ગુજરાત

ગુજરાતમાં જુલાઈથી રેશનકાર્ડ ધારકોને મળશે આ ફાયદો

Text To Speech
  • સરકાર આ જાડું ધાન્ય આપવાની સામે ચોખાનો ક્વોટા ઘટાડશે
  • દર મહિને 1 લાખ 5 હજાર મેટ્રિક ટન ચોખાની પીડીએસ હેઠળ ખપત
  • 5 કિલો ચોખા ઓછા આપી સામે 5 કિલો જાડું ધાન્ય ઉમેરી અપાશે

ગુજરાતમાં જુલાઈથી રેશનકાર્ડ ધારકોને જાડું અનાજ મફતમાં વિતરણ કરાશે. તેમજ ચોખાના જથ્થામાં કાપ મુકાશે. મિલેટ વર્ષની ઉજવણીના ભાગરૂપે આ વિતરણ કરવામાં આવશે. તથા 901.33 ટન મકાઈની માસિક જરૂરિયાત થશે, એમ કેન્દ્ર સરકારને જણાવ્યું છે. એક તીર બે નિશાન નજરમાં રાખીને ગુજરાતમાં આવતા મહિનેથી જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ મિલેટ વર્ષ ધ્યાને લઈ બાજરી, મકાઈ, જુવાર અને રાગી યાને નાગલી જેવું જાડું ધાન્ય મફતમાં રેશનકાર્ડધારકોને અપાશે અને આ વિતરણ મોટાભાગે 2024ની લોકસભાની ચૂંટણી સુધી ચાલશે. 1 કિલો ચોખા ઓછા અપાશે અને સામે 1 કિલો જાડું ધાન્ય ઉમેરી અપાશે.

આ પણ વાંચો: બિપોરજોય વાવાઝોડાને પગલે ગુજરાતના આ વિસ્તારોમાં પડશે ભારે વરસાદ 

5 કિલો ચોખા ઓછા આપી સામે 5 કિલો જાડું ધાન્ય ઉમેરી અપાશે

રસપ્રદ એ છે કે રાજ્ય સરકાર આ જાડું ધાન્ય આપવાની સામે ચોખાનો ક્વોટા ઘટાડી રહી છે. અત્યારે આશરે 8 લાખ અંત્યોદય કુટુંબોને કાર્ડદીઠ 15 કિલો ઘઉં સાથે 20 કિલો ચોખા અપાય છે, તેને બદલે જુલાઈથી ઘઉંનો જથ્થો યથાવત રાખી 5 કિલો ચોખા ઓછા આપી સામે 5 કિલો જાડું ધાન્ય ઉમેરી અપાશે. એવી જ રીતે આશરે 63 લાખ અગ્રતા ધરાવતા કુટુંબોને કાર્ડદીઠ 2 કિલો ઘઉં સાથે 3 કિલો ચોખા અપાય છે, તેને બદલે ઘઉંનો ક્વોટા યથાવત રાખી 1 કિલો ચોખા ઓછા અપાશે અને સામે 1 કિલો જાડું ધાન્ય ઉમેરી અપાશે.

દર મહિને 1 લાખ 5 હજાર મેટ્રિક ટન ચોખાની પીડીએસ હેઠળ ખપત

આમ રાજ્યમાં દર મહિને 1 લાખ 5 હજાર મેટ્રિક ટન ચોખાની પીડીએસ હેઠળ ખપત છે, તેમાં 33 હજાર મેટ્રિક ટનનો કાપ આવશે. સૂત્રો કહે છે કે, અત્યારે ભારત સરકાર જુલાઈથી ડિસેમ્બર-23 સુધીનો જાડા ધાન્યનો ક્વોટા ફાળવી રહી છે, જે વિતરણ બાદમાં લંબાશે. રાજ્ય સરકારના નાગરિક પુરવઠા વિભાગે જે તે વિસ્તારમાં ખોરાકમાં લેવાતા જાડા ધાન્યને ધ્યાને રાખીને તે જાડું ધાન્ય વિતરિત કરવાનું આયોજન કર્યું છે, જેને કારણે 3,624 ટન બાજરીની, 969.33 ટન જુવારની, 373.83 ટન રાગીની અને 901.33 ટન મકાઈની માસિક જરૂરિયાત થશે, એમ કેન્દ્ર સરકારને જણાવ્યું છે.

Back to top button