દેશ સહિત મહારાષ્ટ્રમાં લાઉડસ્પીકરનો વિવાદ વકર્યો છે. એક તરફ રાજ ઠાકરે લાઉડસ્પીકર ઉતારવા મક્કમ બન્યા છે. તો બીજી બાજુ અન્ય નેતાઓ પણ આ મુદ્દે પોતાની રાજકીય રોટલી શેકી રહ્યાં છે. 23 એપ્રિલથી રાજદ્રોહના આરોપમાં જેલમાં બંધ અમરાવતીના અપક્ષ સાંસદ નવનીત રાણા અને તેમના ધારાસભ્ય પતિ રવિ રાણાને જામીન મળી ગયા છે. સત્ર ન્યાયાલયે તેમને સશર્ત જામીન આપ્યા છે. હવે ટૂંક સમયમાં જ રાણા દંપતી જેલમાંથી બહાર આવી શકે છે. આજે સવારે જ આ વચ્ચે નવનીત રાણાને મુંબઈની જે.જે. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની પીઠમાં મોડી રાત્રે ભારે દુખાવો થયો હતો, જે બાદ તેમને ત્યાં CT સ્કેન માટે લઈ જવાયા હતા.
કોર્ટે કહ્યું કે રાણા દંપતી બીજી વખત આ પ્રકારનો ગુનો નહીં કરે અને આ મુદ્દે મીડિયા સાથે વાત પણ નહીં કરે. રાણા દંપતીને 50 હજારની સ્યુરિટી પર જામીન આપ્યા છે. આ પહેલાં 30 એપ્રિલે કોર્ટે આ મામલે 2 મે સુધી પોતાનો નિર્ણય રિઝર્વ રાખ્યો હતો. સોમવારે વધુ સમય થઈ જવાને કારણે મુંબઈની સિવિલ એન્ડ સેશન્સ કોર્ટના શેષ ન્યાયાધીશ આર.એન.રોકાડે પોતાનો ઓર્ડર પૂરો લખાવી શક્યા ન હતા.
રાણા દંપતી વિરૂદ્ધ રાજદ્રોહનો કેસ
રાણા દંપતી પર IPCની કલમ 15એ, 353ની સાથે બોમ્બે પોલીસ એક્ટની કલમ 135 અંતર્ગત FIR છે. આ ઉપરાંત રાણા દંપતી પર 124એ એટલે કે રાજદ્રોહનો પણ કેસ છે. બંનેની ધરપકડ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના નિવાસસ્થાને માતોશ્રીની બહાર હનુમાન ચાલીસા વાંચવાના આહ્વાન બાદ કરાઈ હતી. બોમ્બે હાઈકોર્ટે તેમના પર કરવામાં આવેલા કેસને રદ કરવાનો ઈનકાર કર્યો હતો. જે બાદ નવનીત રાણા મુંબઈના ભાયખલા જેલમાં અને રવિ રાણા નવી મુંબઈની તલોજા જેલમાં બંધ હતા.
પોલીસે કર્યો હતો જામીનનો વિરોધ
શુક્રવારે થયેલી દલીલબાજીમાં લગભગ અઢી કલાક સુધી બંને પક્ષના વકીલોએ પોતાની દલીલ રાખી હતી. રાણા દંપતી પર ધાર્મિક ભાવનાઓ ભડકાવવાનો અને રાજદ્રોહનો આરોપ છે. આ ઉપરાંત અન્ય એક FIRમાં તેમના વિરૂદ્ધ સરકાર કામમાં અડચણ ઊભી કરવાનો આરોપ છે. રાણા દંપતી તરફથી વકીલ રિઝવાન મર્ચન્ટ અને આબાદ પોંડાએ કોર્ટમાં દલીલ રજૂ કરી હતી. જ્યારે મુંબઈની ખાર પોલીસ તરફથી વકીલ પ્રદીપ ધરતે જામીન અરજીનો વિરોધ કર્યો છે.
રાણા દંપતીના ખારવાળા ઘરમાં જશે BMCની ટીમ
હનુમાન ચાલીસ વિવાદ વચ્ચે BMCએ રાણા દંપતીના ખાર સ્થિત ફ્લેટની બહાર એક નોટિસ ચિપકાવી છે. આ નોટિસ મુજબ BMC 4 મેનાં રોજ ફ્લેટનું નિરીક્ષણ કરશે અને તેમાં થયેલા ગેરકાયદે નિર્માણની તપાસ કરશે. નોટિસ મુજબ ફ્લેટમાં જો કોઈ ગેરકાયદે નિર્માણ હશે તો તેને હટાવવાનું કામ BMCની ટીમ કરશે. BMCમાં હાલ શિવસેનાની જ સત્તા છે, તેથી આ મુદ્દે પણ રાજકારણ શરુ થઈ ગયું છે.
આ કારણે શરૂ થયો હતો વિવાદ
આ આખો વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે નવનીત રાણાએ જાહેરાત કરી હતી કે તેઓ CM ઉદ્ધવ ઠાકરેના ઘર માતોશ્રીની બહાર હનુમાન ચાલીસાના પાઠ કરશે. જાહેરાત બાદ શિવસેનાના સેંકડો કાર્યકર્તાઓએ નવનીત રાણા વિરૂદ્ધ પ્રદર્શન કર્યા. જે બાદ અમરાવતી લોકસભા સીટના સાંસદ નવનીત રાણા અને બડનેરાના ધારાસભ્ય પતિ રવિ રાણાએ 23 એપ્રિલે માતોશ્રીની બહાર હનુમાન ચાલીસાના પાઠ કરવા અંગે પોતાની જાહેરાત રદ કરી હતી. પરંતુ પોલીસે તેમની ધરપકડ કરી જેલ મોકલી દીધા છે.
ગૃહ મંત્રાલયે મહારાષ્ટ્ર સરકાર પાસે માગ્યો રિપોર્ટ
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ સમગ્ર મામલાને ગંભીરતાથી લીધો છે. રાણા દંપતીની ધરપકડ પછી ગૃહ મંત્રાલય દ્વારા રાજ્યના DGP અને મુખ્ય સચિવને પત્ર લખીને નવનીત રાણા કેસમાં સંપૂર્ણ જાણકારી માગવામાં આવી છે. ખાર પોલીસ સ્ટેશનમાં રાણા દંપતી સાથે થયેલા અમાનવીય વ્યવહાર પર એક તથાત્મક રિપોર્ટ માગવામાં આવ્યો છે. લોકસભા વિશેષાધિકાર અને આચાર સમિતિએ MHA પહેલા એક રિપોર્ટ માગવાનું કહ્યું હતું.