રામ મંદિરના ઉદ્ઘાટનને ધ્યાનમાં રાખી હોટલ અને ધર્મશાળાઓમાં બુકિંગ, દેશભરના ટ્રાવેલ એજન્ટોની નજર
જાન્યુઆરી 2024માં અયોધ્યામાં રામ મંદિરના સંભવિત ઉદ્ઘાટનને ધ્યાનમાં રાખીને દેશભરના ટ્રાવેલ એજન્ટોની નજર શહેર પર છે. 20થી 26 જાન્યુઆરી વચ્ચે હોટલ, ગેસ્ટ હાઉસ અને ધર્મશાળાઓમાં બુકિંગ માટે વિનંતીઓનો પૂર આવ્યો છે. આ દરમિયાન મંદિરનું ઉદ્ઘાટન થવાની શક્યતા છે.
અયોધ્યામાં એક લક્ઝરી હોટલના માલિકે જણાવ્યું હતું કે મોટાભાગની વિનંતીઓ એવા ટ્રાવેલ એજન્ટોની છે કે જેઓ PM મોદીના ઉદ્ઘાટન સમારોહ દરમિયાન શહેરની મુલાકાત લેનારા શ્રદ્ધાળુઓને પાછળથી ઊંચા દરે ભાડે આપવા રૂમ ધરાવે છે.
હોટલ માલિકે કહ્યું કે મંદિર ટ્રસ્ટ દ્વારા PM મોદીને આમંત્રણ મોકલવાની જાહેરાત બાદ અયોધ્યાની બહારના લોકોમાં પણ ઉત્સાહ વધ્યો છે, તેથી આશા છે કે મોટી સંખ્યામાં ભક્તો આવશે.
રામ મંદિરના ઉદ્ઘાટન કઈ તારીખે ?
રામ મંદિર ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાયે પણ કહ્યું હતું કે સમારોહમાં 10,000 મહેમાનો હાજરી આપશે. રિપોર્ટ અનુસાર, રાયે કહ્યું કે તેમણે વડાપ્રધાનને 15 જાન્યુઆરીથી 24 જાન્યુઆરી વચ્ચેની તારીખો આપી છે, તેઓ વાસ્તવિક તારીખ નક્કી કરશે.
અન્ય એક લક્ઝરી હોટલના માલિકે જણાવ્યું હતું કે ટ્રાવેલ એજન્ટોએ ઉંચા ટેરિફ અને એડવાન્સ પેમેન્ટ કરીને આખી હોટલ બુક કરાવવાની ઓફર કરી છે. તેમણે કહ્યું કે આ ટ્રાવેલ કંપનીઓએ બુકિંગ માટે સ્થાનિક એજન્ટોને રોક્યા છે.
અયોધ્યામાં કેટલી હોટલો અને ધર્મશાળાઓ?
હાલમાં અયોધ્યામાં 100થી વધુ હોટેલ છે, જેમાં એક ફાઈવ સ્ટાર, બે ફોર સ્ટાર અને 12 થ્રી સ્ટાર છે. આ ઉપરાંત, શહેરમાં 50 ગેસ્ટ હાઉસ અને એટલી જ સંખ્યામાં ધર્મશાળાઓ છે. સ્થાનિક લોકો પણ પૂરતી જગ્યા ધરાવતા તેમના ઘરોને હોમસ્ટેમાં રૂપાંતરિત કરી રહ્યા છે.
નજીકના વિસ્તારોમાં પણ બુકિંગ ઑફર્સ
અપેક્ષિત ધસારાને ધ્યાનમાં રાખીને ઓનલાઈન એજન્ટો અને એગ્રીગેટર્સે અયોધ્યાની આસપાસના સ્થળો જેમ કે ગોંડા, બલરામપુર, તરબગંજ, ડુમરિયાગંજ, ટાંડા, મુસાફિરખાના, બંસી વગેરે સ્થળોએ બુકિંગ વિકલ્પો ઓફર કરવાનું શરૂ કર્યું છે. દરમિયાન, અયોધ્યા પ્રશાસને નિર્દેશ આપ્યો છે કે હોટલ માલિકો તેમના સ્થાનોને સ્વચ્છ રાખે અને શ્રદ્ધાળુઓના સ્વાગત માટે તૈયાર રહે.