રથયાત્રા 2023: કોમી રમખાણો હોય કે કોરોના મહામારી, શ્રદ્ધા રહી અડગ
- 1946, 1969 અને 1985માં કોમી તોફાનો-કર્ફ્યુ
- વર્ષ 1993માં રથને બુલેટપ્રૂફ કવચ અને 2020ના વર્ષમાં કાળમુખો કોરોના
- ભક્તોએ ભગવાનની નગરચર્યાને હંમેશા હોંશે હોંશે વધાવી
દોઢસો વર્ષ જૂની થવા આવેલી અમદાવાદની ભગવાન જગન્નાથજીની રથયાત્રાને ભક્તોની આસ્થાએ પરંપરાગત રીતે જાળવી રાખી છે. જમાલપુરમાં સાબરમતી નદીના કિનારે આવેલું જગન્નાથ મંદિર 400 વર્ષ જૂનું મનાય છે. રથયાત્રા માનવસર્જિત અને કુદરતસર્જિત અનેક વિઘ્નોમાંથી પસાર થયા બાદ પણ ભક્તોની આસ્થાને અકબંધ રાખી શકી છે. ભગવાન જગન્નાથજીએ અનેક વિઘ્નો વચ્ચે પણ ભક્તો સમક્ષ જવાનું પસંદ કર્યું છે પરંતુ કોરોનાકાળે આ પરંપરાને તોડી હતી અને ભગવાનને મંદિર પરિસરમાં જ રહેવું પડ્યું હતું.
કોમી તોફાનો વચ્ચે પણ નીકળી રથયાત્રા
1946માં કોમી તોફાનો થયાં તે પછી પણ તોફાનો વચ્ચે રથયાત્રા નીકળતી રહી છે. 1985માં પણ ગુજરાતમાં ભારે તોફાનો ફાટી નીકળ્યાં હતાં ત્યારે રથયાત્રા કેવી રીતે કાઢવી તે એક સમસ્યા હતી. રથયાત્રા માટે તે વખતની સરકારે મંજૂરી આપી નહોતી, પરંતુ શ્રદ્ધાળુઓ પરંપરાને તૂટવા દેવા માગતા નહોતા. તે વખતે જગન્નાથ મંદિર ફરતે ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો, પરંતુ મંગળા આરતી અને યાત્રાના પ્રારંભની વિધિ પછી હાથીની સવારી આગળ નીકળે તે માટે ભક્તોમાં જોશ હતો. સરજુપ્રસાદ નામનો હાથી આગળ વધ્યો અને મંદિરના દરવાજા સામે પોલીસવાન આડશ તરીકે હતી તેને સૂંઢથી ધક્કો મારીને હટાવી દીધી. ભગવાન નગરચર્યાએ જવા માગે છે એવા સંકેત તરીકે આ ઘટનાને લઈને ભક્તોનો પ્રવાહ પણ બેરિકેડ તોડીને આગળ વધી ગયો.
પહેલી વખત ક્યારે નીકળી હતી રથયાત્રા
1878માં પ્રથમ વાર રથયાત્રા નીકળી હતી. 1969માં અમદાવાદમાં ગમખ્વાર કોમી રખમાણો ફાટી નીકળ્યાં હતાં. તે વર્ષે પણ રથયાત્રા કેવી રીતે નીકળશે તેની ચિંતા વચ્ચે ભગવાન નગરચર્યાએ નીકળ્યા જ હતા પરંતુ કુદરતી આફતને કારણે આખરે પરંપરા તોડવી પડી. 1993માં રથયાત્રા પર કોઈ દૂરથી ગોળીબાર ના કરે તે માટે બૂલેટપ્રૂફ કાચ લગાવાયા હતા. 1946માં રથયાત્રામાં ફાટી નીકળેલાં તોફાનો ખાળવામાં હિંદુ-મુસ્લિમ બે મિત્ર વસંત-રજબે શહીદી વહોરી હતી.
કોરોના મહામારીએ પરંપરા બદલી
2020ના વર્ષમાં કોરોના મહામારી ફૂંફાડા મારી રહી હતી ત્યારે 143મી રથયાત્રા કેવી રીતે યોજવી મોટો પ્રશ્નાર્થ હતો. છેવટે હાઈકોર્ટના આદેશના બહાને રથયાત્રાની વિધિ માત્ર મંદિરમાં જ થઈ. જગન્નાથજી મંદિરના પરિસરમાં જ ત્રણેય રથને ફેરવવામાં આવ્યા અને સંતોષ માની લેવો પડ્યો.
રથયાત્રાના રથમાં કેવા ફેરફારો થયા?
19મી સદીનાં શરૂઆતનાં વર્ષોથી સાગનાં લાકડાંમાંથી રથ બનવા લાગ્યા હતા. તેના કારણે રથનું વજન પણ ઘટ્યું અને મજબૂત પણ બન્યા. 1950માં રથ થોડા મોટા થયા અને પૈડાંની સંખ્યા ઓછી કરીને છ રાખવામાં આવી. તેથી વજન ત્રણ ટન જેટલું થયું. બાવળનાં પૈડાં ફરતે લોખંડની પ્લેટ પણ આગળ જતાં લાગી અને 1992માં રથને વળાંક આપી શકાય તેવી સ્ટીયરિંગની પણ વ્યવસ્થા થઈ. રથનું સ્વરૂપ થોડું થોડું બદલાતું રહ્યું, પરંતુ ખલાસી ભાઈઓ આજે પણ દર વર્ષે દોઢેક મહિના અગાઉથી ત્રણેય રથને નવેસરથી સજાવવા માટે જગન્નાથ મંદિરે હાજર થઈ જાય એ પરંપરા અકબંધ રહી છે.
આ પણ વાંચોઃ જય જગન્નાથના નારા સાથે ગુંજશે શહેરઃ જાણો રથયાત્રાનો રૂટ