વ્રજમાં રંગોત્સવનો આજથી પ્રારંભ: રાધા રાણીની નગરી બરસાનામાં લડ્ડુમાર હોળીની ઉજવણી
- મથુરા, વૃંદાવન અને બરસાનાની સુપ્રસિદ્ધ હોળીની ઉજવણી કરવા માટે દેશ-વિદેશથી લોકો પધારે છે
મથુરા, 17 માર્ચ: હોળીનો તહેવાર દેશભરમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ વર્ષે હોળીનો તહેવાર 25મી માર્ચે ઉજવવામાં આવશે. રંગોના આ તહેવારની ખાસ કરીને વ્રજની હોળીની લોકો આતુરતાથી રાહ જુએ છે. કાન્હાની નગરીની આ હોળી વિશ્વ પ્રસિદ્ધ છે. જ્યાં દેશ-વિદેશથી લોકો હોળીનો ઉત્સવ ઉજવવામાં માટે આવે છે. દર વર્ષે હોળીના અવસરે મથુરા, વૃંદાવન અને બરસાનામાં દૂર-દૂરથી લોકો ભેગા થાય છે. ત્યારે આ વ્રજમાં રંગોત્સવનો આજથી શુભારંભ થઈ ચૂક્યો છે. રાધા રાણીની નગરી બરસાનામાં આજે લડ્ડુમાર હોળીનું આયોજન કરવામાં આવ્યું છે. આ હોળીનું વિશેષ મહત્વ છે. જ્યારે આવતીકાલે સોમવારે બરસાનામાં વિશ્વ પ્રસિદ્ધ લઠ્ઠમાર હોળીની ઉજવણી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, પૌરાણિક પરંપરા મુજબ, હોળીમાં રંગો અને ગુલાલ સિવાય ફૂલો, લડ્ડુ અને લઠ્ઠ (લાકડી)થી પણ રમવામાં આવે છે.
આજે એટલે કે 17મી માર્ચે બરસાનામાં લડ્ડુમાર હોળીની ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગે હજારો કિલો લાડુની વર્ષા કરવામાં આવશે. હોળીના આ અનોખા તહેવારને જોવા માટે દેશ-વિદેશના લોકો મથુરા અને બરસાના પહોંચે છે.
લડ્ડુમાર હોળી શા માટે રમાય છે?
મથુરાની પરંપરા મુજબ, લડ્ડુમાર હોળીમાં રાધા રાણીએ તેમના મિત્રો સાથે બરસાનાથી કાન્હાના ઘરે નંદગાંવ ગુલાલ લઈ જાય છે, જ્યાં તેઓ હોળી રમવા માટેનું આમંત્રણ આપે છે. આ પછી નંદગાંવમાં લઠ્ઠમાર હોળીનું આમંત્રણ સ્વીકાર્યા બાદ જ શ્રીજી મંદિર બરસાનામાં લડ્ડુમાર હોળીનું આયોજન કરવામાં આવે છે. પૌરાણિક કથાઓ અનુસાર, દ્વાપર યુગમાં રાધાજીના પિતા હોળીનું આમંત્રણ લઈને નંદબાબાના ઘરે ગયા હતા અને તેમણે તેમનું આમંત્રણ સ્વીકાર્યું હતું. આ પછી નંદબાબાએ પુરોહિતોને (પૂજારીઓ) સ્વીકૃતિ પત્ર મોકલ્યો હતો. આ પુરોહિતોનું સ્વાગત કરતી વખતે તેમને ખાવા માટે લાડુ પણ આપવામાં આવ્યા હતા. એવું કહેવાય છે કે આ દરમિયાન બરસાનાની ગોપીઓ ગુલાલ લગાવવા લાગી તો પુરોહિતોએ તે લાડુઓને વરસાવ્યા. એવું માનવામાં આવે છે કે, લડ્ડુમાર હોળી ઉજવવાની પરંપરા ત્યારથી જ શરૂ થઈ હતી. બરસાના અને નંદગાંવના લોકો આજે પણ આ પરંપરાને અનુસરી રહ્યા છે.
લડ્ડુમાર હોળીનું શું છે મહત્ત્વ?
ધાર્મિક માન્યતાઓ અનુસાર, લડ્ડુમાર હોળીના દિવસે લોકો પર લાડુનો વરસાદ કરે છે અને જેને લાડુ મળે છે તે ખૂબ જ ભાગ્યશાળી હોય છે. એવું કહેવાય છે કે, જે વ્યક્તિના હાથમાં સંપૂર્ણ લાડુ આવે છે તેને રાધા રાણીના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે. ભગવાન શ્રીકૃષ્ણ અને રાધાના આશીર્વાદથી તેમનું ઘર હંમેશા સંપત્તિથી ભરેલું રહે છે.
આજથી શરૂ થતી વ્રજ હોળીની સંપૂર્ણ યાદી:
- 17 માર્ચ 2024- શ્રીજી મંદિર (બરસાના) માં લાડુની હોળી
- 18 માર્ચ 2024- લઠ્ઠમાર હોળી (બરસાના)
- 19 માર્ચ 2024- નંદ ભવન (નંદગાંવ) ખાતે લઠ્ઠમાર હોળી
- 20 માર્ચ 2024- રંગભરી એકાદશી (વૃંદાવન)
- 21 માર્ચ 2024- છડીમાર હોળી, બાંકે બિહારી મંદિર (ગોકુલ) ખાતે ફૂલોની હોળી
- 22 માર્ચ 2024- ગોકુલ હોળી
- 24 માર્ચ 2024- હોલિકા દહન (દ્વારકાધીશ મંદિર ડોલા, મથુરા વિશ્રામ ઘાટ, બાંકે બિહારી વૃંદાવન)
- 25 માર્ચ 2024- સમગ્ર વ્રજમાં હોળીની ઉજવણી કરવામાં આવશે.
- 26 માર્ચ, 2024- દાઉજીનું હુરંગા
- 30 માર્ચ 2024- રંગપંચમીના રોજ રંગનાથજી મંદિરમાં હોળી.
ભગવાન શ્રીકૃષ્ણના જન્મસ્થળ ખાતે 20મીએ લઠ્ઠમાર હોળી
ભગવાન શ્રીકૃષ્ણના જન્મસ્થળ પર 20 માર્ચના રોજ લઠ્ઠમાર હોળીનું આયોજન કરવામાં આવ્યું છે. માહિતી આપતાં શ્રીકૃષ્ણ જન્મસ્થાન સેવા સંસ્થાનના સેક્રેટરી કપિલ શર્માએ જણાવ્યું કે, વ્રજની પરંપરા મુજબ લઠ્ઠમાર હોળી યોજવાની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે.
આ પણ જુઓ: 12મી સદીની ભગવાન મુરુગનની પ્રાચીન મૂર્તિ તમિલનાડુમાં મળી આવી