રક્ષાબંધને ‘ભદ્રા કાળ’નો રહેશે પડછાયો, જાણો રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત
હિંદુ પંચાગ અનુસાર દર વર્ષે શ્રાવણ મહિનાની પૂનમની તિથિએ રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવે છે. આ વર્ષે રક્ષાબંધન 11 ઓગસ્ટે છે. રક્ષાબંધને ભાઈ-બહેનોના પરસ્પર પ્રેમ અને એકબીજા પ્રત્યેની લાગણી છલકાય છે. રક્ષાબંધનના દિવસે બહેનો પોતાના ભાઈઓના જીવનમાં સુખ-સમૃદ્ધિની કામના માટે કપાળ પર તિલક લગાવીને આરતી ઉતારીને કાંડા પર રાખડી બાંધે છે. બદલામાં ભાઈ બહેનને હંમેશાં તેની રક્ષા કરવાનું વચન અને ભેટ આપે છે.
આ વર્ષે પણ રક્ષાબંધનનો તહેવાર ધામધૂમથી ઉજવવા જઈ રહ્યો છે.પરતું જ્યોતિષ નિષ્ણાતોનું કહેવું છે કે, આ વર્ષે રક્ષાબંધન પર ભદ્રાનો પડછાયો રહેશે. હિન્દુ પંચાગની ગણતરી મુજબ શુભ મુહૂર્તને ધ્યાનમાં રાખીને હંમેશા રાખડી બાંધવી જોઈએ. રક્ષાબંધનના દિવસે ભદ્રાકાળ પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે. ભદ્રાકાળ હોય ત્યારે રાખડી બાંધી શકાતી નથી.
રક્ષાબંધન પર ભદ્રાનો ઓછાયો ક્યારે રહેશે?
આ વર્ષે રક્ષાબંધનનો તહેવાર ભદ્રાકાળના ઓછાયામાં ઉજવવામાં આવશે. ભદ્રા પૂંછડી 11 ઓગસ્ટે સાંજે 5:17 વાગ્યાથી શરૂ થશે અને સાંજે 6:18 વાગ્યા સુધી ચાલુ રહેશે. ત્યારબાદ ભદ્રા મુખ સાંજે 6:18 વાગ્યાથી શરૂ થશે અને રાત્રે 8 વાગ્યા સુધી રહેશે. ભદ્રાકાળ રાત્રે 8:51 વાગ્યે સંપૂર્ણપણે સમાપ્ત થશે. આ સમય દરમિયાન ભાઈના કાંડા પર રાખડી બાંધવાનું ટાળવું જોઈએ.
એવું માનવામાં આવે છે કે, ભદ્રાનો જન્મ થયો, ત્યારે તેણે સમગ્ર સૃષ્ટિમાં વિનાશ વેરવાનું શરૂ કર્યું હતું અને સૃષ્ટિને ગળી જવાની તૈયારીમાં હતી. તે પૂજા-પાઠ, કર્મકાંડ, યજ્ઞ અને માંગલિક કાર્યમાં પહોંચીને તેમાં અડચણો ઉભી કરવા લાગી જતી હતી. આ કારણથી ભદ્રાને અશુભ માનવામાં આવે છે. આ ઉપરાંત એવું પણ કહેવાય છે કે, ભદ્રાને બ્રહ્માજી તરફથી શ્રાપ મળ્યો હતો કે, જે પણ ભદ્રામાં શુભ કે માંગલિક કાર્ય કરશે તેનું પરિણામ અશુભ આવશે.
રક્ષાબંધને રાખડી બાંધવાનું મુહૂર્ત
રક્ષાબંધન પર રાખડી બાંધવાના ઘણા બધા હશે. રક્ષાબંધનના દિવસે સવારે 11:37 થી 12:29 સુધી અભિજીત મુહૂર્ત રહેશે. ત્યારબાદ બપોરે 2.14 થી 3.07 સુધી વિજય મુહૂર્ત રહેશે. આ સમય દરમિયાન તમે કોઈ પણ શુભ મુહૂર્ત જોઈને ભાઈના કાંડા પર રાખડી બાંધી શકો છો