કોણ છે રમેશ સિંહ અરોરા, જે પાકિસ્તાન સરકારમાં પ્રથમ શીખ મંત્રી બન્યા
લાહોર (પાકિસ્તાન), 07 માર્ચ: પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં સતત આવી બે ઘટનાઓ જોવા મળી છે જે અગાઉ ક્યારેય બની ન હતી. સૌથી પહેલા પંજાબને મરિયમ નવાઝના રૂપમાં પ્રથમ મહિલા મુખ્યમંત્રી મળ્યા. હવે પંજાબના ઈતિહાસમાં પ્રથમ વખત કોઈ શીખને મંત્રી બનાવવામાં આવ્યા છે. નારોવાલના ધારાસભ્ય રમેશ સિંહ અરોરા (48) બુધવારે પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં મંત્રી તરીકે શપથ લેનાર લઘુમતી શીખ સમુદાયના પ્રથમ વ્યક્તિ બન્યા છે.
રમેશ સિંહ અરોરા નારોવાલથી ત્રણ વખત પ્રાંતીય એસેમ્બલીના સભ્ય (MPA) છે. તેમણે ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફની પુત્રી, મુખ્ય પ્રધાન મરિયમ નવાઝ શરીફની આગેવાની હેઠળ તાજેતરમાં ચૂંટાયેલી પાકિસ્તાન મુસ્લિમ લીગ (PML-N) સરકારમાં પ્રધાન તરીકે શપથ લીધા હતા. મીડિયા એજન્સી સાથે વાત કરતાં રમેશ સિંહ અરોરાએ કહ્યું, 1947માં ભાગલા પછી આ પ્રથમ વખત છે જ્યારે પંજાબ પ્રાંતની કેબિનેટમાં કોઈ શીખનો સમાવેશ કરવામાં આવ્યો હોય. હું માત્ર શીખોનો જ નહીં પરંતુ પાકિસ્તાનમાં વસતા હિન્દુ અને ખ્રિસ્તી સમુદાયનો પણ આભાર વ્યક્ત કરું છું. તેમણે એમ પણ કહ્યું કે, તેઓ તમામ લઘુમતીઓની સલામતી અને સુખાકારી માટે કામ કરશે. નોંધનીય છે કે, અરોરાને તાજેતરમાં પાકિસ્તાન શીખ ગુરુદ્વારા મેનેજમેન્ટ કમિટી (PSGPC)ના વડા તરીકે પણ ચૂંટવામાં આવ્યા હતા.
કોણ છે રમેશ અરોરા સિંહ?
પાકિસ્તાનમાં યોજાયેલી ચૂંટણીમાં અરોરા નારોવાલથી ફરીથી વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા. તેઓ આ સ્થળના રહેવાસી છે. આ એ જ જગ્યા છે જ્યાં ગુરુ નાનકનું અંતિમ વિશ્રામ સ્થાન ગુરુદ્વારા શ્રી કરતારપુર સાહિબ આવેલું છે. ગયા વર્ષે તેમને કરતારપુર કોરિડોર માટે “એમ્બેસેડર” તરીકે પણ નિયુક્ત કરવામાં આવ્યા હતા. અરોરાએ કહ્યું કે 1947માં વિભાજન દરમિયાન તેમના પરિવારે મોટાભાગના શીખ કે હિંદુ પરિવારોની જેમ ભારતમાં રહેવાને બદલે પાકિસ્તાનમાં રહેવાનું પસંદ કર્યું હતું. તેમણે કહ્યું, મારો જન્મ નનકાના સાહિબમાં થયો હતો પરંતુ પછીથી અમે નારોવાલમાં રહેવા ગયા. મારા દાદાએ તેમના પ્રિય મિત્રના આગ્રહ પર ભાગલા વખતે પાકિસ્તાનમાં રહેવાનું પસંદ કર્યું હતું. માત્ર મિત્રતા ખાતર તેમણે ત્યાં જ રહેવાનું નક્કી કર્યું. અરોરાને લઘુમતી બાબતોના વિભાગનો હવાલો મળે તેવી શક્યતા છે.
વર્લ્ડ બેંક માટે ગરીબી નિવારણ માટે કામ કર્યું
નનકાના સાહિબમાં જન્મેલા સરદાર રમેશ સિંહ અરોરાએ લાહોરની સરકારી યુનિવર્સિટીમાંથી આંત્રપ્રિન્યોરશિપ અને એસએમઈ મેનેજમેન્ટમાં પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી છે. રાજકારણમાં આવતા પહેલા અરોરાએ પાકિસ્તાનમાં વિશ્વ બેંકના ગરીબી નિવારણ કાર્યક્રમ માટે કામ કર્યું હતું.
પાકિસ્તાનમાં ગરીબો માટે મોજસ ફાઉન્ડેશનની સ્થાપના કરી
2008માં તેમણે પાકિસ્તાનમાં વંચિત અને ગરીબો માટે કામ કરતી સંસ્થા Mojas ફાઉન્ડેશનની સ્થાપના કરી. અરોરાના મોટા ભાઈ ગોવિંદ સિંહ કરતારપુર ગુરુદ્વારામાં મુખ્ય ગ્રંથી તરીકે કામ કરે છે. રમેશ સિંહ અરોરા નારોવાલથી ત્રણ વખત પ્રાંતીય એસેમ્બલીના સભ્ય (MPA) છે. 1947 માં ભાગલા દરમિયાન, તેમના પરિવારે મોટા ભાગના શીખ/હિંદુ પરિવારોની જેમ ભારતમાં રહેવાને બદલે પાકિસ્તાનમાં રહેવાનું પસંદ કર્યું.
આ પણ વાંચો: પાકિસ્તાન ‘જય ભોલેનાથ’ના નારાથી ગુંજી ઉઠ્યું, 62 ભારતીય હિન્દુઓ લાહોર પહોંચ્યા