ટ્રેન્ડિંગમનોરંજન

રણબીરનો ‘લોહીયાળ’ લૂક : ફિલ્મ ‘એનિમલ’નું ફર્સ્ટ લૂક પોસ્ટર થયું રિલીઝ

વર્ષ 2023નું આગમન થઈ ચૂક્યું છે અને બોલિવુડમાં પણ નવા વર્ષને લઈને ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ વર્ષે બી-ટાઉનના સેલેબ્સ પોતાની આવનારી ફિલ્મોને લઈને ઉત્સાહિત છે. ત્યારે આજે વર્ષના પહેલા જ દિવસે T-Series દ્વારા એક મહત્વની જાહેરાત કરવામાં આવી છે. હકીકતમાં આજે T-Seriesએ અભિનેતા રણબીર કપૂરની આગામી ફિલ્મ ‘એનિમલ’નું ફર્સ્ટ લૂક પોસ્ટર આજે રિલીઝ કર્યુ છે. પોસ્ટરના ફર્સ્ટ લુકમાં રણબીરનો લુક એકદમ અલગ દેખાય રહ્યો છે, જેની પર ફેન્સ પણ જાતજાતની પ્રતિક્રિયા આપી રહ્યાં છે.

આ પણ વાંચો : Flash Back 2022 : બોક્સ ઓફિસ પર આ વર્ષે આ બોલિવુડ ફિલ્મોનો રહ્યો દબદબો

રણબીરનો ખતરનાક લૂક 

તાજેતરમાં ફિલ્મ એનિમલનાં નિર્માતાઓએ ચાહકોને ખાસ ભેટ આપતા ફિલ્મનો પ્રથમ લૂક પોસ્ટ શેર કર્યો. આમાં રણબીર કપૂર એકદમ અલગ અંદાજમાં જોવા મળી રહ્યો છે. ફિલ્મનું ફર્સ્ટ લૂક પોસ્ટર T-Seriesના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ અને ટ્વિટર એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યું છે. આ પોસ્ટરમાં અભિનેતા રણબીર કપૂરનો સાઈડ ફેસ દેખાઈ રહ્યો છે. જેમાં તે લોહીથી લથપથ જોવા મળે છે. તેના હાથમાં કુહાડી છે અને તેનાં હાથ પણ લોહીથી ભરેલા છે. આ ઉપરાંત દાઢીના લુકમાં રણબીર ખૂબ જ ગંભીર દેખાઈ રહ્યો છે. પોસ્ટર રીલિઝ કરતા, T-Seriesએ કેપ્શનમાં લખ્યું છે, ‘2023માં તૈયાર થઈ જાવ, આ ‘એનિમલ’નું વર્ષ હશે.’ તમને જણાવી દઈએ કે સંદીપ રેડ્ડી વાંગા દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં રણબીર કપૂર અને રશ્મિકા મંદન્ના મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

Film Animal - Hum Dekhenge News
રશ્મિકા મંદાના અને રણબીર કપૂર

રશ્મિકા મંદન્નાએ પણ શેર કરી પોસ્ટ, યુઝર્સનો મિશ્ર પ્રતિસાદ

અભિનેત્રી રશ્મિકા મંદન્નાએ પણ આ પોસ્ટર પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર મુક્યું છે. તેણે તેની સાથે લખ્યું, ‘એનિમલનો ફર્સ્ટ લુક સામે આવી ગયો છે. હું ખૂબ જ ઉત્તેજક છું. તમે પણ જુઓ. તમને જણાવી દઈએ કે ફિલ્મના ફર્સ્ટ લૂક પોસ્ટરને યુઝર્સનો મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. એક તરફ કેટલાક યુઝર્સ રણબીરના લુકના વખાણ કરતા થાકતા નથી, તેમાં એક યુઝરે લખ્યું, ‘મોટો વિસ્ફોટ થવાનો છે. ફેબ્યુલસ!’. આ સિવાય કેટલાક લોકો તેને ટ્રોલ કરતા પણ જોવા મળી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘શું આ KGFની રિમેક હશે?’ અન્ય યુઝરે લખ્યું કે, ‘સાઉથના હીરોની નકલ કરવામાં આવી રહી છે.’ અને અન્ય એક યુઝરે એવુ પણ લખ્યું કે,’આ સસ્તી શમશેરા છે.’

ફિલ્મ 11 ઓગસ્ટ 2023ના રોજ રિલીઝ થશે

આ ફિલ્મના દિગ્દર્શન અને લેખક સંદીપ રેડ્ડી વાંગા છે. આ ફિલ્મ 11 ઓગસ્ટ 2023ના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવશે. રિપોર્ટ્સ અનુસાર આ ફિલ્મ પાંચ ભાષાઓમાં રિલીઝ થશે. આમાં રણબીર કપૂર એકદમ અલગ અવતારમાં જોવા મળશે. આ ફિલ્મમાં રણબીર અને રશ્મિકા સિવાય અનિલ કપૂર, બોબી દેઓલ અને તૃપ્તિ ડિમરી પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.

Back to top button