રામ ગોપાલ વર્માની રાજકારણમાં એન્ટ્રી, આંધ્રપ્રદેશની આ બેઠક પરથી લડશે લોકસભા ચૂંટણી


આંધ્રપ્રદેશ, ૧૪ માર્ચ : અત્યાર સુધી અનેક ફિલ્મો બનાવી ચૂકેલા ફિલ્મમેકર રામ ગોપાલ વર્મા હવે રાજકારણમાં પોતાનો જાદુ બતાવવા માટે તૈયાર છે. રામ ગોપાલે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી હતી કે તેઓ હવે લોકસભા ચૂંટણી લડવાના છે. પવન કલ્યાણ દ્વારા આંધ્ર પ્રદેશમાંથી આ જ બેઠક પરથી ચૂંટણી લડવાની જાહેરાત બાદ જ રામ ગોપાલે આ જાહેરાત કરી છે. રામે ચૂંટણી લડવાને અચાનક લીધેલો નિર્ણય ગણાવ્યો છે.
રામગોપાલે શું કહ્યું?
તેમણે લખ્યું, ‘અચાનક નક્કી કર્યું… હું એ જાહેરાત કરતાં ખુશ છું કે હું પીઠાપુરમથી ચૂંટણી લડવાનો છું.’ જો કે તેઓ કઇ પાર્ટીમાંથી ચૂંટણી લડી રહ્યા છે તે અંગે તેમણે કોઇ માહિતી આપી નથી. રામ ગોપાલ વર્માએ અત્યાર સુધી હિન્દી અને તેલુગુ ઈન્ડસ્ટ્રીમાં ઘણી રાજકીય અને ગેંગસ્ટર ડ્રામા ફિલ્મો બનાવી છે.
SUDDEN DECISION..Am HAPPY to inform that I am CONTESTING from PITHAPURAM 💪💐
— Ram Gopal Varma (@RGVzoomin) March 14, 2024
ગયા વર્ષે રામ ગોપાલ પોતાની ફિલ્મ વ્યુહમને કારણે ચર્ચામાં હતા. આ ફિલ્મ આંધ્રપ્રદેશના રાજકારણ પર આધારિત હતી. આ ફિલ્મને લઈને ઘણો વિરોધ થયો હતો. ફિલ્મમાં મનસા રાધાકૃષ્ણ, અજમલ આમિર મહત્વની ભૂમિકામાં હતા.
રામ ગોપાલની ફિલ્મો
રામ ગોપાલ વર્મા તેમની ફિલ્મો સિવાય તેઓ પોતાના નિવેદનો અને ટ્વીટ્સને કારણે પણ ચર્ચામાં રહે છે. તે એવા લોકોમાંથી એક છે જે કોઈપણ મુદ્દા પર બોલવામાં અચકાતા નથી. તેમની ફિલ્મોના વિષયો પણ ખૂબ ચર્ચામાં છે. રામે અત્યાર સુધી સરકાર, નિશબ્દ, સત્ય, રન, ભૂત, સત્ય 2 અને રંગીલા જેવી ફિલ્મો બનાવી છે.