રામમય બન્યું અયોધ્યાઃ પ્રાણ પ્રતિષ્ઠા પહેલા જુઓ અયોધ્યાવાસીઓની તૈયારીઓ
- રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારંભમાં માત્ર એક દિવસ બાકી છે અને સમગ્ર અયોધ્યા શહેર ધાર્મિક ઉત્સાહથી તરબોળ બની ચૂક્યું છે, અયોધ્યાવાસીઓ રામમય બની ગયા છે.
અયોધ્યા, 21 જાન્યુઆરીઃ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારંભમાં માત્ર એક દિવસ બાકી છે અને સમગ્ર અયોધ્યા શહેર ધાર્મિક ઉત્સાહથી તરબોળ બની ચૂક્યું છે. એવું લાગી રહ્યું છે કે જાણે અવધ નગરના વાસીઓ રામમય બની ચૂક્યાં છે. અહીંના રામપથ સ્થિત એક બિલ્ડિંગમાં ગુરુવારે ખોલવામાં આવેલી સરકારી બેંકની નવી શાખાનું નામ ‘રામજન્મભૂમિ’ શાખા રાખવામાં આવ્યું છે. રામ મંદિર તરફ જતા પુનઃવિકાસિત રસ્તાને ‘રામજન્મભૂમિ પથ’ નામ આપવામાં આવ્યું છે.
અયોધ્યા શહેરની દિવાલો સુશોભિત કરવામાં આવી છે. દિવાલો પર જયશ્રી રામના વિશાળ પોસ્ટર્સ, બેનર્સ લગાવાયા છે. ફુલોથી આખી અવધ નગરીને સજાવાઈ છે. અયોધ્યા ધામ રેલ્વે સ્ટેશનની નજીક, અન્ય એક સરકારી બેંકે એક વિશાળ હોર્ડિંગ લગાવ્યું છે, જેના પર લખ્યું છે કે અયોધ્યા નગરીમાં તમારું સ્વાગત છે. રામ મંદિર ઉપરાંત અહીં ભગવાન રામને ધનુષ્ય પકડેલા બતાવાયા છે.
View this post on Instagram
દરેક જગ્યાએ દેખાઈ રહી છે ભગવાન રામની તસ્વીર
ભગવાન રામ પ્રત્યેની ભક્તિ એવી છે કે વેપાર પણ આધ્યાત્મિક અનુભૂતિથી પર નથી. અહીં ભવ્ય મંદિરની તસવીર વિઝિટિંગ કાર્ડ્સ, પોસ્ટરો, કેલેન્ડર્સ અને સાઈન બોર્ડ પર પણ દેખાઈ રહી છે. શહેરમાં પોસ્ટર લગાવનારી દરેક કંપનીએ કોઈક ને કોઈક રીતે રામ મંદિરને દર્શાવ્યું છે.
રેલ્વે સ્ટેશનના નવા બિલ્ડીંગની સામે એક એડવર્ટાઈઝીંગ સ્થાન માટે કંપનીએ સંદેશ લખ્યો છે. જો કે, આ કોઈ સામાન્ય જાહેરાત સ્થળ નથી, કારણ કે તેમાં હેશ ટેગ ‘અયોધ્યા કી ગરિમા’ સાથે ભગવાન રામ અને નવા મંદિરની છબી સામેલ કરાઈ છે. બિલ્ડિંગના ‘ફૂડ પ્લાઝા’ની અંદર, કાઉન્ટરની પાછળ પણ મંદિરની તસવીર છે.
View this post on Instagram
રામની ભક્તિમાં ડૂબ્યા અયોધ્યાવાસીઓ
આખું અયોધ્યા , બસો, રસ્તાઓ અને મોબાઈલ ફોનની કોલર ટ્યુન પણ ‘રામમય’ બની ગઈ છે. બીએસએનએલએ રામ જન્મભૂમિ પથની બાજુમાં દિવાલ પાસે પ્રભુ શ્રીરામની પાવન નગરી અયોધ્યામાં લોકોનું સ્વાગત કરતું પોસ્ટર લગાવ્યું છે. હોટલ્સ અને રેસ્ટોરાંની લોબીમાં, ગેટ પર, દિવાલો પર શ્રીરામના પોસ્ટર્સ લગાવાયા છે. ભગવાન રામની ધનુષ બાણ વાળી છબી તો આખા અયોધ્યામાં જોવા મળી જશે. દરેક મોબાઈલમાં રામ ભક્તિની ધૂન, કોલરટ્યુન, રીંગ ટોન સાંભળવા મળી રહી છે.
આ પણ વાંચોઃ હે ભારત કે રામ, બિરાજો અપને ધામ… પ્રાણ પ્રતિષ્ઠા પહેલા PM મોદીએ શેર કર્યું જોશ ભરેલું ગીત!