ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

વિદેશ મંત્રાલયના પ્રવક્તા બન્યા રણધીર જયસ્વાલ, અરિંદમ બાગચીને મળી મોટી જવાબદારી

નવી દિલ્હી, 03 જાન્યુઆરી: ભારતીય વિદેશ મંત્રાલયે રણધીર જયસ્વાલને નવા પ્રવક્તા તરીકે નિયુક્ત કર્યા છે. અત્યાર સુધી વિદેશ મંત્રાલયમાં પ્રવક્તાનું પદ સંભાળી રહેલા અરિંદમ બાગચીને નવી જવાબદારી સોંપવામાં આવી છે. અરિંદમ બાગચીએ પોતે એક્સ પર એક પોસ્ટ દ્વારા આ માહિતી આપી છે. તેમણે લખ્યું કે રણધીર જયસ્વાલે સત્તાવાર પ્રવક્તા તરીકેનો કાર્યભાર સંભાળી લીધો છે. બીજી તરફ, અરદિંમ બાગચીને ભારત સરકાર દ્વારા જીનીવામાં સંયુક્ત રાષ્ટ્ર અને અન્ય આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં દેશના આગામી રાજદૂત કે સ્થાયી પ્રતિનિધિ તરીકે નિયુક્ત કરાયા છે.

અરિંદમ બાગચી UNમાં સ્થાયી પ્રતિનિધિ નિયુક્ત થયા

અરિંદમ બાગચી વિવિધ મુદ્દાઓ પર ભારતની જોરદાર હિમાયત કરતા રહ્યા છે. તેઓ 1995 બેચના IFS અધિકારી છે જે વિદેશ મંત્રાલયમાં પ્રવક્તા તરીકે ફરજ બજાવતા હતા. ભારત સરકારના જણાવ્યા અનુસાર, તેઓ ટૂંક સમયમાં નવી જવાબદારી સંભાળે તેવી અપેક્ષા છે. બાગચીને એવા સમયે સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે જ્યારે દેશ અનેક બાબતોમાં વિશ્વને દિશા આપી રહ્યો છે. એવું માનવામાં આવે છે કે આવા સમયે બાગચી સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના દરેક પાસાને વિશ્વ સમક્ષ મજબૂત રીતે રજૂ કરશે. હાલમાં, રણધીર જયસ્વાલને વિદેશ મંત્રાલયના આગામી પ્રવક્તા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. હવે તે તમામ મામલામાં ભારતનો પક્ષ રજૂ કરશે.

અત્યાર સુધી રણધીર ન્યૂયોર્કમાં જવાબદારી સંભાળતા હતા

1998 બેચના IFS અધિકારી રણધીર જયસ્વાલને વિદેશ મંત્રાલયના નવા પ્રવક્તા બનાવવામાં આવ્યા છે. જયસ્વાલે વિદેશ મંત્રાલયમાં નાયબ સચિવ, અમેરિકા સાથેના સંબંધો જાળવવા અને પશ્ચિમી યુરોપ દેશો સાથે સંયુક્ત સચિવ તરીકે કામ કર્યું છે. 2017માં તેમને આંતરરાષ્ટ્રીય સંબંધો માટે જવાબદાર સંયુક્ત સચિવ તરીકે રાષ્ટ્રપતિની સેવામાં નિયુક્ત કરાયા હતા. તેમણે જુલાઈ 2020માં કોવિડ-19 મહામારીના સમયે ન્યૂયોર્કમાં ભારતના કોન્સ્યૂલ જનરલ તરીકે કાર્યકાર સંભાળ્યો હતો. તેમજ મહામારીના કારણે લાદવામાં આવેલા પ્રતિબંધો વચ્ચે ફસાયેલા પ્રવાસીઓ, વિદ્યાર્થીઓ અને ભારત જવા ઈચ્છતા ભારતીય મૂળના લોકોને પરત લાવવાના પ્રયાસોનું નેતૃત્વ કર્યું હતું.

આ પણ વાંચો: કતરમાં ફાંસીની સજા પામેલા 8 ભારતીયો પરત ફરશે દેશ, જાણો વિદેશ મંત્રાલયે શું કહ્યું?

Back to top button