સર્વાર્થ સિદ્ધિ, સૌભાગ્ય સહિત અનેક શુભ યોગમાં મનાવાશે રંગભરી એકાદશીઃ જાણો મહત્ત્વ
હોળી પહેલા આવતી એકાદશીને રંગભરી એકાદશી કહેવામાં આવે છે. આ વખતે આ શુભ તિથિ 3 માર્ચના દિવસે છે. રંગભરી એકાદશી દર વર્ષે ફાગણ સુદમાં આવે છે. આ વખતે એકાદશી પર સૌભાગ્ય, શોભન અને સર્વાર્થ સિદ્ધિ જેવા મહાન યોગ બની રહ્યા છે. આ કારણે રંગભરી એકાદશીનું મહત્ત્વ વધી ગયુ છે. રંગભરી એકાદશીને આમલકી એકાદશી પણ કહેવાય છે. આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની સાથે સાથે ભગવાન શિવ અને માતા પાર્વતીની પણ પૂજા કરવામાં આવે છે. જે રીતે હોળાષ્ટકથી હોળીની શરૂઆત થાય છે તે રીતે કાશીમાં રંગભરી એકાદશીથી હોળીની શરૂઆત થાય છે.
કેમ કાશીમાં ઉજવાય છે રંગભરી એકાદશી?
રંગભરી એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની સાથે સાથે આંબળાના વૃક્ષની પણ પુજા પણ કરવામાં આવે છે. ભગવાન શિવને આ દિવસે અબીલ ગુલાલ લગાવામાં આવે છે. એવી માન્યતા છે કે ભગવાન શિવ માતા પાર્વતીને પહેલી વાર કાશી રંગભરી એકાદશી પર લાવ્યા હતા. ભગવાન શિવ અને પાર્વતીનું સ્વાગત લોકોએ અબીલ ગુલાલ ઉડાડીને કર્યુ હતુ. આ કારણે રંગભરી એકાદશીનો ઉત્સવ કાશીમાં મનાવવામાં આવે છે. આ દિવસે બાબા વિશ્વનાથને દુલ્હાની જેમ સજાવવામાં આવે છે. એવી માન્યતા છે કે રંગભરી એકાદશીના દિવસે બાબા વિશ્વનાથ નગર ભ્રમણ પર નીકળે છે અને ચારેય બાજુ લાલ, લીલુ, પીળુ ગુલાલ ઉડાડવામાં આવે છે.
રંગભરી એકાદશીએ કરો આ કામ
- આ દિવસે ભગવાન શિવની વિધિવત પૂજા અર્ચના કરો. 21 બીલીપત્ર પર સફેદ ચંદન લગાવીને અર્પિત કરો. સાથે સાથે ગુલાલ અબીલ પણ ચઢાવો. ત્યારબાદ શિવ ચાલીસાનો પાઠ કરો. આમ કરવાથી નક્ષત્રનો અશુભ પ્રભાવ દુર રહે છે અને જીવનમાં સ્થિરતા રહે છે.
- એકાદશીનું વ્રત કરનારને અનેક ગણુ ફળ પ્રાપ્ત થાય છે. આ દિવસે આંબળાના વૃક્ષની પુજા કરો અને નવ પરિક્રમા કરીને ગુલાલ ચઢાવો. આંબળાના વૃક્ષ નીચે બેસીને વિષ્ણુ સહસ્ત્રનામ સ્ત્રોતનો પાઠ કરો. આંબળાનું દાન કરો. આમ કરવાથી જીવનમાં સફળતા મળશે.
- આ દિવસે પીપળા પર પાણીમાં ભેળવેલુ દુધ ચઢાવો. પાંચ સફેદ પ્રકારની મીઠાઇ ગુલાલ સાથે અર્પણ કરો. ધુપ દીપ કર્યા બાદ 11 પરિક્રમા કરો. સાંજે પાંચ દેશી ઘીના દીપક પીપળા નીચે પ્રગટાવો. આમ કરવાથી તમામ દેવી દેવતાઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને આર્થિક સમસ્યાઓ પણ દુર થાય છે.
આ પણ વાંચોઃ હોળી 2023: દેશના વિવિધ રાજ્યોમાં રસપ્રદ રીતે ઉજવાય છે આ તહેવાર