અમદાવાદગુજરાતટોપ ન્યૂઝ

રાજ્યસભા ચૂંટણીઃ ગુજરાતમાં ભાજપના ચારેય ઉમેદવારો સત્તાવાર બિનહરીફ જાહેર

ગાંધીનગર, 20 ફેબ્રુઆરી 2024, ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપે ચાર ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતાં. આ ચારેય ઉમેદવારોએ 15મી ફેબ્રુઆરીએ ફોર્મ ભરી દીધા છે. આજે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ હતો. ભાજપ તરફથી રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા, મયંક નાયક, સુરતના ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયા અને જશવંતસિંહ પરમારે નામાંકન દાખલ કર્યું હતું. જે.પી.નડ્ડાના ડમી ઉમેદવાર તરીકે રજની પટેલે ફોર્મ ભર્યું હતું જે તેમણે પરત ખેંચી લીધું હતું. આ ઉપરાંત અપક્ષ ઉમેદવાર પરેશ મુલાણીનું ફોર્મ ધારાસભ્યોનું સમર્થન નહીં મળતા રદ્દ થયું હતું. જ્યારે કોંગ્રેસે સંખ્યાબળ નહીં હોવાથી એક પણ ઉમેદવાર મેદાનમાં ઉતાર્યો નહોતો. જેથી આજે ભાજપના ચારેય ઉમેદવારોને બિનહરીફ થયા હોવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.

ત્રણ સાંસદોને એપ્રિલના પહેલા સપ્તાહ સુધી રાહ જોવી પડશે
રાજ્યસભામાં ભાજપના ચાર ઉમેદવારોમાંથી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા પહેલાથી હિમાચલ પ્રદેશથી રાજ્યસભાના સાંસદ છે. તેઓ છઠ્ઠી એપ્રિલ સુધી સાંસદ પદે યથાવત રહેશે અને ત્યારપછી નવેસરથી શપથ લેશે. તે સિવાય ગોવિંદ ધોળકીયા, મયંક નાયક, ડો. જશવંતસિંહ પરમારને સાંસદ, રાજ્યસભાના સભ્ય તરીકે અધિકૃત ઓળખ મેળવવા સવા મહિના સુધી રાહ જોવી પડશે. રાજ્યસભામાં ચારેય સાંસદોની ટર્મ છઠ્ઠી એપ્રિલ 2024ના રોજ પૂર્ણ થાય છે.પાર્લામેન્ટરી પ્રોસેડિંગના શબ્દોમાં રિટાર્યડમેન્ટ તરીકે પ્રચલિત આ અવધિ પૂર્ણ થાય તેના એક-બે દિવસોમાં ખાલી પડેલી જગ્યાઓ પર ચૂંટાયેલા નવા સભ્યોની શપથવિધી યોજાય છે. આ ચારેય સાંસદોની નિવૃતિના આગળ પાછળના દિવસે રાજ્યસભાના સાંસદ તરીકે પદ અને ગોપનિયતાની શપથ લેવડાવામાં આવશે.

કોણ છે મયંક નાયક અને જસવંતસિંહ પરમાર
મયંક નાયક બક્ષીપંચ મોરચાના પ્રમુખ અને ઉત્તર ગુજરાતના અગ્રણી છે. જ્યારે જશવંતસિંહ પરમાર મધ્ય ગુજરાતમાંથી ભાજપના અગ્રણી છે. જસવંતસિંહ સાલમસિંહ પરમાર વ્યવસાયે ડોક્ટર છે, તેઓ શહેરા તાલુકાના વાઘજીપુરના વતની છે. હાલમાં ગોધરામાં ભાગ્યોદય હોસ્પિટલ ચલાવી રહ્યા છે. તેઓ ઓબીસી અગ્રણી નેતા તરીકે પણ જાણીતા છે અને ભારતીય જનતા પાર્ટી મૂળના છે. તેઓના પિતા સાલમસિંહ પરમાર જિલ્લા પંચાયત સભ્ય રહી ચુક્યા છે. 2017ની વિધાનસભાની ચુંટણીમાં ભાજપમાથી દાવેદાર હતા ટિકિટ ના મળતા તેઓ અપક્ષ લડ્યા હતા.

કોણ છે ગોવિંદભાઈ ધોળકિયા
ગુજરાતના દુધાળા ગામમાં 7 નવેમ્બર 1947 ના રોજ જન્મેલા ગોવિંદ ધોળકિયાનો ઉછેર નાનકડા ઘરમાં થયો હતો. સાત ભાઈ-બહેનો સાથે ગરીબ કૃષિ પરિવારમાં ઉછરેલા, તેમણે કોઈ વિશેષ વિશેષાધિકારો અથવા ગુણવત્તાયુક્ત શિક્ષણ વિના બાળપણનો અનુભવ કર્યો. તેમની સામે અનેક પડકારો હોવા છતાં, ગોવિંદ ધોળકિયાનું બાળપણ સાદગીથી વીત્યું હતું. લોકો વચ્ચે તેઓ પ્રેમથી કાકા તરીકે ઓળખાઈ છે. તેમણે 1964માં 17 વર્ષની ઉંમરે જાહેર જીવનની શરૂઆત કરી હતી.

આ પણ વાંચોઃચૈતર વસાવાની કોંગ્રેસને ચીમકી, ઝડપથી નિર્ણય લો નહીં તો ઉમેદવારો જાહેર કરાશે

Back to top button