રાજકોટની સગીરાએ ચિઠ્ઠીમાં ‘પગભર થઈને પાછી આવીશ’ તેવું લખ્યું અને ઘર છોડીને નીકળી ગઈ!
રાજકોટઃ શહેરના એરપોર્ટ રોડ ઉપર આર.કે.પાર્ક સોસાયટીમાં રહેતા અને સરકારી કચેરીમાં અધિકારી તરીકે નોકરી કરતી મહિલાએ 16 વર્ષની સગીર દીકરીના અપહરણ અંગે અજાણ્યા શખસ સામે ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.
ભણવા માગે છે તેવું કહી આવી હતીઃ અધિકારી
ફરિયાદમાં જણાવ્યું હતું કે, અમે સ્લમ વિસ્તારમાં બાળકોને પુસ્તક વિતરણ કરવા જતા ત્યારે આ બાળકી અમારા સંપર્કમાં આવી હતી. ગઈ 21મી સપ્ટેમ્બર 2021ના દિવસે બાળકી રાત્રે મારા ઘરે આવી હતી અને મારા પિતાનું અવસાન થયું છે, મારા માતાએ બીજા લગ્ન કરી લીધા છે અને મારા કાકા પરાણે મારા લગ્ન કરાવવા માંગે છે પણ મારે ભણવું છે તેમ કહેતા તેને આશરો આપ્યો હતો અને ચાર દિવસ પછી વિધિવત કબજો લઇ તેનો ધોરણ 10નો અભ્યાસ શરૂ કરાવ્યો હતો.’
દંપતીએ પોલીસમાં ગુનો નોંધાવ્યો
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગઇકાલે સવારે અમે નોકરીએ ગયા બાદ પરત આવ્યા ત્યારે દીકરી ક્યાંય મળી નહોતી. સીસીટીવી ચેક કરતા પોણા બારે તે બેગ, પર્સ લઈને જતી નજરે પડી હતી અને ઘરમાં એક ચિઠ્ઠી મળી હતી. જેમાં ‘આઈ લવ યુ મોમ-ડેડ, હું તમારી સાથે ખુબ ખુશ હતી, મને માં-બહેન મળ્યા, તમારું ઋણ ચૂકવું એટલું ઓછું છે, હું પગભર થઈને પાછી આવીશ, મને શોધવાની કોશિષ ન કરતા, તમારા જેવા માં-બાપ બધા જનમમાં મળે’ તેવું જણાવ્યું હતું હાલ ગાંધીગ્રામ પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.