ નટવરગઢ ગ્રામ પંચાયતના સભ્યો દ્વારા મામલતદાર અને પુરવઠા વિભાગને કરવામાં આવી હતી. અરજીને આધારે મામલતદાર જે.આર.ગોહેલ, પુરવઠા નાયબ મામલતદાર ડી.કે.રોજાસરા સહિત ટીમે નટવરગઢ ગામની સસ્તા અનાજની દુકાનમાં સ્થળ તપાસ હાથ ધરી હતી. આ અંગે ડે.મામલતદાર ડી.કે.રોજાસરાએ જણાવ્યું કે, તપાસ દરમિયાન સસ્તા અનાજની દુકાનના સંચાલક પરષોતમ કાલિયા ફ્રી કુપનના રૂ.10 લઈ કાઢી આપતા હોવાની માહિતી મળી હતી અને વધુમાં ગરીબ લોકોને અનાજનો જથ્થો નિયમ કરતા ઓછો આપતો હતો.

નિયમિત દુકાન ખોલવાને બદલે મન ફાવે ત્યારે દુકાન ખોલતો હતો. તેની પાસેથી વધુ જથ્થો મળી આવ્યો હતો. સહિતની વિવિધ ક્ષતિઓ ધ્યાને આવતા મામલતદાર દ્વારા અનાજ સહિત રાશનનો જથ્થો અને દુકાન સીલ કરી દેવામાં આવી છે. આ અંગેનો રિપોર્ટ જિલ્લા પુરવઠા અધિકારીને સોંપી દેવામાં આવ્યો છે. રિપોર્ટ જોઈ ડીએસઓ દ્વારા જે નિર્ણય લેવામાં આવશે તે પ્રમાણે લોકોને અનાજ સહિતનો જથ્થા માટે વૈકલ્પિક વ્યવસ્થા કેવી રીતે કરવી સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Back to top button