કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

રાજકોટના લોકમેળામાં અધધ..15 લાખથી વધુ જનમેદની ઉમટી

Text To Speech

સમગ્ર સૌરાષ્ટ્રના ભવ્ય અને પ્રસિદ્ધ રાજકોટના લોકમેળાના પાંચ દિવસમાં લાખો લોકોએ મેળાની રંગત મનભરીને માણી હતી. કોઇપણ પ્રકારના અનિચ્છનિય બનાવ વગર પાંચ દિવસ લોકમેળામાં 15 લાખથી વધુ લોકોએ લ્હાવો લીધો. રાજકોટ જિલ્લા ઉપરાંત સૌરાષ્ટ્રની ગ્રામીણ પ્રજા દિવસે મેળાનો આનંદ માણતી હતી. રાત્રે શહેરીજનો રેસકોર્સ ગ્રાઉન્ડમાં ઉમટી પડતા હતા. ‘આઝાદીનો અમૃત લોકમેળા’નું કોરોના કાળના બેથી અઢી વર્ષ બાદ સુંદર રીતે વહિવટી તંત્ર તરફથી આયોજન થતાં નાના-મોટા તમામ ધંધાર્થીઓને સારી આવક થઇ હતી. રાજકોટ જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુના માર્ગદર્શન હેઠળ સિટી પ્રાંત-1ના ડે. કલેકટર કે.જી. ચૌધરી અને સમગ્ર ટીમની ભારે જહેમત લોકમેળામાં રંગ લાવી હતી. અનેક નવા આકર્ષણ, ખાણીપીણી, રમકડાના સ્ટોલ તેમજ ફઝત સહિતની યાંત્રિક રાઇડસથી લોકો પ્રભાવિત થયા હતા. સાથોસાથ કોરોના કાળમાં કંઇ કેટલાય લોકો બેઘર બની ગયા હતા. આવક ન હતી તેવા નાના કેટલાય ધંધાર્થીઓની લોકમેળાના પગલે દિવાળી સુધરી હતી. રમકડાના અમુક ધંધાર્થીઓ ઉછીના, વ્યાજે નાણા લાવી સ્ટોલ કર્યો હતો. તેઓને પાંચ દિવસ સારી આવક થઇ હતી તેમાં પણ લોકમેળો એક દિવસ લંબાવતા ધંધાર્થીઓ આનંદમાં આવી ગયા હતા.

ધંધાર્થીઓથી માંડી ફૂટપાથ ઉપર બેઠેલા નાના ધંધાર્થીઓને પણ સારી આવક

લોકમેળામાં છૂટક પાથરણાના ધંધાર્થીઓથી માંડી ફૂટપાથ ઉપર બેઠેલા નાના ધંધાર્થીઓને પણ સારી આવક થઇ હતી. મંદી-મોંઘવારી અને મહામારીને ભૂલી રંગીલા રાજકોટ સહિત સૌરાષ્ટ્રની ઉત્સવપ્રિય પ્રજાએ પાંચ દિવસમાં લાખો રૂપિયા વાપર્યા હતા. મેઘરાજાએ મહેર કરતા અને પાંચ દિવસ સુધી વરસાદ ન પડતાં મેળાના ધંધાર્થીઓને ધાર્યા કરતા સારી આવક થઇ હતી. બજારમાં નાણાનું ટર્નઓવર થશે. દિવાળી સુધીમાં વેપાર ચાર ગણો વધવાની શકયતા છે. લોકમેળામાં યાંત્રિક રાઇડસના ધંધાર્થીઓના જણાવ્યા અનુસાર બે વર્ષ બાદ રોજગાર મળ્યો છે. આશરે રૂ. બેથી ત્રણ કરોડનો વેપાર યાંત્રિક રાઇડસના ધંધાર્થી ઝાકીર બ્લોચે જણાવ્યું હતુ. મેળામાં સરકારી સ્ટોલ, ખાનગીમાં કટલેરી, પર્સ, બેગ, થેલા, બેલ્ટ, ઘર સુશોભનની ચીજવસ્તુઓ બજાર ભાવ કરતા ઓછા ભાવે મળી હતી.

આઝાદીનો અમૃત લોકમેળો ટીમવર્કના પગલે સફળ થયો

નિવાસી અધિક કલેકટર કેતન ઠક્કરે જણાવ્યું હતુ કે, આઝાદીનો અમૃત લોકમેળો ટીમવર્કના પગલે સફળ થયો છે. કલેકટરનું માર્ગદર્શન મળ્યું છે બીજી તરફ નિવાસી અધિક કલેકટર કેતન ઠક્કર સતત લોકમેળાનું મોનિટરિંગ કરતા હતા. સિટી પ્રાંત-1ના કે.જી. ચૌહાણ, નાયબ મામલતદાર દુલેરા, વર્ષાબેન વેગડા, મીરાબેન જાની, બકુલભાઇ પરમાર વિગેરેની કામગીરી પણ પ્રસંશનિય રહી હતી. આજે છેલ્લા દિવસે લોકમેળામાં સવારથી લોકો ઉમટી પડ્યા હતા. ગઇકાલે રવિવાર હતો અને શાળા-કોલેજો, કચેરીઓ ધમધમતી થાય તે પૂર્વે લાખો લોકોએ મેળો માણ્યો હતો. આજે રાત્રે લોકમેળો પૂર્ણ થશે સાંજથી રાત સુધીમાં બે લાખથી વધુ લોકો લોકમેળામાં ઉમટી પડે તેવી શકયતા છે.

મંદી, મોંઘવારી, માંદગીની ચિંતા છોડી લોકોએ મનભરીને માણ્યો મેળો

વીસ લાખની વસ્તી ધરાવતા રાજકોટમાં એક માત્ર સ્થળે લોકમેળાનું આયોજન કરતા સૌરાષ્ટ્રનો સૌથી વધુ મેદની ધરાવતો મેળો બનેલા રેસકોર્સ લોકમેળામાં લોકો મંદી, મોંઘવારી, માંદગીની ચિંતા છોડીને ઉત્સાહભેર ઉમટી પડયા હતા. કોરોના કાળના બે વર્ષ બાદ યોજાયેલા લોકમેળામાં ક્યાંય, માસ્ક કે ડિસ્ટન્સ સંભવ જ ન્હોતું તેવી એકબીજાએ ઘસાતા ચાલવું પડે તેવી ચિક્કાર ભીડ સાતમથી જ જોવા મળી હતી અને અંદાજે 15 લાખથી વધુ લોકોએ મનભરીને મેળો માણ્યો હતો. ખાસ કરીને મેઘરાજાએ આ મોજમાં મુસીબત બનીને મેઘવર્ષા કરવાનું મોકુફ રાખતા ઉત્સવપ્રિય લોકોને મનોરંજન માટે મોકળુ મેદાન મળ્યું હતું ત્યારે આજે મેળાના છેલ્લા દિવસે પણ બપોર બાદ માનવમહેરામણ ઉમટી પડે તેવી શકયતા છે.

Back to top button