T-20 વર્લ્ડ કપT20 વર્લ્ડકપવિશેષસ્પોર્ટસ

પાકિસ્તાની ખેલાડીઓની પૈસા કમાવાની લાલચના નવા કારનામા પર રાશીદ લતીફ ધૂવાંપૂવાં

Text To Speech

5 જૂન, લાહોર: વિવાદ અને પાકિસ્તાન ક્રિકેટને બહુ જૂનો સંબંધ છે. પાકિસ્તાની ક્રિકેટ ટીમ હાલમાં અમેરિકામાં T20 World Cup  રમી રહી છે પરંતુ વિવાદ અહીં પણ તેનો પીછો નથી છોડી રહ્યો. આ વખતના વિવાદનું કારણ છે એક ડિનર. પરંતુ આ ડિનર પાકિસ્તાની ખેલાડીઓની પૈસા કમાવાની લાલચનો પર્દાફાશ કરી ચૂક્યું છે અને તેને કારણે પૂર્વ પાકિસ્તાની ખેલાડી અને કેપ્ટન રાશીદ લતીફ અત્યંત ગુસ્સામાં છે.

મૂળ ઘટના એવી છે કે પાકિસ્તાની ટીમે ન્યૂયોર્કમાં પોતાના ફેન્સ માટે Meet and Greetના નામે એક ડિનર પાર્ટીનું આયોજન કર્યું હતું. અહીં સુધી તો કોઈને વાંધો ન હતો કે ક્રિકેટરો પોતાના વિદેશી ફેન્સને મળવા માંગે છે અને તેમની સાથે ડિનર કરવા માંગે છે.

પરંતુ વાંધો ત્યાં આવ્યો જ્યારે આ ડિનરમાં જોડાવા માટેની ફી પ્રતિ વ્યક્તિ 25 અમેરિકન ડોલર્સની રાખવામાં આવી. બસ, આ જ વાતે રાશીદ લતીફને ગુસ્સે કરી દીધો છે. રાશીદ લતીફ પાકિસ્તાનના શ્રેષ્ઠ ખેલાડીઓમાં સ્થાન પામે છે અને પાકિસ્તાની ક્રિકેટમાં રહેલી મેચ ફિક્સિંગની બદીને પોતાના રમવાના સમયમાં પણ બહાર લાવવા માટે તે પ્રખ્યાત છે.

અત્યારે સોશિયલ મીડિયામાં રાશીદ લતીફનો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં પાકિસ્તાની ખેલાડીઓની લાલચ વિશે તે તેમની આકરી ટીકા કરતો નજરે પડી રહ્યો છે. રાશીદ કહે છે, ‘ઘણા ઓફીશીયલ ડિનર હોય છે પરંતુ આ તો પ્રાઈવેટ ડિનર હતું. આવું કોણ કરે છે? આ ભયંકર છે. આનો મતલબ એવો થયો કે તમારે તમને ગમતા ખેલાડીઓને મળવું હોય તો તમારે 25 ડોલર્સ આપવા પડશે? આ ખરેખર શરમજનક છે. હવે તો લોકો કહેવાના જ કે આપણા ખેલાડીઓ કમાણી કરવાના નવા રસ્તાઓ શોધતા હોય છે!’

આ વિડીયોમાં પાકિસ્તાનના જાણીતા સ્પોર્ટ્સ પત્રકાર અને એન્કર નૌમાન નિયાઝ પણ જોવા મળે છે. તેઓ કહી રહ્યા છે કે પાકિસ્તાની ક્રિકેટ ખરેખર એક દુઃખદ તબક્કામાંથી પસાર થઇ રહ્યું છે. તેમણે કહ્યું હતું કે ટીમના એક ફેને તો તેમને ટોણો મારતાં કહ્યું હતું કે ટીમે 25 ડોલર્સથી પણ વધુ કિંમત રાખવી જોઈતી હતી જેથી ટીમના ખેલાડીઓને વધુ કમાણી થઇ શકે.

રાશીદ લતીફે બાદમાં કહ્યું હતું કે આ પ્રાઈવેટ ડિનર હતું પરંતુ તે પાકિસ્તાન અને પાકિસ્તાન ક્રિકેટના નામે આયોજિત કરવામાં આવ્યું હતું જે ખરેખર દુઃખદ છે.

Back to top button