રાજકોટના નવનિયુક્ત પોલીસ કમિશનર તરીકે રાજુ ભાર્ગવે ચાર્જ સંભાળ્યો


રાજકોટ : રાજકોટ શહેરને લાંબા સમય બાદ અંતે કાયમી પોલીસ કમિશનર મળ્યા છે. શહેરના નવનિયુક્ત સીપી તરીકે 1995 બેચના આઈપીએસ અધિકારી રાજુ ભાર્ગવની નિમણુંક કરવામાં આવી છે અને વિધિવત રીતે તેમણે પોતાનો ચાર્જ સંભાળ્યો છે. આજે રાજકોટ આવી પહોંચેલા ભાર્ગવનું સર્કિટ હાઉસ ખાતે ગાર્ડ ઓફ ઓનર આપી સ્વાગત કરાયું હતું. શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ તેમને પુષ્પગુચ્છ આપી આવકાર્યા હતા. રાજકોટ સીપી અગાઉ પંચમહાલ, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠામાં એસપી તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. ઉપરાંત પોલીસભવન ખાતે લૉ એન્ડ ઑર્ડર વિભાગમાં ડીઆઈજી તરીકે પણ તેઓએ પોતાની ઉત્કૃષ્ટ કામગીરી કરી હતી. વર્ષ 2013માં કેન્દ્ર સરકારમાં ડેપ્યુટેશન તરીકે મોકલવામાં આવ્યા હતા. જ્યાંથી પરત ફર્યા બાદ તેમનું પોસ્ટીંગ બાકી હોવાથી તેઓને આર્મ્ડ યુનિટમાં એડીજીપી તરીકે મુકવામાં આવ્યા હતા.
3 મહિના સુધી રાજકોટનું પોલીસ ખાતું ઇન્ચાર્જ CPથી ચાલ્યું
હાલ રાજકોટ પોલીસ કમિશનરનો ચાર્જ અહેમદ ખુરશીદ પાસે છે. ત્યારે રાજુ ભાર્ગવની નિમણૂંક થતા તેમને આ ચાર્જમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે રાજકોટમાં 3 મહિના કરતાં વધુ સમયથી ઈન્ચાર્જ પોલીસ કમિશનર તરીકે ખુરશીદ અહમદ કાર્યરત છે ત્યારે શહેરના ઈતિહાસમાં ક્યારેય એવું બન્યું નથી કે આટલા સમય સુધી કાયમી પોલીસ કમિશનર ન હોય !
ક્યાં છે રાજકોટના પૂર્વ CP
રાજકોટ પોલીસ કમિશનર અગ્રવાલ અને તેની ક્રાઈમ બ્રાન્ચની ટીમ સામે લાખોના કમિશન કાંડના કથિત આક્ષેપો થયા હતા. જ્યાં ઈન્કવાયરી બાદ મનોજ અગ્રવાલને પોલીસબેડામાં ચર્ચાતી વિગતો મુજબ સાઈડલાઈન ગણાતી અને એક સમયે એસપી રેંકની પોસ્ટ જૂનાગઢ એસઆરપીની ટ્રેનિંગ સેન્ટરના પ્રિન્સિપાલ તરીકે પોસ્ટ અપગ્રેડ કરીને મુકી દેવાયા છે.