ટ્રેન્ડિંગનેશનલસ્પોર્ટસ

રણજી ટ્રોફીની ફી ડબલ અથવા ત્રણ ગણી કરવી જોઈએ: સુનીલ ગાવસ્કરની BCCIને સલાહ

  • ફીમાં વધારો થતાં વિવિધ કારણોસર પોતાનું નામ રણજી ટ્રોફીમાંથી પાછું ખેંચી લેતા ખેલાડીઓની સંખ્યામાં ઘટાડો થશે: સુનિલ ગાવસ્કર

નવી દિલ્હી, 16 માર્ચ: T20 ક્રિકેટના કારણે રેડ બોલ ક્રિકેટને અવગણવું વિદેશમાં સામાન્ય બાબત બની ગઈ છે, પરંતુ ધીરે ધીરે તેની અસર ભારતીય ક્રિકેટ પર પણ જોવા મળી રહી છે. રેડ બોલના ક્રિકેટને બચાવવા માટે, BCCIએ તાજેતરમાં એક ‘પ્રોત્સાહક યોજના’ જાહેર કરી છે, જેમાં ટેસ્ટ ક્રિકેટ રમનારા ખેલાડીઓને મેચની ફી ઉપરાંત પૈસા આપવામાં આવશે. BCCIની આ યોજનાના દરેક જગ્યાએ વખાણ થઈ રહ્યા છે. મહાન સુનીલ ગાવસ્કરે પણ BCCIના આ પગલાની પ્રશંસા કરી છે. જો કે તેમણે BCCIને રણજી ટ્રોફીને બચાવવા માટે આવા જ કેટલાક પગલા ભરવાની મહત્વની સલાહ પણ આપી છે.

સુનીલ ગાવસ્કરે BCCIને ભલામણ કરી છે કે, બોર્ડે રણજી ટ્રોફીમાં ભાગ લેવા માટે ખેલાડીઓની ફી “બમણી અથવા ત્રણ ગણી” કરીને તેને આકર્ષક બનાવવી જોઈએ. આનાથી એવા ખેલાડીઓની સંખ્યામાં ઘટાડો થશે જેઓ વિવિધ કારણોને ટાંકીને રણજી ટ્રોફીમાંથી પોતાનું નામ પાછું ખેંચી લે છે. BCCIએ હાલમાં જ કેટલાક ખેલાડીઓને રણજી ટ્રોફીમાં ભાગ ન લેવા બદલ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી બહાર કરી દીધા હતા.

સુનિલ ગાવસ્કરે શું કહ્યું?

સુનિલ ગાવસ્કરે શુક્રવારે તેના ફાઉન્ડેશન ‘ચેમ્પ્સ’ની 25મી વર્ષગાંઠની ઉજવણી દરમિયાન પત્રકારોને કહ્યું હતું કે, “મને લાગે છે કે જ્યારે ધર્મશાલામાં યોજનાની જાહેરાત કરવામાં આવી ત્યારે રાહુલ દ્રવિડે (ભારતના મુખ્ય કોચ) જે કહ્યું, તે તેને ઈનામ કહેવા માંગશે. જેઓ રમત રમશે તેમને પુરસ્કાર આપવું એ BCCI માટે અદ્ભુત બાબત છે, પરંતુ હું બીસીસીઆઈને વિનંતી કરવા માંગુ છું કે ટેસ્ટ ટીમના ફીડર, જે રણજી ટ્રોફી છે, તેના પર પણ ધ્યાન આપે.”

 

સુનિલ ગાવસ્કરે વધુમાં કહ્યું કે, “(જો) રણજી ટ્રોફીની ફી બમણી અથવા ત્રણ ગણી થઈ જાય છે, તો ચોક્કસપણે ઘણા વધુ લોકો રણજી ટ્રોફી રમશે, કારણ કે જો રણજી ટ્રોફી મેચ રમવાની ફી સારી મળશે તો વિવિધ કારણોસર રણજીમાંથી બહાર જતાં લોકો ઓછા થશે.” BCCIએ 2021માં મેચ ફીના માળખામાં ફેરફાર કર્યા હતા. 1થી 20 મેચ રમનાર ખેલાડીઓને પ્રતિ દિવસ 40 હજાર, 21થી 40 મેચ રમનારને 50 હજાર અને 40થી વધુ મેચ રમનારને 60 હજાર મેચ ફી મળે છે.

આ પણ જુઓ: મલિંગાના ‘ક્લોન’નું ડેબ્યૂ નિશ્ચિત! જાણો મુંબઈ ઈન્ડિયન્સની સંભવિત પ્લેઈંગ 11

Back to top button