ટેન્ટમાં રહેતા રામ લલ્લાના કપડાં બદલવા પણ પરવાનગી લેવી પડતી!

- જ્યારે રામ મંદિરનો કેસ કોર્ટમાં હતો ત્યારે નાની નાની બાબતો માટે સુપ્રીમ કોર્ટની પરવાનગી લેવી પડતી હતી. તમને જાણીને નવાઈ લાગી શકે છે કે રામ લલ્લાના કપડાં પણ રોજ બદલાતાં ન હતાં. કપડાં ભીના થાય તો બદલવા માટે પણ સુપ્રીમમાં પુછવું પડતું હતું
અયોધ્યા, 11 જાન્યુઆરીઃ આજે આખી દુનિયામાં અયોધ્યાની ચર્ચા થઈ રહી છે. 22 જાન્યુઆરીએ રામ મંદિરમાં રામ લલ્લાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે, પરંતુ શું તમે જાણો છો કે 1885માં શરૂ થયેલી રામ મંદિરની કાયદાકીય લડત અનેક પડકારોમાંથી પસાર થઈ છે. જ્યારે રામ મંદિરનો કેસ કોર્ટમાં હતો ત્યારે આ મંદિરમાં કેવી ઘટનાઓ બનતી હતી, નાની નાની બાબતો માટે સુપ્રીમ કોર્ટની પરવાનગી લેવી પડતી હતી. તમને જાણીને નવાઈ લાગી શકે છે કે રામ લલ્લાના કપડાં પણ રોજ બદલાતા ન હતા.
રામ લલ્લાને ભોગ ધરાવવાની કે કપડાં બદલાવવાની છૂટ નહોતી
રામ મંદિરના મહંત સત્યેન્દ્ર દાસજીએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે રામ લલ્લાને ભોગ ધરાવવાની છૂટ ન હતી. તેમને કપડાં પણ બદલાવી શકાતા ન હતાં. અમે રામ લલ્લાને માત્ર રામ નવમી પર કપડાં બદલાવી શકતા હતા. તે સમયે ભગવાન ટેન્ટમાં રહેતા હતા. વરસાદના સમયમાં મંદિરની ઉપર રાખેલું કપડું ફાટી જતું તો અમારે તે બદલવા માટે સુપ્રીમ કોર્ટની પરમિશન લેવી પડતી હતી. ઘણી વખત એવું પણ બન્યું છે કે વરસાદનું પાણી અંદર જતું રહ્યું અને રામલલ્લાના કપડાં પણ પલળી જતાં હતા. જોકે હવે આવું કંઈ જ નહીં બને. રામ મંદિર માટે હાલમાં 20થી 25 પુજારીઓની ટ્રેનિંગ પણ શરૂ કરી દેવાઈ છે.
પ્રયાગરાજથી આવ્યા રામ મંદિર માટે ખાસ કબાટ
અયોધ્યાના ભવ્ય મંદિરમાં વિરાજમાન થવા જઈ રહેલા રામલલ્લાના પોશાક જે કબાટમાં રાખવામાં આવશે, તે પ્રયાગરાજમાં તૈયાર થયાં છે. આ ઉપરાંત મંદિરમાં પૂજા કરનારા સાત પૂજારીઓને પોતાનો સામાન રાખવા માટે જે કબાટ અપાશે તે પણ પ્રયાગરાજમાં જ તૈયાર થયાં છે. આ તમામ કબાટ પર રામભક્ત હનુમાનજીની તસવીર પણ બનાવાઈ છે. આ પહેલા આ કબાટને પ્રયાગરાજ સંગમ કિનારે સ્થિત સુતેલા હનુમાનજીના મંદિરે લાવવામાં આવ્યા અને ત્યાં પૂજા અર્ચના બાદ મંદિરના મહંત બલવીર ગિરિએ તેને અયોધ્યા માટે રવાના કર્યાં. આ જોવા માટે પણ મોટી સંખ્યામાં રામભક્તો ઉપસ્થિત રહ્યા હતા. આ કબાટ વર્ષોના વર્ષો સુધી ખરાબ નહીં થાય. આ આઠ કબાટ રામભક્ત અર્પિત તિવારીએ દાનમાં આપ્યા છે.
આ પણ વાંચોઃ સાત વર્ષ પહેલાની રામ સ્તુતિ PMને આવી પસંદ, કોણ છે 17 વર્ષની સિંગર?