રાજકોટ : પોલીસ સ્ટેશનમાંથી બે મહિલાઓ નાશી ગઈ, એક ઝડપાઇ હજુ એકની શોધખોળ
રાજકોટ શહેરમાં પ્ર.નગર પોલીસની કસ્ટડીમાંથી ગઈકાલે બે મહિલાઓ પોલીસને ચકમો આપી ફરાર થઇ જતા પોલીસબેડામાં દોડધામ મચી ગઈ હતી. આ મામલે તુરંત કાર્યવાહી કરતા પોલીસે બંને મહિલાનો ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા. દરમિયાન એક મહિલાને ધ્રોલ નજીકથી ઝડપી લીધી હતી જયારે એક ફરાર હોય તેની શોધખોળ યથાવત રાખી હતી.
ચોરીના ગુનામાં બંને મહિલાઓની કરવામાં આવી હતી અટકાયત
મળતી માહિતી મુજબ થોડા દિવસ પહેલા જ પંચનાથ પ્લોટ વિસ્તારમાં આવેલા કોમ્પ્લેક્સના ચોકીદારની ઓરડીનું તાળું તોડી તસ્કરો રૂ. 7 હજાર રોકડ ચોરી કરી ગયા હતા. જે મામલે પ્ર.નગર પોલીસે સીસીટીવીના આધારે શાસ્ત્રીમેદાન પાસેના ઝૂંપડામાં રહેતી કાજલ કાના દાતણિયા અને પૂજા કાના દાતણિયાને ગત ગુરૂવારે પોલીસે ઝડપી લીધી હતી. બંને મહિલાની સાથે એક એક બાળક પણ હતા.
કસ્ટડી રૂમની સાફ સફાઈ કરવા બંનેને બહાર કાઢવામાં આવી હતી
બંને મહિલા અને બાળકોને શુક્રવારે સવારે કસ્ટડી રૂમમાં રાખવામાં આવ્યા હતા, જે રૂમની સાફસફાઇ માટે સવારે સફાઇ કામદાર આવતા બંને મહિલાને રૂમની બહાર પીએસઓની સામે બેસાડ્યા હતા. દરમિયાન બંને મહિલાઓ પીએસઓ અને તેના સાથી કર્મચારીની નજર ચૂકવી ફરાર થઇ ગઈ હતી. દરમિયાન પોલીસે તુરંત કાર્યવાહી કરતા બંને મહિલાઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા અને ગઈકાલે સાંજે જ ધ્રોલ નજીકથી કાજલ દાતણિયાને પોલીસે ઝડપી લીધી હતી. જયારે કે પૂજા દાતણિયાની શોધખોળ યથાવત રાખી હતી.