રાજકોટ શહેરમાં સરકારી રાશનના કાળાબજારનું કૌભાંડ સામે આવ્યું છે. જેમાં પરસાણાનગરમાં એક ગોડાઉન પર પુરવઠા વિભાગે દરોડો પાડતાં ત્યાંથી 8600 કિલો ઘઉં અને 22800 કિલો ચોખાનો અનધિકૃત જથ્થો મળી આવ્યો હતો. હાલ તેની કુલ કિંમત 5.11 લાખ રૂપિયા ગણીને માલ કબ્જે કરવામાં આવ્યો છે.
ફેરિયાઓ પાસેથી અનાજ ખરીદી મિલધારકોને વેચાતું
ગોડાઉન ભાડે રાખનાર મૂળ બિલખાના અલ્તાફ ગફાર ચૌહાણ નામના શખસ પાસેથી આ અનાજના આધાર પૂરાવા મળ્યા નહોતા. જોકે પુરવઠા વિભાગની પૂછપરછમાં તેણે કબુલ્યું હતું કે, તે છ મહિનાથી પરસાણાનગરમાં આ ગોડાઉન રાખીને ફેરિયાઓ પાસેથી રાશન ખરીદે છે અને ત્યારબાદ રાશનનો જથ્થો મિલધારકો સહિતનાને વેચી દેવામાં આવે છે.
નાયબ મામલતદાર રાજેન્દ્ર રાઠોડે ગોડાઉન નજીક ઝાડ હેઠળ છૂપાઇને વોચ રાખી
આ અંગે જિલ્લા પુરવઠા અધિકારી અવની હરણનાં જણાવ્યા મુજબ, બાતમીના આધારે પરસાણાનગરમાં એક ગોડાઉન ભાડે રાખીને બિલખાનો શખસ સરકારી અનાજ બહારથી ખરીદી બારોબાર વેચી પણ રહ્યો છે. સપ્લાય ઈન્સપેક્ટર કિરીટસિંહ ઝાલા, અમિત પરમાર અને નાયબ મામલતદાર રાજેન્દ્ર રાઠોડે શેરી નં.8માં ગોડાઉન નજીક ઝાડ હેઠળ છૂપાઇને વોચ રાખી હતી, જેમાં શંકાસ્પદ હિલચાલ જોવા મળતાં પુરવઠા અધિકારીને સ્થળ પર બોલાવવામાં આવ્યા હતા. બાદમાં ટીમે અંદર જઈને તપાસ કરી તો ઘઉં-ચોખાની ગુણીઓથી ગોડાઉન ખીચોખીચ ભરાયેલું હતું. ગોડાઉન ભાડે રાખનાર મૂળ બિલખાના અલ્તાફ ગફાર ચૌહાણ નામના શખસ પાસે આ અનાજના કોઈ આધાર-પૂરાવા નહોતા. હાલ સ્થળ પરથી બે આઈસર અને એક બોલેરો ભરીને રૂ.1.46 લાખના ઘઉં અને રૂ.3.64 લાખના ચોખા સ્થગિત કરીને સાંજે પુરવઠા નિગમના ગોડાઉન પર મોકલી દેવામાં આવ્યા છે. હાલ પુરવઠા વિભાગ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી હોવાનું અને જરૂર પડ્યે પોલીસની મદદ પણ લેવામાં આવનાર હોવાનું તેમણે જણાવ્યું હતું.