રવિવારે પાકિસ્તાન સામે ભારત જ જીતશે: પૂર્વ પાકિસ્તાની કેપ્ટને કરી દીધી ભવિષ્યવાણી
6 જૂન, લાહોર: રવિવારે એટલેકે 9મી જૂને ન્યૂયોર્કના નસાઉ કાઉન્ટી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ICC T20 World Cup 2024માં ભારત અને પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો થવાનો છે. પરંતુ આ મુકાબલાના ત્રણ દિવસ પહેલા જ પૂર્વ પાકિસ્તાની કેપ્ટને આ મેચના પરિણામ વિશે ભવિષ્યવાણી કરી દીધી છે.
રાશીદ લતીફ જે પોતાના બેબાક નિવેદનો માટે જાણીતા છે તેમણે ભારતીય ન્યૂઝ એજન્સી PTI સાથે વાત કરતાં કહ્યું હતું કે હું જોઈ રહ્યો છું કે રવિવારની મેચમાં ભારત પાકિસ્તાનને હરાવી દેશે. પૂર્વ પાકિસ્તાની કેપ્ટને આમ એટલા માટે કહ્યું છે કે તેમને ભારતની ટીમ સેટલ્ડ લાગે છે જ્યારે પાકિસ્તાની ટીમ તેમને હજી પણ જીતનો વિશ્વાસ અપાવી શકતી નથી.
લતીફનું કહેવું છે કે પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમે હજી પણ પ્રેશર કેમ હેન્ડલ કરવું તે શીખવાનું બાકી છે. બાબર આઝમે રોહિત શર્મા અને વિરાટ કોહલી પાસેથી એ શીખવું જોઈએ કે દબાણવાળી પરિસ્થિતિમાં કેવી રીતે રમવું જોઈએ અને કેવી રીતે કપ્તાની કરવી જોઈએ.
લતીફને લાગે છે કે આ મેચમાં બાબર સતત દબાણ હેઠળ હશે અને તેને એ ખબર નહીં પડે કે આવી પરિસ્થિતિમાંથી મેચને કેવી રીતે આગળ લઇ જઈ શકાય. રાશીદ લતીફે એમ પણ કહ્યું હતું કે ભારત પાસે કુલદીપ યાદવ જેવો સ્પિનર છે જે જો આખો વિશ્વ કપ રમશે તો તમામ બેટ્સમેનો માટે મુશ્કેલી ઉભી કરી શકે તેમ છે. તે ભારતનો મુખ્ય બોલર બની ગયો છે અને જો તે પોતાનું હાલનું ફોર્મ દોહરાવશે તો રવિવારે પાકિસ્તાનને ખાસ્સી મુશ્કેલી પડવાની છે.
પોતાની ટીમ વિશે જણાવતા રાશીદ લતીફે કહ્યું હતું કે હજી ટીમ પાસે ફિક્સ ઓપનીંગ જોડી નથી. જેમને પણ આ જવાબદારી સોંપવામાં આવી હતી તે તમામ નિષ્ફળ ગયા હતા. તો બોલિંગમાં શાહીન, નસીમ, રઉફ અને શાદાબ ઇન્જરીમાંથી પરત આવી રહ્યા છે તો ઈમાદ વસીમ ઇન્જર્ડ થઇ ગયો છે.
લતીફે કોચ ગેરી કર્સ્ટનની નિયુક્તિના સમય ઉપર પણ પ્રશ્નાર્થ ચિહ્ન લગાવી દીધું હતું. તેનું કહેવું હતું કે તે IPL 2024 પૂર્ણ થયા બાદ પાકિસ્તાની ટીમ સાથે જોડાયા હતા. તેઓ ત્યારે પાકિસ્તાની ખેલાડીઓને ફક્ત તેમના નામથી જાણે છે પરંતુ કયા ખેલાડી કઈ રીતે કામમાં આવશે એ માટે તેમણે ટીમ સાથે પૂરતો સમય ગાળવાનો હતો તે શક્ય બની શક્યું નથી. આ માટે લતીફે સીધેસીધું PCBને દોષિત ગણી લીધું હતું.