રાજપીપળા : વન વિભાગએ ભ્રષ્ટાચાર કર્યો હોવાનો ગ્રામજનોનો આક્ષેપ

રાજપીપળા : નર્મદા જીલ્લાના સાગબારા અને ડેડીયાપાડા વિસ્તાર વન વિભાગ માટે ભ્રષ્ટાચાર કરવાનુ મોકળુ મેદાન મળી ગયું છે એવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. સાગબારામાં વન વિભાગ અને સામાજિક વનીકરણ વિભાગ દ્રારા જોબ કાર્ડ ધારકોના નામથી ખોટી હાજરી પુરવામાં આવે છે અને ખુબજ મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો હોવાની રજુઆત સ્થાનિકોએ ગાંઘીનગર ઉચ્ચ કક્ષાએ કરતા ખડભડાટ મચ્યો છે.
જોબ કાર્ડ ઉઘરાવીને કર્યો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર
સાગબારા તાલુકાના ગ્રામજનોએ પોતાની રજુઆતમાં જણાવ્યા મુજબ સાગબારા તાલુકામાં વાવેતર કરવામાં આવતું નથી અને જોબ કાર્ડ ઉઘરાવીને ખોટી હાજરી પુરી કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે.2018 નાં વર્ષથી 2022/23 દરમિયાન સાગબારા તાલુકામાં કેટલાક સ્થળો પર નકલી પ્લાંટેશન અને નકલી વાવેતરોને કાગળ પર બતાવી દેવામાં આવ્યું છે અને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે.નકલી પ્લાંટેશન અને નકલી વાવેતર એટલે કે સ્થળ પર કામગીરી જ કરવામાં આવતી નથી અને જ્યાં કરવામાં આવી છે તે જગ્યાએ માત્ર 10 % રોપાઓ રોપવામાં આવ્યા છે અને જોબ કાર્ડ ધારકોના જોબ કાર્ડ ઉઘરાવીને ખોટી હાજરી પુરવામાં આવે છે.
સિયા એન્ટર પ્રાઈઝ નામની એજન્સી કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરી રહી હોવાનો આરોપ
ગ્રામજનોએ વધુમાં જણાવ્યું હતું કે નર્મદા જીલ્લા સામાજીક વનિકરણ તથા વન વિભાગ દ્વારા સાગબારા તાલુકામાં સિયા એન્ટર પ્રાઈઝ નામની એજન્સીને વગર ટેન્ડરે કામગીરી આપવામાં આવે છે, ટકાવારી ઉઘરાવી મજુરોના પૈસા ખાઈ જાઇ છે.સિયા એન્ટર પ્રાઈઝ નામની એજન્સી કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરી રહી છે અને એ એજન્સી દ્વારા જેટલાં પણ કામો કરવામાં આવ્યાં છે તે તમામ કામગીરીની સ્થળ તપાસ કરવામાં આવે એવી અમારી માંગ છે.સાગબારા તાલુકામાં ચેકડેમો, સંરક્ષક દિવાલો, વન તલાવડી વન વિભાગ દ્વારા બનાવવામાં આવતી જ નથી અને બિલો ઉપાડીને એજન્સીઓને આપી દેવામાં આવે છે.
ગ્રામજનોએ આપી ચીમકી
સાગબારના ગ્રામજનોએ ચિમકી આપતા જણાવ્યું હતું કે 10/07/2023 નાં રોજ સુધીમાં સ્થળ તપાસ કરીને કાર્યવાહી કરવામાં નહીં આવે તેમજ વર્ષોથી એકજ જગ્યાએ નોકરી કરી ભ્રષ્ટાચાર કરનાર કારકુનો, કોમ્પ્યુટર ઓપરેટરોની જિલ્લા બહાર બદલી કરવામાં નહીં આવે તો તારીખ 15/07/2023 નાં રોજ મોટી સંખ્યામાં ગ્રામજનો અગ્ર વન સંરક્ષકની ઓફીસ પીસીસીએફ & હોફ ગુજરાત બ્લોક – એ અરણ્ય ભવન ગાંધીનગર ખાતે આવશે અને એક દિવસનું પ્રતિક ધરણાં કાર્યક્રમ કરશે.
આ પણ વાંચો : ત્રિપલ તલાક: મહિલાએ પીયર જવા પૈસા માંગતા પતિએ ત્રણ તલાક આપી તગડી મુકી