ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

રાજનાથસિંહની લંડનમાં PM સુનક સાથે મુલાકાત, સંબંધો મજબૂત કરવા થયા સંમત

  • બંને દેશોએ પોતાના ઐતિહાસિક સંબંધોને વિકસાવવામાં નોંધપાત્ર પ્રગતિ કરી છે : રાજનાથ સિંહ
  • ગલવાન ઘાટીમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચેની અથડામણ બાદ ચીનનું ભારત પ્રત્યેનું વલણ બદલાયું : રક્ષામંત્રી 

લંડન, 11 જાન્યુઆરી : બ્રિટનની મુલાકાતે ગયેલા ભારતના સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહે લંડનમાં બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓ લંડનમાં 10 ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે મળ્યા હતા, જે બ્રિટિશ વડાપ્રધાનનું સત્તાવાર નિવાસસ્થાન છે. બેઠકમાં બંને દેશો એકબીજા સાથેના સંબંધો મજબૂત કરવા સંમત થયા હતા. આ દરમિયાન રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, ‘બંને દેશોએ તેમના ઐતિહાસિક સંબંધોને આધુનિક, બહુ-આયામી અને પરસ્પર લાભદાયી ભાગીદારીમાં પરિવર્તિત કરવામાં નોંધપાત્ર પ્રગતિ કરી છે.’ રાજનાથ સિંહે એક કાર્યક્રમમાં એમ પણ કહ્યું કે, ‘ગલવાન ઘાટીમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચેની અથડામણ બાદ ચીનનું ભારત પ્રત્યેનું વલણ બદલાઈ ગયું છે. હવે ભારતને નબળો દેશ માનવામાં આવતો નથી’

 

રાજનાથસિંહ બ્રિટનની સત્તાવાર મુલાકાતે છે અને છેલ્લા વીસ વર્ષમાં કોઈપણ ભારતીય વિદેશમંત્રીની ઈંગ્લેન્ડની આ પ્રથમ મુલાકાત છે. રાજનાથ સિંહે લંડનમાં બ્રિટિશ વિદેશ મંત્રી ડેવિડ કેમરન સાથે પણ મુલાકાત કરી હતી. બ્રિટિશ સંરક્ષણ પ્રધાનો ગ્રાન્ટ શૅપ્સ અને રાજનાથ સિંહે પણ લંડનમાં ટ્રિનિટી હાઉસ ખાતે ભારત-યુકે સંરક્ષણ ઉદ્યોગના CEOની રાઉન્ડ ટેબલમાં ભાગ લીધો હતો. બંને દેશો વચ્ચે સંરક્ષણ સહયોગ વધારવા પર પણ સહમતિ દર્શાવી હતી.

બંને દેશો સંબંધો મજબૂત કરવા થયા સંમત

સંરક્ષણ મંત્રીએ કહ્યું કે, બ્રિટન અને અન્ય સમાન વિચારધારા ધરાવતા દેશોએ શાંતિપૂર્ણ અને સ્થિર વૈશ્વિક નિયમો આધારિત વ્યવસ્થાને મજબૂત કરવા માટે ભારત સાથે મળીને કામ કરવું જોઈએ અને જે ભારતના ઉદયમાં સહયોગી બની શકે છે. બ્રિટિશ વડાપ્રધાન સુનકે વેપાર, સંરક્ષણ અને ટેક્નોલોજી ક્ષેત્રે બંને દેશો સાથે મળીને કામ કરવા માટે પણ સંમતિ દર્શાવી હતી. તેમણે આશા પણ વ્યક્ત કરી કે, બંને દેશો વચ્ચે ચાલી રહેલા મુક્ત વેપાર કરારને સફળ નિષ્કર્ષ પર લાવી શકાય છે. બેઠક દરમિયાન રક્ષા મંત્રી રાજનાથ સિંહે બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનકને રામ દરબારની પ્રતિમા ભેટમાં આપી હતી. આ બેઠક દરમિયાન બ્રિટનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સર ટીમ બેરો પણ હાજર હતા.

ભારતને કોઈ ખરાબ નજર ન નાખી શકે : રક્ષા મંત્રી

આ સિવાય લંડનમાં ઈન્ડિયા હાઉસ ખાતેના એક કાર્યક્રમમાં પોતાના સંબોધનમાં રાજનાથ સિંહે ચીનના મુખપત્ર ગ્લોબલ ટાઈમ્સમાં છપાયેલા લેખનું ઉદાહરણ આપ્યું અને કહ્યું કે, ભારત પ્રત્યે ચીનનો દૃષ્ટિકોણ પણ બદલાઈ ગયો છે અને ચીન ભારતને ઉભરતો આર્થિક દેશ માને છે. રાજનાથ સિંહે આનો શ્રેય દેશના ઝડપી આર્થિક વિકાસ અને મજબૂત વિદેશ નીતિને આપ્યો હતો. રાજનાથ સિંહે એમ પણ કહ્યું કે, ગલવાન ઘાટીમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચેની અથડામણ બાદ ચીનનું ભારત પ્રત્યેનું વલણ બદલાઈ ગયું છે. હવે ભારતને એક નબળો દેશ માનવામાં આવતો નથી પરંતુ એક ઉભરતી વૈશ્વિક શક્તિ તરીકે જોવામાં આવે છે.’ વધુમાં કહ્યું કે ‘હવે એવું નથી કે ભારત જીતી શકે અને જે ઇચ્છે તે કરી શકે. અમે કોઈને દુશ્મન દેશ તરીકે જોતા નથી, પરંતુ વિશ્વ એ વાતથી વાકેફ છે કે ભારત અને ચીનના સંબંધોમાં તણાવ છે. જો કે, અમે અમારા પાડોશી દેશો અને વિશ્વના અન્ય દેશો સાથે મૈત્રીપૂર્ણ સંબંધો જાળવી રાખવા માંગીએ છીએ.

આ પણ જુઓ :પન્નુની હત્યાના કાવતરાના કેસમાં કોર્ટે US સરકાર પાસેથી માંગ્યો જવાબ

Back to top button