બટાકાના ભાવની રામાયણ : બટાકાની સીઝન લેવાના ટાંકણે જગતનો તાત લાચાર
- કોલ્ડ સ્ટોરેજ એસોસિએશન ના નવા નિર્ણયથી ખેડૂતોની વધી મુશીબત
- આગામી સમયમાં કમોસમી વરસાદની આગાહીને લઇને પણ ખેડૂતોમાં ચિંતા
- બટાટાનું વાવેતર ઓછું છતાં ભાવમાં થયો ધટાડો
પાલનપુર : બનાસકાંઠા જિલ્લામાં બટાકા નગરી તરીકે જાણીતા ડીસા તાલુકામાં બટાટા પાકની સીઝનની શરૂઆત થઈ ચૂકી છે. પરંતુ ખેડૂતોને બટાકાના ભાવો ન મળતા જગતનો તાત લાચાર સ્થિતીમાં બેઠો છે. બનાસકાંઠા જિલ્લામાં અંદાજિત 58 હજાર હેક્ટરમાં થયેલું બટાકાનું વાવેતર પરીકવ થઈ જતા ખેડૂતો દ્વારા ખોદણી કાર્ય ચાલુ કરવામાં આવી રહ્યું છે. પરંતુ આ વર્ષે ખેડૂતોને ખેતરમાં બટાકાના ભાવ ગત વર્ષની સરખામણીએ અડધા મળતા હોવાના કારણે ખેડૂતો પણ વિસામણમાં મુકાઈ ગયા છે. બીજી તરફ કોલ્ડ સ્ટોરેજ એસોસિયેશન ના નવા નિર્ણય પ્રમાણે ખેડૂતોએ બટાકાનું વેચાણ કરવા માટે પોતાની જાતે જ ગ્રેડિંગ કરી લાવવાનું રહેતા ખેડૂતો પણ મુસીબતમાં મુકાયા છે. એક તરફ ખેતમજૂરોનો અભાવ અને બીજી તરફ બટાટા ના ઘટતા જતા ભાવોના કારણે ખેડૂતોને પણ મોટું નુકશાન વેઠવાનો વારો આવી રહ્યો છે. આમ ખેડૂતને માથે બેવડો માર સહન કરવાનો આવ્યો છે.
બટાકાનો ભાવ પ્રતિમણ 200 રૂપિયા ઉપર મળે તો જ પરવડે : ખેડૂતો
આ અંગે બટાકા પકવતા કેટલાક ખેડૂતોએ કહ્યું હતું કે, વધતી જતી મોંઘવારીની સાથે ખાતર, ખેડ અને પાણીમાં પણ મોંઘવારી વધી છે. જેના કારણે ખેડૂતોને ખેતરમાં પ્રતિમણ 200 રૂપિયા બટાકાના ભાવ મળે તો પરવડે તેમ છે, પરંતુ બટાકાની સીઝનના સમયે જ ભાવમાં ઘટાડો થતાં ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવી રહ્યો છે. ડીસા બટાકા નગરી તરીકે વિખ્યાત અને ડીસા ના બટાકા ની સારી એવી માંગ રહેતી હોય છે. પરંતુ આ વર્ષે બટાકાના ઉત્પાદન અને ભાવમાં મોટો ફટકો પડતા ખેડૂતો પણ પરેશાન જોવા મળી રહ્યા છે.
વેપારીઓને ગત વર્ષ કોલ્ડ સ્ટોરેજમાં પણ બટાટાના ભાવ નહતા મળ્યા
ગત વર્ષે કોલ્ડ સ્ટોરેજ માં વેપારીઓ એ ઉંચા ભાવથી બટાકા ખરીદી કરી સારા ભાવ મળવાની આશાએ કોલ્ડ સ્ટોરેજ માં સંગ્રહ કર્યો હતો. છતાં આખા વર્ષ દરમિયાન બટાકાના ભાવ ન મળતાં વેપારીઓને પણ મોટું નુકશાન થયું છે. જેને ચાલુ સિઝન માં વેપારીઓ પણ ખેતર તરફ ઓછા જતા ખેડૂતોનેના છૂટકે બટાકા સ્ટોર મુકવાની ફરજ પડી રહી છે.
આ વર્ષે વાવેતર ઓછુ, છતાં બટાટાના ભાવ ધટયા
આ વર્ષ સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં બટાકાનો વાવેતર વિસ્તાર ઘટયો છે. જેમાં જોઈએ તો જીલ્લામાં બટાકાનું ફુલ વાવેતર 58902 હેક્ટર વિસ્તારમાં થયું છે. જયારે બટાકા નગરી તરીકે ઓળખાતા ડીસા શહેરમાં પણ ગત વર્ષની સરખામણી બે હજાર હેક્ટર વાવેતર ઓછુ થયુ છે. જેમાં આ વર્ષે 30784 હેક્ટરમાં વાવેતર થયેલ છે. તેમ છતાં બટાકાના ભાવમાં ગત વર્ષની સરખામણીએ ખેડૂતોને ખેતરમાંથી અડધા ભાવ મળી રહ્યા છે.
કમોસમી વરસાદ બાદ બટાકાની સીઝન એક સાથે શરૂ થતા સમસ્યા
સામાન્ય રીતે જોવા જઈએ તો બનાસકાંઠા જિલ્લામાંથી બટાકા નું કાચુ વેચાણ ખુબ થતું હતું. ત્યારે આ વર્ષે શરૂઆતમાં જ કમોસમી વરસાદ થતા સમગ્ર જિલ્લામાં બટાકાની સીઝન એક સાથે શરૂ થતા બટાટાના ભાવની પણ સમસ્યા સર્જાઈ છે ઉપરાંત પૂરતા શ્રમિકો પણ મળતા નથી.
આ પણ વાંચો : પાલનપુર : બનાસકાંઠામાં ઠાકોર સમાજમાં આમુલ પરિવર્તન લાવવા બંધારણમાં કરાયા સુધારા