- એક બેઠક માટે યોજાઈ હતી ચૂંટણી
- સિનિયર નેતા અભિષેક મનુ સિંઘવી હારી ગયા
- 6 MLA ના ક્રોસ વોટીંગથી હર્ષ મહાજનની જીત થઈ
શિમલા, 27 ફેબ્રુઆરી : ઉત્તર પ્રદેશ, કર્ણાટક અને હિમાચલ પ્રદેશમાં રાજ્યસભાની 15 બેઠકો માટે મંગળવારે ચૂંટણી યોજાઈ હતી. જેમાં યુપીની 10 રાજ્યસભા, કર્ણાટકની 4 અને હિમાચલની એક બેઠક પર મતદાન થયું હતું. આ પૈકી હિમાચલમાં મોટો અપસેટ જોવા મળ્યો છે. જ્યાં 40 ધારાસભ્યોની બહુમતિ ધરાવતી કોંગ્રેસને માત્ર 34 વોટ મળ્યા હતા. જેના કારણે પાર્ટીને હારનો સામનો કરવો પડ્યો હતો અને ભાજપના ઉમેદવારનો વિજય થયો હતો.
ચીઠ્ઠી ઉછાળી નિર્ણય લેવામાં આવ્યો
મળતી માહિતી મુજબ, હિમાચલ પ્રદેશમાં રાજ્યસભાની એક બેઠક માટે યોજાયેલી ચૂંટણીમાં કુલ 68 ધારાસભ્યોએ મતદાન કર્યું હતું. ભાજપ અને કોંગ્રેસના બંને ઉમેદવારોને 34-34 મત મળ્યા હતા. ક્રોસ વોટિંગના કારણે હિમાચલમાં સમસ્યા સર્જાઈ હતી, ત્યારબાદ ટોસ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં ભાજપના ઉમેદવાર હર્ષ મહાજનનો વિજય થયો હતો અને કોંગ્રેસના ઉમેદવાર અભિષેક મનુ સિંઘવીને હારનો સામનો કરવો પડ્યો હતો. આ ચૂંટણીમાં કોંગ્રેસના છ ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું હતું. કુલ 9 ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કરીને ભાજપને મત આપ્યો હતો.
એક મત રદ્દ કરવા ઉપર ભાજપ અડગ
બીજી તરફ કોંગ્રેસનો એક મત રદ કરવા માટેનો મામલો ચૂંટણી પંચને મોકલવામાં આવ્યો હતો. હકીકતમાં, ભાજપના પોલિંગ એજન્ટો આચારસંહિતાના ઉલ્લંઘન તરીકે હેલિકોપ્ટર દ્વારા મતદાન માટે લાવવામાં આવેલા કોંગ્રેસના બીમાર ધારાસભ્ય સુદર્શન બબલુનો મત રદ કરવાની માંગ પર અડગ છે. આ મામલો ભારતના ચૂંટણી પંચને મોકલવામાં આવ્યો છે. ચૂંટણી પંચ દ્વારા નિયમો મુજબ પરિસ્થિતિ સ્પષ્ટ થયા બાદ જ નિર્ણય જાહેર કરવામાં આવશે.
કોંગ્રેસ ઉમેદવારે ધારાસભ્યોનો આભાર વ્યક્ત કર્યો
કોંગ્રેસના ઉમેદવાર અભિષેક મનુ સિંઘવીએ પત્રકાર પરિષદમાં કહ્યું કે હું કોંગ્રેસના સમગ્ર નેતૃત્વનો આભાર માનું છું. તેમણે મારામાં વિશ્વાસ વ્યક્ત કર્યો અને મને ઉમેદવાર બનાવ્યો હતો. હું એ 9 ધારાસભ્યોનો પણ આભાર માનું છું જે ગઈકાલે સાથે બેઠા હતા. આજે તેમાંથી ત્રણ અમારી સાથે નાસ્તો કરવા બેઠા હતા. મેં તેમની પાસેથી શિક્ષણ મેળવ્યું છે. હું હર્ષ મહાજન (ભાજપ ઉમેદવાર)ને અભિનંદન આપવા માંગુ છું. હું તેમના પક્ષને એક વાત કહેવા માંગુ છું કે તેણે અંદરની તરફ જોવું જોઈએ. હું એક સિદ્ધાંત વિશે વાત કરું છું.