ઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતનેશનલમધ્ય ગુજરાતયુટિલીટીવિશેષશ્રી રામ મંદિર

રામલલ્લા અને હિન્દુઓના સંઘર્ષ – જીજીવિષાના દર્દનાક દસ્તાવેજો, જાણો ઇતિહાસની ગાથા

— પ્રો. (ડૉ.) શિરીષ કાશીકર(ડિરેક્ટર, NIMCJ)

આગામી સોમવારે પવિત્ર નગરી અયોધ્યામાં પ્રભુ શ્રીરામના બાળસ્વરૂપ રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે ત્યારે સમગ્ર દેશ-વિદેશના સનાતની હિન્દુઓમાં ઉત્સવ ઉમંગની પ્રચંડ લહેર છે. આશરે ૫00 વર્ષથી પોતાના ઘરમાં જવાની પ્રતીક્ષા કરી રહેલા પ્રભુ શ્રીરામ સૈકાઓના સંઘર્ષ પછી જન્મસ્થળ પર ફરી બિરાજમાન થઈ રહ્યા છે ત્યારે આ સંઘર્ષને સમજવો જરૂરી છે. આમ તો મુસ્લિમ અને અન્ય આક્રમણકારોને આ દેશે સૈકાઓ સુધી સહ્યા છે પરંતુ મુઘલ આક્રમણકારોએ વર્તાવેલા કાળા કેર અને તેની હિંદુ સમાજ પર થયેલી ઘાતક અસરોના જખમ હજુ હયાત છે. આવા સમયે અયોધ્યામાં ૧૫૨૮માં રામમંદિર તોડીને બનેલી બાબરી મસ્જિદ અને તેના નિર્માણનો સતત વિરોધ કરી હિન્દુ અસ્મિતાને સ્થાપિત કરવા મથી રહેલા સનાતની સાધુ સંતો, રામ ભક્તોએ અસાધારણ સંઘર્ષ કર્યો છે. આ સંઘર્ષના અને હિન્દુઓની જીજીવિષાના જીવંત દસ્તાવેજો છે પદ્મશ્રી મીનાક્ષી જૈન દ્વારા લેખિત બે ઐતિહાસિક પુસ્તક- “ધ બેટલ ફૉર રામ (કેસ ઑફ ધ ટેમ્પલ એટ અયોધ્યા) અને “રામ એન્ડ અયોધ્યા”. આમ તો આ બન્ને પુસ્તકોમાં ઘણાં કૉમન પ્રકરણો છે પરંતુ અલગ અલગ સમયે લખાયેલાં બંને પુસ્તકોનું દસ્તાવેજી મહત્ત્વ અનન્ય છે.

રામ જન્મભૂમિ -HDNews
રામ જન્મભૂમિ, ઐતિહાસિક પુરાવા

દિલ્હી યુનિવર્સિટીની ગાર્ગી કૉલેજના ઇતિહાસ અને રાજનીતિક વિજ્ઞાનના પૂર્વ પ્રાધ્યાપક મીનાક્ષી જૈને અત્યંત વ્યાપક ફલક પર સંશોધન કરી, પ્રમાણભૂત દસ્તાવેજો એકઠા કરીને આ બંને પુસ્તકો લખ્યાં છે. આ પુસ્તકો માત્ર રામ જન્મભૂમિ સ્થાન સાથે સંકળાયેલા ઘટનાક્રમોના દસ્તાવેજો અને તેનું વિશ્લેષણ જ નથી, પરંતુ એથી આગળ વધીને આ પુસ્તકો ભારતમાં જન્મીને, ભારતનું જ લુણ ખાઈને “મોટા” થયેલા ડાબેરી તથાકથિત ઇતિહાસકારોની સમગ્ર પ્રકરણમાં રહેલી ભૂંડી ભૂમિકા અને દેશ સાથેની દગાબાજીની તવારીખ પણ છે. મિનાક્ષીજી એ કોઈની પણ શેહશરમ રાખ્યા વગર આ બધા તથાકથિત ઇતિહાસકારોને ખુલ્લા પાડ્યા છે. આ પુસ્તકોમાં દર્શાવાયેલા ઐતિહાસિક દસ્તાવેજો, પુરાતત્વીય પુરાવા અને ચિત્રોનો ઉપયોગ અલ્હાબાદ હાઇકોર્ટમાં ચાલેલા ખટલામાં અને બાદમાં સર્વોચ્ચ અદાલતમાં ચાલેલા રામજન્મભૂમિ ખટલામાં પુરાવા તરીકે હિન્દુ પક્ષ દ્વારા મૂકવામાં આવ્યા હતા. જેને બન્ને અદાલતો એ માન્ય પણ રાખ્યા હતા જે દર્શાવે છે કે આ પુસ્તકોનું માત્ર ઐતિહાસિક જ નહીં પરંતુ કાનૂની અને દસ્તાવેજી મૂલ્ય પણ કેટલું છે.

