મનોરંજન ડેસ્કઃ કોમેડિયન અને એક્ટર રાજુ શ્રીવાસ્તવની હાલત હજુ પણ નાજુક છે અને તેમને એઈમ્સના આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. 10 ઓગસ્ટના રોજ રાજુ શ્રીવાસ્તવને હાર્ટ એટેક આવ્યો હતો, ત્યારથી તેઓ હોસ્પિટલમાં દાખલ છે. રાજુ શ્રીવાસ્તવની તબિયતમાં કોઈ મોટો સુધારો થયો નથી, જ્યારે અહેવાલો અનુસાર તેઓ હજુ પણ બેભાન છે. બુધવારે હાર્ટ એટેક આવતા રાજુને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી.
રાજુ શ્રીવાસ્તવ હજુ પણ બેભાન છે
એક સૂત્રએ ‘પીટીઆઈ’ને જણાવ્યું હતુ કે, ‘રાજુ શ્રીવાસ્તવની હાલત નાજુક છે અને તેઓ ICUમાં વેન્ટિલેટર પર છે. તે બેભાન છે. રાજુ શ્રીવાસ્તવને કાર્ડિયોલોજી વિભાગના પ્રોફેસર ડૉ.નીતીશ નાઈકની દેખરેખ હેઠળ સારવાર આપવામાં આવી રહી છે. રાજુ શ્રીવાસ્તવના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પેજ પર તેમના પરિવાર વતી એક નિવેદન જારી કરીને કહ્યું કે, તેમની હાલત સ્થિર છે.’
રાજુ શ્રીવાસ્તવના પરિવારનું નિવેદન
રાજુ શ્રીવાસ્તવના પરિવારે એક નિવેદનમાં જણાવ્યું કે, ‘રાજુ શ્રીવાસ્તવની હાલત સ્થિર છે. અમે તેમના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરીએ છીએ. ડોકટરો તેમની સારવાર કરી રહ્યા છે અને તેમના શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. તેમના સતત પ્રેમ અને સમર્થન માટે તમામ શુભેચ્છકોનો આભાર. બીજી તરફ રાજુ શ્રીવાસ્તવના પરિવારે લોકોને વિનંતી કરી છે કે તેઓ કોઈપણ પ્રકારની અફવાઓ અને ફેક ન્યૂઝ પર ધ્યાન ન આપે.’
ટ્રેડમિલ પર દોડતા હતા ત્યારે એટેક આવ્યો
તમને જણાવી દઈએ કે, રાજુ શ્રીવાસ્તવના નજીકના અશોક શ્રીવાસ્તવે મીડિયાને જણાવ્યું હતું કે, એક્ટરને એક્સરસાઇઝ કરતી વખતે હાર્ટ એટેક આવ્યો હતો. તેણે કહ્યું હતું કે, ‘રાજુ નિયમિત કસરત કરી રહ્યો હતો અને ટ્રેડમિલ પર દોડતી વખતે તે અચાનક પડી ગયો. તેમને હાર્ટ એટેક આવ્યો અને તરત જ એમ્સ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. અશોક શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે તેના ભાઈ રાજુની પત્ની શિખા શ્રીવાસ્તવ પણ દિલ્હી આવી હતી જેથી તે તેના પતિ સાથે રહી શકે.
ધ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જથી જાણીતા બન્યાં
ઉલ્લેખનીય છે કે રાજુ શ્રીવાસ્તવ 1980 ના દાયકાના અંતથી મનોરંજન ઉદ્યોગમાં સક્રિય છે, પરંતુ તે ‘ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ’ની પ્રથમ સિઝનમાં ભાગ લીધા બાદ લોકપ્રિય બન્યા હતા. તેણે ‘મૈંને પ્યાર કિયા’, ‘બાઝીગર’, ‘બોબ્બે ટુ ગોવા’ અને ‘આમદની અઠ્ઠની ખરખા રૂપૈયા’માં અભિનય કર્યો હતો. રાજુ શ્રીવાસ્તવે ‘બિગ બોસ’ સિઝન ત્રીજીમાં પણ ભાગ લીધો હતો. હાલમાં શ્રીવાસ્તવ ઉત્તર પ્રદેશ ફિલ્મ વિકાસ પરિષદના પ્રમુખ છે.