કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતચૂંટણી 2022

રાજકોટના મવડીમાં 12.80% ઓન સાથે રૂ. 22.33 કરોડના ખર્ચે સ્પોર્ટસ સંકુલ બનશે

Text To Speech

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં. 12માં પ્રગટેશ્ર્વર રોડ પાસે રામધણ નજીકના રોડ પર બનનારા આંતરરાષ્ટ્રિય કક્ષાના સ્પોર્ટસ સંકુલ માટે 13.13 ટકા ઓન સાથે કુલ રૂ. 22.33 કરોડનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. આવતીકાલે મળનારી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં સ્પોર્ટસ સંકુલ સહિતની 63 દરખાસ્તો અંગે ચર્ચા કરવામાં આવશેે. આ અંગેની વિગતો આપતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલે કહ્યું હતું કે, વોર્ડ નં.12માં મવડી મેઇન રોડ પાસે પ્રગટેશ્ર્વર રોડ નજીક 11,831 ચોરસમીટરના પ્લોટમાં મહાનગરપાલિકા દ્વારા આંતરરાષ્ટ્રિય કક્ષાના સ્પોર્ટસ સંકુલ બનાવવામાં આવશે.

અગાઉ રૂ.19.80 કરોડનું એસ્ટીમેટ આપવામાં આવ્યું હતું

આ સ્પોર્ટસ સંકુલનું 9500 ચોરસમીટરમાં બાંધકામ કરવામાં આવશે. મહાનગરપાલિકા દ્વારા રૂ. 19,80,16,465ના એસ્ટિમેન્ટ સાથે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં અલગ અલગ પાંચ એજન્સીઓએ ટેન્ડર ભર્યા હતા. આમાં ગુરૂકૃપા ક્ધસ્ટ્રક્શન કંપનીએ 13.13 ટકા ઓન સાથે ટેન્ડર રજુ ર્ક્યું હતું. અન્ય એજન્સીઓ કરતાં ગુરૂકૃપાના ભાવ ઓછા જણાંતા તેને વાટાઘાટ માટે બોલાવાઇ હતી. જેમાં ચર્ચાના અંતે એજન્સી 12.80 ટકા ઓન સાથે કામ કરવા સહમત થઇ હતી. આમ હવે આ સ્પોર્ટસ સંકુલનો કુલ ખર્ચ રૂ. 22,33,62,573 થશે.

શું સુવિધાઓ હશે આ નવા ઇન્ડોર સ્પોર્ટસ કોમ્પ્લેક્ષમાં ?

સ્પોર્ટસ સંકુલમાં ઇન્ડોર સ્પોર્ટસ કોમ્પ્લેક્ષમાં ગ્રાઉન્ડ ફ્લોર અને ખુલ્લા મેદાનમાં પાર્કિંગની સુવિધા ઉપરાંત બે ટેનીસ કોર્ટ, બાસ્કેટબોલ કોર્ટ,વોલીબોલ કોર્ટ અને સ્કેટિંગ રીંગ બનાવવામાં આવશે. ગ્રાઉન્ડ ફ્લોરમાં એડમિનિસ્ટ્રેશન એરીયા, વેઇટિંગ એરીયા, 1200 લોકો બેસી શકે તેવું ઇન્ડોર સ્ટેડિયમ, બેડમિંગ્ટન માટે છ કોર્ટ અને એક મલ્ટીગેમ કોર્ટ, સ્કવોશ માટે હોલમાં બે સ્કવોશ કોર્ટ, ટેબલટેનિસ માટે છ ટેબલ ટેનિસ કોર્ટ, આર્ચરી માટે મહિલાઓ અને પુરૂષો માટે અલગ અલગ હોલની સુવિધા ઉભી કરવામાં આવશે. જ્યારે પ્રથમ માળે મહિલાઓ અને પુરૂષો માટે અલગ અલગ જીમ, મહિલાઓ અને પુરૂષો માટે અલગ અલગ યોગ હોલ, શૂટિંગ રેન્જ રમત માટે મહિલાઓ અને પુરૂષો માટે અલગ અલગ હોલ, અને ચેસ તેમજ કેરમ માટે મહિલાઓ અને પુરૂષો માટે અલગ અલગ એક એક હોલની સુવિધા ઉભી કરવામાં આવશે.

 

Back to top button