મીનાક્ષીજીનું પ્રથમ પુસ્તક “ધ બેટલ ફૉર રામ” (કેસ ઑફ ધ ટેમ્પલ એટ અયોધ્યા) કુલ ૧૩ પ્રકરણમાં વહેંચાયેલું છે. જેમાં અયોધ્યામાં બાબરનું આગમન, અંગ્રેજોની પ્રભુસત્તા, વિવિધ સ્તરે રામજન્મભૂમિ પરના દાવા-પ્રતિદાવા, પુરાતત્વીય પુરાવા, પુરાતત્વ ખાતાના બાબરી ઢાંચાના પરિસરમાં અગાઉ થયેલા અને બાદમાં અદાલતના આદેશથી થયેલા ખોદકામના સર્વેક્ષણના અહેવાલોનો સમાવેશ છે. આ ઉપરાંત સમગ્ર પ્રકરણમાં અદાલતોની બહાર અને અદાલતોની અંદર (પરોક્ષ રીતે) ડાબેરી તથાકથિત ઇતિહાસકારોની ભૂંડી ભૂમિકા પર પણ પ્રકાશ ફેકવામાં આવ્યો છે.

મીનાક્ષીજીનું બીજું મહત્ત્વપૂર્ણ પુસ્તક “રામ એન્ડ અયોધ્યા” પણ ૧૪ પ્રકરણમાં વહેંચાયેલું છે. જેમાં પ્રભુ શ્રીરામ વિશેના સાહિત્યિક, પુરાતત્વીય, અને “એપીગ્રાફિક” પુરાવા, અયોધ્યાનો ઇતિહાસ, રામજન્મભૂમિ માટેનો ઐતિહાસિક સંઘર્ષ, ૧૯૯૨માં ઢાંચો ધ્વસ્ત થયા બાદ એએસઆઈને મળેલા મંદિરના પુરાવા સમાવિષ્ટ છે. અહીં પુનઃ ડાબેરી ઇતિહાસકારોની જક્કી અને જડ માનસિકતાનો પર્દાફાશ કરતું પ્રકરણ છે.

“એ હિસ્ટ્રી ઑફ ધ કન્ફ્લિક્ટ એટ અયોધ્યા” પ્રકરણમાં મીનાક્ષીજી લખે છે કે ૧૭૬૬ થી ૧૭૭૧ દરમિયાન ભારતમાં આવેલા ઓસ્ટ્રેલિયાના જેસુઈટ પ્રવાસી જોસેફ ટીફનહેલરે લખ્યું છે કે “આ ઈમારત (બાબરી) એક મંદિરને તોડીને બનાવવામાં આવી છે. રામનવમીના દિવસે હજારોની સંખ્યામાં હિન્દુઓને અહીં ધાર્મિક વિધિ કરતાં મેં નિહાળ્યા હતા…”

રામ જન્મભૂમિ - HDNews
રામ જન્મભૂમિ, ઐતિહાસિક પુરાવા

રામજન્મભૂમિ ઘટનાક્રમમાં જેમના અવલોકનોની મહત્ત્વની ભૂમિકા રહી તેવા એએસઆઇના પૂર્વ પુરાતત્વવિદ કે. કે. મહેમુદના ઇન્ડિયન એક્સપ્રેસના લેખને ઉદ્દઘૃત કરતાં મીનાક્ષીજી કહે છે કે “૧૯૭૬-૭૭ દરમિયાન પુરાતત્વવિદ પ્રો. લાલે કરેલા સર્વેક્ષણમાં મેં ભાગ લીધો હતો અને બાબરીના પીલર નજીકથી જોયા હતા. જેએનયુના ઇતિહાસકારો લોકોને સિક્કાની માત્ર એક જ બાજુ બતાવ્યા કરે છે. અયોધ્યા એ હિંદુઓ માટે એટલું જ પવિત્ર શહેર છે જેટલું મક્કા મુસ્લિમો માટે..”

