રાજકોટ : આઝાદીના અમૃત લોકમેળામાં શું ખાસ આકર્ષણ ?
રાજકોટ : કોરોના કાળના બે વર્ષ બાદ રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર-લોકમેળા સમિતિ દ્વારા શહેરના રેસકોર્સ ગ્રાઉન્ડમાં આયોજીત પાંચ દિવસના ‘આઝાદીના અમૃત લોકમેળા’નો આજથી દબદબાભેર પ્રારંભ થવા પામેલ છે. લોકમેળાનું ઉદ્દઘાટન સાંજનાં પાંચ કલાકે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનાં હસ્તે કરવામાં આવશે. જેનાં પગલે સૌરાષ્ટ્રના પાટનગરમાં મોજમસ્તીનો માહોલ છવાઈ જવા પામેલ છે.
આ પ્રસંગે રાજકોટ લોકમેળા સમિતિ દ્વારા રુા. 51 લાખનો ચેક મુખ્યમંત્રીના રાહત ફંડ માટે જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુના હસ્તે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને અર્પણ કરવામાં આવ્યો હતો. અહીં એ ઉલ્લેખનીય છે કે આ રંગીલા રાજકોટના રંગીલા લોકમેળાને માણવા માટે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાંથી લાખોની જનમેદની ઉમટી પડે છે. કોરોના કાળના બે વર્ષ બાદ આ લોકમેળો યોજાઈ રહ્યો હોય સૌરાષ્ટ્રની ભાતીગળ લોક સંસ્કૃતિની ઝલક દર્શાવતા આ લોકમેળાને માણવા માટે લોકોમાં જબરો ઉત્સાહ છવાઈ જવા પામેલ છે. મેળા માટે વહીવટી તંત્ર દ્વારા રુા. ચાર કરોડનો વીમો લેવામાં આવેલ છે.આ ઉપરાંત ચાર જેટલા કંટ્રોલ રુમ, 10 વોચ ટાવર કાર્યરત કરાયા છે.
લોકમેળામાં પાંચ જેટલા મોતના કૂવા, 33 મોટી ફનરાઇડ્સ, 4 મધ્યમ કક્ષાની રાઈડ્સ, 54 ચિલ્ડ્રન રાઈડ્સ, બે ફૂડ કોર્ટ, 14 ખાણીપીણીના સ્ટોલ, 16 આઈસ્ક્રીમના સ્ટોલ, 210 રમકડાના સ્ટોલ, 30 જેટલી સરકારી સંસ્થાઓના સ્ટોલ, અને 2 કોરોના ટેસ્ટીંગ બૂથ રાખવામાં આવેલ છે. આ ઉપરાંત વેક્સિનેશન માટે ખાસ બુથ પણ પ્રવેશદ્વાર પર રાખવામાં આવેલ છે. જેના પરથી લોકોને વેક્સિનેશનનો બીજો ડોઝ અપાશે.
લોકમેળામાં આ વખતે મુખ્ય સ્ટેજ ઉપરાંત લોકો પોતાની સુષુપ્ત શક્તિઓ બહાર લાવી પોતાની કલા ઉજાગર કરી શકે તે માટે વધારાનું એક ખાસ સ્ટેજ આ વખતે ઉભુ કરવામાં આવેલ છે. આ સ્ટેજ પરથી લોકો મીમીક્રી, હાસ્ય રસ જેવા કાર્યક્રમો રસથાળ દર્શકોને પીરસી શકશે.આ ઉપરાંત મુખ્ય સ્ટેજ પરથી મેળાના પાંચ દિવસ દરમિયાન અવનવા સાંસ્કૃતિક કાર્યક્રમોની રમઝટ બોલશે.
લોકમેળામાં ચાર કંટ્રોલ રૂમ ધમધમતા : મોબાઈલ નંબર જાહેર
લોકમેળામાં લોકોની સુરક્ષા અને સુવિધા માટે ચાર જેટલાં કંટ્રોલ રુમ કાર્યરત કરવામાં આવેલ છે. તેના મોબાઈલ નંબર જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુ દ્વારા જાહેર કરવામાં આવેલ છે. જેમાં (1) લોકમેળા સમિતિ (ફનવર્લ્ડ ગેઇટ પાસે) 94998 81562, પોલીસ કંટ્રોલ (ફનવર્લ્ડ ગેઇટ પાસે) 94998 81563, રાજકોટ મહાનગરપાલિકા (હેડ ક્વાર્ટર ગેઇટ પાસે) 94099 01561, પીજીવીસીએલ તથા ઇલે. કંટ્રોલ રુમ-94996 51565 જાહેર કરાયા છે. આ કંટ્રોલનો જરુરિયાતના સમયમાં લોકો સંપર્ક કરી શકશે.
33 મોટી ફર્નરાઈડ્સ, 54 ચિલ્ડ્રન રાઈડ્સ, 5 મોતના કૂવા આકર્ષણનું કેન્દ્ર બનશે
લોકમેળામાં આ વખતે મોતના કૂવા પાંચ સ્થળો પર રાખવામાં આવેલ છે. તેમજ 33 જેટલાં મોટી ફર્નલાઈડ્સ અન્ય ચાર પ્લોટમાં મધ્યમ કક્ષાની રાઈડ્સ, તેમજ 54 પ્લોટમાં ચિલ્ડ્રન રાઈડ્સ રાખવામાં આવી છે. જે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બનશે.
