ટ્રેન્ડિંગધર્મબિઝનેસ

Raksha Bandhan 2023: રાખડીના ભાવમાં વધારો છતાં બજારોમાં ધૂમ ખરીદી

  • રક્ષાબંધનના તહેવાર માટે અમદાવાદીઓમાં અદમ્ય ઉત્સાહ
  • પરંપરાગત ગોટા-નાડાછડીની હળવીફૂલ રાખડી ઓલટાઈમ હોટ ફેવરિટ
  • વેપારીઓના ચહેરા પર પણ રોનક જોવા મળી

અમદાવાદ: શ્રાવણ સુદ પૂનમ એટલે રક્ષાબંધન. આ દિવસ નાળિયેરી પૂનમ તરીકે પણ ઓળખાય છે. રક્ષાબંધન માટે બહેનો પોતાના ભાઈ માટે રાખડીની ખરીદી કરવા પહોંચી રહી છે. આ વર્ષે બજારમાં 4000થી વધુ ડિઝાઈનની અવનવી રાખડીઓ જોવા મળી રહી છે, જોકે ગત વર્ષની સરખામણીએ રાખડીમાં કોઈ ખાસ નવી ડિઝાઇન નથી, પરંતુ ગોટા અને નાડાછડીની બનેલી હળવીફૂલ ડિઝાઈનની રાખડી ઓલટાઈમ હોટ ફેવરિટ છે. રાખડીમાં આ વર્ષે 15થી 20 ટકાનો ભાવ વધારો જોવા મળી રહ્યો છે. ભાવમાં વધારો છતાં પણ બજારોમાં છેલ્લા દિવસો સુધી ધૂમ ખરીદી જોવા મળી રહી છે.

રક્ષાબંધનને લઇને વેપારીઓના ચહેરા ચમક્યા

રક્ષાબંધનમાં બહેન પોતાના ભાઈની રક્ષા માટે રાખડીની ખરીદી કરતી હોય છે, પરંતુ આ વર્ષે ગત વર્ષની સરખામણીએ રો-મટીરિયલના થયેલા ભાવમાં વધારાના કારણે 10 થી 20 ટકાનો ભાવ વધારો રાખડી બજારમાં જોવા મળી રહ્યો છે. રક્ષાબંધનના તહેવાર માટે અમદાવાદીઓમાં અદમ્ય ઉત્સાહ દેખાઈ રહ્યો છે. ઘણા લાંબા સમય બાદ આવી ખરીદી નીકળતા વેપારીઓના ચહેરા પર પણ રોનક જોવા મળી છે.

લુમ્બા રાખડીનો ક્રેઝ વધ્યો

વેપારીઓના જણાવ્યા અનુસાર છેલ્લાં ઘણાં વર્ષોથી લુમ્બા રાખડીનો ક્રેઝ વધતો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને લુમ્બામાં બ્રેસલેટ ટાઈપ રાખડીની ડિમાન્ડ વધુ જોવા મળી રહી છે. બહેનો ભાઈની સાથે લુમ્બા રાખડી તેમની ભાભીને બાંધે છે.

Raksha Bandhan 2023: રાખડીના ભાવમાં વધારો છતાં બજારોમાં ધૂમ ખરીદી hum dekhenge news

હજારો ડિઝાઈનની રાખડી બજારમાં ઉપલબ્ધ

આ વર્ષે બજારમાં અવનવી હજારો ડિઝાઈનની રાખડી જોવા મળી રહી છે, જેમાં ૧૦ રૂપિયાથી લઇને પ૦૦ રૂપિયા સુધીની રાખડી બજારમાં ઉપલબ્ધ છે, જેમાં આ વર્ષે અમેરિકન ડાયમંડ રાખડી, રોલર રાખડી, કુંદન રાખડી, ચંદન રાખડી, રુદ્રાક્ષ રાખડીનો ક્રેઝ વધુ જોવા મળે છે, જ્યારે બાળકોમાં અલગ અલગ કાર્ટૂન તેમજ લાઇટિંગ અને મ્યુઝિકવાળી રાખડી નવી આવી છે, જે બાળકો માટે આકર્ષણનું કેન્દ્ર બની છે, જેમાં ૪૦૦થી વધુ ડિઝાઇન ઉપલબ્ધ છે. વાંસમાંથી બનતી રંગબેરંગી અને જુદી જુદી ડિઝાઈનની પ્રાકૃતિક-ઇકો ફ્રેન્ડલી રાખડી પણ બજારમાં ધૂમ મચાવી રહી છે. આ રાખડીઓની કિંમત પ૦થી ર૦૦ રૂપિયા છે. શહેરમાં આ વખતે સિલ્વર અને ગોલ્ડની ખાસ ડિઝાઇનની રાખડીઓ જોવા મળી રહી છે. આ રાખડીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ, રામ મંદિર અને ચંદ્રયાન-૩ની અદ્ભુત ડિઝાઇન બનાવવામાં આવી છે, જે આકર્ષણનું કેન્દ્ર બની છે.

 

raksha bandhan5

રાખડી બજાર હવે મેડ ઈન ઈન્ડિયા બન્યું

આ વર્ષે બજારમાં રાજા-મહારાજાઓનાં આભૂષણો પર જોવા મળતી ડિઝાઈન ધરાવતી રાખડી જોવા મળી રહી છે. રાખડીની ડિઝાઈનમાં ગણપતિ, સાથિયા, લક્ષ્મીજી, ફૂલ-પાન વગેરેને જડતર તેમજ રંગોથી સજાવીને બનાવવામાં આવી છે. રાખડી વેચતા વેપારીઓએ કહ્યું કે સામાન્ય રીતે રક્ષાબંધનના એક મહિના પહેલાં તો અમારો ધંધો 60થી 70 ટકા જેટલો થઈ જતો હોય છે. ચીની ઉત્પાદનોના બહિષ્કારની ઝુંબેશના કારણે રાખડી બજાર હવે મેડ ઈન ઈન્ડિયા બન્યું છે. અત્યારે બજારમાં જે પણ રાખડીઓ જોવા મળી રહી છે તે દેશમાં જ તૈયાર થયેલી હોય છે.

આ પણ વાંચોઃ રક્ષાબંધન પર સૂર્ય ભગવાન બદલશે નક્ષત્ર, જાણો કઈ રાશિઓને મળશે લાભ

Back to top button