હૈદરાબાદમાં સગીરા પર બળાત્કારના વધુ 2 કિસ્સા, ગોવામાં પણ બ્રિટિશ મહિલા પર બળાત્કાર


તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં હજુ સગીરા પર સામૂહિક બળાત્કારનો મામલો થાળે પડ્યો નથી ત્યાં વધુ બે સગીરા પર બળાત્કાર થયાની ઘટના ઘટી છે. પહેલો કેસ રામગોપાલપેટ પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે અને બીજો કેસ રાજેન્દ્રનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધવામાં આવ્યો છે. બંને કેસમાં આરોપીઓ પર બળજબરી અને બળાત્કાર કરવાનો આરોપ છે.
રામગોપાલપેટ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર સૈદુલુએ જણાવ્યું હતું કે, “અમને ચાઇલ્ડ વેલફેર કમિટી તરફથી ફરિયાદ મળી છે કે ઇન્ટરમીડિયેટમાં અભ્યાસ કરતા 23 વર્ષીય યુવકે પીડિતા સાથે બળાત્કાર ગુજાર્યો હતો. પોક્સો એક્ટ અને અન્ય કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આરોપીની ધરપકડ કરવામાં આવી છે.”

તો બીજી તરફ, રાજેન્દ્રનગર સર્કલ પોલીસ સ્ટેશના ઇન્સ્પેક્ટર કનકૈયાએ જણાવ્યું હતું કે, “અમને એક સગીરા તરફથી ફરિયાદ મળી છે કે એક મહિના પહેલા તેના પર એક સગીર દ્વારા થિયેટરમાં બળાત્કાર કરવામાં આવ્યો હતો. પોક્સો એક્ટની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યા બાદ કિશોરને ઓબ્ઝર્વેશન હોમમાં મોકલવામાં આવ્યો છે.”
પોલીસ સગીરાનું રક્ષણ કરવામાં નિષ્ફળ- NCW
હૈદરાબાદમાં બળાત્કારની ઘટનાઓ પર રાષ્ટ્રીય મહિલા આયોગના પ્રમુખ રેખા શર્માએ કહ્યું કે, હૈદરાબાદમાં બનેલી ઘટના દુઃખદ છે. પોલીસ સગીરોને સુરક્ષા આપવામાં નિષ્ફળ રહી છે. આ બાબતની નોંધ લેતા મેં તેલંગાણા ડીજીપીને પત્ર લખ્યો હતો. પોલીસે પ્રથમ કેસમાં 4 આરોપીઓની ધરપકડ કરી છે, એક ફરાર છે. NCW અન્ય બાબતો પર પણ ધ્યાન આપશે.
તેલંગાણા મહિલા આયોગ અને રાજ્યપાલને પણ સમન્સની જાણ કરી
તેલંગાણા રાજ્ય મહિલા આયોગે પણ રાજ્યના પોલીસ મહાનિર્દેશક એમ મહેન્દ્ર રેડ્ડીને એક કિશોરી પર સામૂહિક બળાત્કારના કેસમાં સોમવારે રિપોર્ટ રજૂ કરવા જણાવ્યું છે. સૂત્રોએ જણાવ્યું હતું કે આ મામલાની સુઓ મોટુ સંજ્ઞાન લઈને પંચે રાજ્યના પોલીસ મહાનિર્દેશક પાસેથી આ મામલે રિપોર્ટ માંગ્યો છે. તેમણે કહ્યું કે પંચ ગુનેગારોને સખત સજા આપવાના પક્ષમાં છે અને પીડિત પરિવારની સાથે રહેશે. રાજ્યપાલ તમિલિસાઈ સુંદરરાજને રવિવારે રાજ્યના મુખ્ય સચિવ અને ડીજીપી પાસેથી બે દિવસમાં આ મામલે વિગતવાર રિપોર્ટ માંગ્યો હતો. નોંધનીય છે કે ગયા મહિનાની 28મી તારીખે અહીં એક વાહનમાં પબમાં ગયેલી કિશોરી પર ત્રણ કિશોરો સહિત પાંચ લોકોએ કથિત રીતે ગેંગરેપ કર્યો હતો.

ગોવાના અરમ્બોલ બીચ પર બ્રિટિશ મહિલા પર બળાત્કાર
ઉત્તર ગોવાના અરમ્બોલ બીચ પાસે પ્રખ્યાત ‘સ્વીટ લેક’ પર એક બ્રિટિશ મહિલા પર બળાત્કાર કરવાના આરોપમાં 32 વર્ષીય વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, એક સ્થાનિક રહેવાસી, આરોપી જોએલ વિન્સેન્ટ ડિસોઝાએ 2 જૂને બીચ પર આરામ કરી રહેલી આધેડ વયની બ્રિટિશ મહિલા પર કથિત રીતે બળાત્કાર કર્યો હતો. પતિ સાથે ગોવા ફરવા આવેલી પીડિતાએ સોમવારે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ અધિકારીએ કહ્યું, “આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે વધુ તપાસ ચાલુ છે.”