મીનાક્ષીજી લખે છે કે રામજન્મભૂમિના તાળાં ખુલી ગયા પછી અદાલત બહાર બંને પક્ષો વચ્ચે વાટાઘાટો ચાલી રહી હતી. ત્યારે એક તબક્કે મુસ્લિમ પક્ષ આ સ્થળ હિન્દુઓને સોંપી દેવા તૈયાર હતો, પણ ડાબેરી તથાકથિત ઇતિહાસકારોએ ફાચર મારીને તેમને ઉશ્કેર્યા, પરિણામ સ્વરૂપે જે કામ આઝાદી પછી સમાધાનથી તરત જ થઈ જવું જોઈતું હતું તેને ૭૫ વર્ષ લાગ્યા. આ કહેવાતા ઇતિહાસકારોમાંથી કેટલાક તો પુરાતત્વીય કે ઐતિહાસિક સંશોધનની લાયકાત પણ ધરાવતા ન હતા છતાં તેમણે પ્રો. ઈરફાન હબીબ અને રોમિલા થાપર જેવા જક્કી ઇતિહાસકારોની આંગળી પકડીને બધાને ગેરમાર્ગે દોર્યા. અંતે અદાલતો એ બધાને ઝાપટવા પડ્યા,પણ ત્યાં સુધીમાં જે નુકસાન થવાનું હતું તે થઈ ચૂક્યું હતું, બંન્ને પક્ષો વચ્ચેની ખાઈ ઊંડી કરવામાં આ લોકો સફળ થઈ જાય, એટલું જ નહિ પણ રામ લલ્લાને પોતાનું જન્મસ્થાન સિદ્ધ કરવા સંઘર્ષ કરવો પડ્યો.

અયોધ્યામાં તો રામમંદિરના નિર્માણ સાથે સંઘર્ષનું એક પ્રકરણ પૂરું થાય છે પરંતુ કાશી અને મથુરાના મંદિરોના મામલા હાઇકોર્ટના સ્તરે છે. જેમાં પણ દાવા, પ્રતિદાવા થઈ રહ્યા છે. હાલ તો ડાબેરી “ઇતિહાસકારો”ની આ મામલે બોલતી બંધ છે પણ આવા જ કોઈ ખેલ આ બંને મંદિરોની બાબતમાં અદાલતમાં કે અદાલતની બહાર નહીં થાય એની કોઈ ખાતરી નથી, માટે જરૂરી છે કે પદ્મશ્રી મીનાક્ષી જૈન જેવા સંશોધકોના આવાં પુસ્તકોનું વિશ્લેષણ થાય અને સાચી માહિતી આમ નાગરિકો સુધી પહોંચે જેથી ભોળા ભારતીયો કોઈ ભ્રમમાં ન રહે.

પુસ્તક ૧

ધ બેટલ ફોર રામ (કેસ ઓફ ધ ટેમ્પલ એટ અયોધ્યા)

પ્રકાશક: આર્યન બુક્સ ઇન્ટરનેશનલ, નવી દિલ્હી. કિંમત ૫૯૫ રૂપિયા.

પુસ્તક ૨

રામ એન્ડ અયોધ્યા

પ્રકાશક : આર્યન બુક્સ ઇન્ટરનેશનલ,નવી દિલ્હી. કિંમત ૭૯૫ રૂપિયા.

આ પણ વાંચોઃ પ્રાણ પ્રતિષ્ઠામાં સંગીતમય કાર્યક્રમ ‘મંગલ ધ્વનિ’નું આયોજન, 50થી વધુ વાદ્ય યંત્રો ગુંજશે

Back to top button