લોકમેળામાં રોજ રાત્રિભર સફાઈ અભિયાન હાથ ધરાશે
લોકમેળાનું ગ્રાઉન્ડ સ્વચ્છ અને ચોખ્ખુ રહે તે માટે લોકમેળા દરમિયાન રોજ રાત્રિભર સફાઈ કામદારો દ્વારા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવશે તેમ જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુએ જણાવી ઉમેર્યું હતું કે લોકમેળામાં લોકો કચરો જ્યાં ત્યાં ફેંકે નહીં તે જરુરી છે. આ ઉપરાંત પ્લાસ્ટીકનો ઓછામાં ઓછો ઉપયોગ કરવા તેઓએ અપીલ કરી હતી. મેળામાં ગંદકી ન થાય તે માટે ઠેર-ઠેર ડસ્ટબીન મુકવામાં આવેલ છે. આ ઉપરાંત મોબાઈલ ટોયલેટ લોકમેળામાં રાખવામાં આવેલ છે. અમદાવાદથી પણ ખાસ મોબાઈલ ટોયલેટ મંગાવાયા છે તેમ પણ કલેક્ટરે જણાવ્યું હતું.
યાંત્રિક રાઈડ્સની દિવસ દરમિયાન બે વખત મિકેનિકલ ઇજનેરોની ટીમ દ્વારા ચકાસણી થશે
મિકેનિકલ ડીપાર્ટમેન્ટમાં અધિકારીઓ મેળા સ્થળ પર રાઉન્ડ ધ ક્લોક સ્ટેન્ડ-ટુ રહેશે : 81 જેટલા સ્થળો પર ફાયર સેફટીના સાધનો જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે લોકમેળામાં લોકોની સલામતી માટે વિશેષરુપથી પગલા લેવામાં આવી રહ્યા છે જેમાં યાંત્રિક રાઈડ્સની દિવસ દરમિયાન બે વખત ચકાસણી કરવા માટેના આદેશ આપવામાં આવેલ છે. અકસ્માતની કોઇ ઘટના ન ઘટે તે માટે ખાસ સાવચેતી રાખવામાં આવી રહી છે. આ માટે મિકેનિકલ ડીપાર્ટમેન્ટના અધિકારીઓ લોકમેળામાં રાઉન્ડ ધ ક્લોક સ્ટેન્ડ-ટુ રહેશે.
લોકોની સુરક્ષા માટે ખાસ પગલા
કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે ત્રણ ડીસીપી, 10 એસીપી, 28 પીઆઈ, 80 પીએસઆઈ, 1200 પોલીસ કોન્સ્ટેબલ, 16 એસઆરપી તૈનાત રહેશે. ખાનગી સિક્યોરીટી ગાર્ડ પણ ખડેપગે ફરજ બજાવશે. લોકમેળામાં લોકોની સુરક્ષા માટે ખાસ પગલા લેવામાં આવશે. સીસીટીવી કેમેરા મારફત લોકમેળાનું વીડિયો રેકોર્ડીંગ કરવામાં આવશે. આ માટે 18 જગ્યાએ વોચ ટાવર રાખવામાં આવેલ છે તેમ કલેક્ટર અરુણ મહેશ બાબુએ જણાવી ઉમેર્યું હતું કે લોકમેળામાં 1200 જેટલાં પોલીસ કોન્સ્ટેબલો, ત્રણ ડીસીપી, 10 એસીપી, 28 પીઆઈ, 80 પીએસઆઈ ઉપરાંત 100 જેટલાં ખાનગી સિક્યોરીટી જવાનો ખડેપગે ફરજ બજાવશે.
મેળાની આવક લોકહિતના કામોમાં વપરાશે
કબા ગાંધીના ડેલાના ડેવલોપમેન્ટ, ટ્રાફીક વ્યવસ્થા, કિડની હોસ્પિટલ, દિવ્યાંગો માટે વ્હીલચેર અને યુનિવર્સિટીનાં સ્પર્ધાત્મક પરીક્ષાના કોચીંગ માટે મેળાની આવકનો ઉપયોગ થશે. આઝાદીના અમૃત લોકમેળાની આવકનો 51 લાખનો ચેક આજે મુખ્યમંત્રીના રાહત ફંડમાં કલેક્ટર અરુણ મહેશ બાબુ દ્વારા અર્પણ કરવામાં આવ્યો હતો. જેમાં કબા ગાંધીના ડેલાના ડેવલોપમેન્ટ, શહેરની ટ્રાફીક વ્યવસ્થા, પથિકાશ્રમ, સમાજ સુરક્ષા, બ્લડ ડોનેશન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આયોજીત થતા સ્પર્ધાત્મક પરીક્ષાના કોચીંગ કેમ્પમાં, કિડની હોસ્પિટલ, દિવ્યાંગો માટે વ્હીલચેર સહિતનાં સેવા કાર્યોમાં મેળાની આવકનો ઉપયોગ થશે તેમ કલેક્ટર અરુણ મહેશ બાબુએ જણાવી ઉમેર્યું હતું કે અગાઉ લોકમેળાની આવકનો યાત્રાધામ ઘેલા સોમનાથમાં યાત્રાળુઓની સુવિધા વધારવા માટે ઉપયોગ કરાયો હતો. જ્યારે આ વખતે લોકમેળાની આવકમાંથી વિવિધ સેવાકાર્યો કરાશે.
લોકમેળામાં સ્વચ્છ પાણી અને આરોગ્યપ્રદ ફૂડ મળી રહે તે માટે ખાસ પગલા
લોકમેળામાં આવતા લોકોને પીવાનું શુધ્ધ પાણી મળે રહે તે માટે પાણી પુરવઠા વિભાગ દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. તેની સાથોસાથ લોકોને આરોગ્યપ્રદ ફૂડ મળી રહે તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. મ્યુનિ. કોર્પોરેશનના ફૂડ વિભાગની ટીમ દ્વારા રાઉન્ડ ધ ક્લોક ખાસ ડ્રાઈવ કરવામાં આવશે. તેમજ ફૂડ વેચતા સ્ટોલોની ચકાસણી કરવામાં આવશે.