એક તરફ આગામી દિવસોમાં તહેવારો નજીક આવી રહ્યા છે. ત્યારે બીજી તરફ કમિશન વધારાની માંગણીનો અમલ ન થતાં સસ્તા અનાજના દુકાનદારોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. રેશનિંગના દુકાનદારોએ સસ્તા અનાજની દુકાનો પરથી અનાજનું વિતરણ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.
સસ્તા અનાજના દુકાનદારોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી
પ્રાપ્ત વિગતો મુજબ રેશનિંગ દુકાનદારોના કમિશન વધારાના માંગણીનો ઉકેલ ના આવતા રોષે ભરાયા છે. જેથી સસ્તાના અનાજની દુકાનના 17 હજાર વેપારીઓએ સપ્ટેમ્બર મહિનામાં અનાજના વિતરણ માટે પુરવઠાનો જથ્થો સ્વીકારવા ઇન્કાર કરી દીધો છે. જેથી રેશનકાર્ડધારકો મુશ્કેલીમા મુકાયા છે.
જાણો શું છે કારણ
આ મામલે ફેર પ્રાઈઝ શોપ વેપારી અસોસિએશનના પ્રમુખ પ્રહલાદ મોદીએ જણાવ્યું હતુ કે “વિધાનસભાની ચૂંટણી પૂર્વે સરકારે સસ્તા અનાજની દુકાનના તમામ 17 હજાર વેપારીઓને કમિશનની ઘટ અંતર્ગત રૂપિયા 20 હજાર સુધીની રકમ ભરપાઇ કરી આપવાની જાહેરાત કરાઇ હતી. પરંતુ તેનો હજી સુધી અમલ કર્યો નથી”
અનાજના કિલોએ રૂપિયા બે કમિશન આપવામાં આવે તેવી માંગ
આ ઉપરાંત સસ્તા અનાજની દુકાનો પર તપાસ કરવામાં આવે તો પુરવઠાની ઘટ હોય તો તેમાં એક ટકા સુધી રાહત આપવામા આવે છે, અને એક ટકાથી વધુ હોય તો જ કાયદેસર કાર્યવાહી કરવામાં આવે છે,સાથો સાથ હાલ અનાજના વિતરણમાં એક કિલોએ 1.43 રૂપિયા કમિશન અપાય છે તેના બદલે હરિયાણા સરકારની જેમ અનાજના કિલોએ રૂપિયા બે કમિશન આપવામાં આવે તેવી માંગ પણ કરી છે.
વાટાઘાટો પડી ભાંગતા વેપારીઓએ પુરવઠો સ્વીકારવા ઇન્કાર કર્યો
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ રેશનિંગ દુકાનદારોની સરકારના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી, પરંતુ તેમાં વાટાઘાટો પડી ભાંગતા વેપારીઓએ પુરવઠો સ્વીકારવા ઇનકાર કરી દીધો હતો.
આ પણ વાંચો : સુરત : પ્રાંત અધિકારીના ઘરમાં ધડાકાભેર આગ લાગી, અધિકારીના પત્ની અને પુત્ર ઈજાગ્રસ્ત