ટ્રેન્ડિંગનેશનલ

પૂર્વ સેના પ્રમુખની પુસ્તક વિવાદ પર રાજનાથ સિંહનું નિવેદન: “નિવૃત્ત અધિકારીઓના પુસ્તક લખવા પર કોઈ રોક નહીં”

નવી દિલ્હી: 21 ફેબ્રુઆરી, 2026: પૂર્વ સેના પ્રમુખ જનરલ એમ.એમ. નરવણેના પુસ્તકને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે પૂર્વ સેના પ્રમુખો દ્વારા પુસ્તક લખવા પર કોઈ પ્રતિબંધ લાદવામાં આવશે નહીં. આ સાથે જ તેમણે એ અહેવાલોને પણ સદંતર ખોટા ગણાવ્યા હતા જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે સેનાના અધિકારીઓ નિવૃત્તિના 20 વર્ષ સુધી પુસ્તક લખી શકશે નહીં.

સંસદમાં ગાજ્યો હતો મુદ્દો

તાજેતરમાં બજેટ સત્ર દરમિયાન વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ જનરલ નરવણેના પુસ્તકને મંજૂરી આપવા બાબતે સરકારને સવાલ કર્યા હતા, જેના કારણે સંસદમાં ભારે હોબાળો થયો હતો. જનરલ નરવણે વર્ષ 2020માં ચીન સાથે ગલવાન ઘાટીના સંઘર્ષ સમયે દેશના સેના પ્રમુખ હતા. ઓક્ટોબર 2023માં તેમણે પોતાની આત્મકથા ‘ફોર સ્ટાર્સ ઓફ ડેસ્ટિની’ (Four Stars of Destiny) લખી હોવાની જાહેરાત કરી હતી.

પુસ્તકમાં શું છે જેની પર વિવાદ છે?

જનરલ નરવણેએ આ પુસ્તકમાં ગલવાન ઘાટીની અથડામણ (15-16 મે 2020) અને ચીન સાથે થયેલા કરારો વિશે વિગતવાર માહિતી આપી છે. તેમણે પીએમ મોદી, રાજનાથ સિંહ, એસ. જયશંકર અને NSA અજીત ડોભાલ સાથે થયેલી વાતચીત અને બેઠકોનો પણ ઉલ્લેખ કર્યો છે.

શા માટે અટકી છે પુસ્તકની રજૂઆત?

સંરક્ષણ મંત્રાલયે સીધા જનરલ નરવણેને બદલે પબ્લિશિંગ હાઉસ પાસે પુસ્તકનો ડ્રાફ્ટ માંગ્યો છે. જે પુસ્તક એપ્રિલ 2024માં રિલીઝ થવાનું હતું, તેને હજુ સુધી લીલી ઝંડી મળી નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર, ‘ઓફિશિયલ સિક્રેટ્સ એક્ટ’ (OSA) અને ‘આર્મી એક્ટ’ હેઠળ તેની તપાસ ચાલી રહી છે જેથી કોઈ સંવેદનશીલ માહિતી સાર્વજનિક ન થઈ જાય.

Back to top button