સ્પોર્ટસ

રણજી ટ્રોફી : પંજાબને 71 રને હરાવી સૌરાષ્ટ્ર સેમિ ફાઈનલમાં પહોંચ્યું

Text To Speech

રણજી ટ્રોફીની સીરીઝમાં રાજકોટ ખાતે રમાયેલી મેચમાં પંજાબને 71 રને હરાવી સૌરાષ્ટ્ર સેમિફાઇનલમાં પહોંચ્યું છે. આ મેચમાં ચારેય ઇનિંગ્સમાં મહત્વનું યોગદાન આપનાર પાર્થ ભુતને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. સૌરાષ્ટ્ર હવે સેમિફાઈનલમાં કર્ણાટક સામે રમશે.

મધ્યપ્રદેશ અને બંગાળની ટીમ પણ સેમિફાઈનલમાં પહોંચી

રણજી ટ્રોફીની સેમિફાઇનલમાં સૌરાષ્ટ્ર ઉપરાંત મધ્ય પ્રદેશ અને બંગાળ પણ પહોંચ્યા છે. આંધ્ર પ્રદેશને 5 વિકેટથી હરાવીને મધ્ય પ્રદેશે રણજી ટ્રોફીની સેમી ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે. આંધ્ર પ્રદેશ પ્રથમ ઇનિંગમાં 379 રન કર્યા હતા. મધ્યપ્રદેશે 228 રન નોંધાવ્યા હતા. આમ આંધ્રપ્રદેશે 151 રનની સરસાઈ મેળવવા છતાં તેઓ હાર્યા હતા. આંધ્રપ્રદેશ બીજી ઇનિંગમાં 93 રનમાં જ ખખડયું હતું. મધ્યપ્રદેશે 245 રનનો ટાર્ગેટ 5 વિકેટ ગુમાવીને હાંસલ કર્યો હતો. જ્યારે કે ઝારખંડના પ્રથમ ઇનિંગના 173 રન સામે બંગાળે 328 રન સામે 155 રનની સરસાઈ મેળવી હતી. ઝારખંડ 7 વિકેટે 162 રનથી આગળ રમતા આજે 221 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. બંગાળને જીતવા માટે 67 રનનો ટાર્ગેટ મળ્યો હતો. આ ટાર્ગેટ તેઓએ 1 વિકેટ ગુમાવીને પુરો કર્યો હતો. આ સાથે જ બંગાળની ટીમ રણજી ટ્રોફીની સેમિફાઈનલમાં પહોંચ્યુ હતું.

કર્ણાટકે ઉત્તરાખંડને એક ઈનિંગથી પરાજય આપ્યો

આ ઉપરાંત સૌરાષ્ટ્ર સામે સેમિફાઇનલમાં ટકરાનાર કર્ણાટકે ઉત્તરાખંડને એક ઇનિંગથી પરાજય આપ્યો છે. ઉત્તરાખંડને ક્વાર્ટર ફાઇનલમાં એક ઇનિંગ અને 281 રનથી ધરખમ પરાજય આપીને કર્ણાટક રણજી ટ્રોફીની સેમિ ફાઇનલમાં પ્રવેશ્યું હતું. ઉત્તરાખંડના પ્રથમ ઇનિંગના 116 રન સામે કર્ણાટકે 606 રન ખડકીને 490 રનની જંગી લીડ મેળવી હતી.

Back to top button