ઘરથી દૂર સરહદ પર દેશના જવાનોને રાખડી બાંધવા પહોંચી સુરતની મહિલાઓ
ભારત વિકાસ પરિષદ સુરત મેઈનની મહિલા વિંગ દ્વારા રક્ષાબંધનની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી છે. મહિલા વિંગ દ્વારા ભારતીય BSF (બોર્ડર સીક્યુરીટી ફોર્સ)ના જવાનો સાથે રક્ષાબંધન તથા ઘરથી દૂર ‘ સૈનિકો સાથે એક સાંજ ‘ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ માટે મહિલા વિંગની 28 મહિલાઓ અને 5 નાની દીકરીઓ અનોખી દેશભક્તિની યાત્રામાં જોડાયા હતા. જેમણે દેશના જવાનો સાથે રક્ષાબંધનની ઉજવણી કરી હતી.
ગુજરાતના છેવાડે ભારત-પાકિસ્તાન સરહદ પર આવેલા બનાસકાંઠા નજીક નડાબેટ જ્યાં રણ અને પાણીનો પટ્ટો આવેલો છે તે સ્થળે ભારતીય BSF ના 120 થી વધુ જવાનો પોતાની ફરજ બજાવી રહ્યા છે. આ જવાનો તહેવારોમાં પણ પોતાના ઘરે જઈ શકે નહીં તે સ્થિતિમાં ભારત વિકાસ પરિષદ સુરત મેઈનની મહિલા વિંગ દ્વારા તેમની સાથે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી. જે ક્ષણ જવાનો માટે પણ યાદગાર બની રહી.
આ પ્રસંગના અનુરૂપ ‘સૈનિકો સાથે એક સાંજ ‘ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું. જ્યાં સૈનિકોએ રક્ષાબંધનની ઉજવણી કરવા માટે આવેલી બહેનો સાથે હળવો સમય પસાર કર્યો હતો. જેમાં દેશભક્તિના ગીતો તથા ગરબાની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. તેમજ નાની બાળકીઓ દ્વારા ગણેશ વંદના પણ રજુ કરવામાં આવી હતી. જેનું આયોજન મહિલા વિંગના ચેરપર્સન રંજના પટેલે કર્યું, જ્યારે ડૉ.રજનીકાંત પટેલ અને સુસ્મિતા પટેલે મીમીક્રી કરી જવાનોનું મનોરંજન કર્યું હતું.
તેમજ ઉપપ્રમુખ પ્રતિમા સોનીએ આભારવિધિ કરી જવાનોનો આભાર માન્યો હતો. દેશના જવાનો પણ બહેનોને મળીને પોતાના ઘરને યાદ કરીને ભાવુક થઈ ગયા હતા. ભારત વિકાસ પરિષદ દ્વારા યાદગાર રીતે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી છે.
આ પણ વાંચો : નવા યુગમાં આવી ડિજિટલ રાખડી, તમે જોઇ કે નહીં Q-R Code વાળી રાખડી ?