રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડના આરોપી સસ્પેન્ડ TPO મનસુખ સાગઠીયા સામે 3 કેસ ચાલશે
- કેવો વહીવટ કર્યો કેટલો ભાવ કટકીનો રાખ્યો તે અંગે સાગઠીયાનું ભેદી મૌન
- સાગઠિયાના રિમાન્ડ પૂરા થતા એ.સી.બી.એ તેને કોર્ટમાં રજૂ કરતા જેલહવાલે કર્યો
- 3 ગુનામાં હવે ત્રણેય અલગ અલગ કેસ કોર્ટમાં ચાલશે
રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડના આરોપી સસ્પેન્ડ TPO મનસુખ સાગઠીયા સામે 3 કેસ ચાલશે. જેમાં સાગઠિયાએ ભ્રષ્ટાચારની કમાણીમાંથી રૂ.15 કરોડની કિંમતનું 22 કિલો સોનુ ખરીદ્યું હતુ. તેમજ ક્યા ક્યા બિલ્ડર સાગઠીયા સાથે વહીવટ કરતા તેના નામ ACB કઢાવી શક્યું નથી. તથા સાગઠિયાના રિમાન્ડ પૂરા થતા એસીબીએ તેને કોર્ટમાં રજૂ કરતા જેલહવાલે કરાયો છે.
કેવો વહીવટ કર્યો કેટલો ભાવ કટકીનો રાખ્યો તે અંગે સાગઠીયાનું ભેદી મૌન
રાજકોટમાં અપ્રમાણસર મિલકત મામલે સસ્પેન્ડ TPO મનસુખ સાગઠીયાના રિમાન્ડ પૂર્ણ થતા જેલ હવાલે કરવામાં આવ્યો છે. જેમાં સાગઠીયા સામે ત્રણ ત્રણ ગુન્હા, પહેલા અગ્નિ કાંડમાં બેદરકારી, બીજો બોગસ મિનિટ બુક્સ ઊભી કરવા અને ત્રીજો અપ્રમાણસર મિલકતના ગુન્હામાં તપાસ થઇ છે. તેમજ અપ્રમાણસર મિલકત મામલે બિલ્ડર લોબી અને સાગઠીયા વચ્ચેની લીંક શોધવામાં ACB નિષ્ફળ રહી છે. તેમજ ક્યા આર્કિટેક સાથે કેવો વહીવટ કર્યો કેટલો ભાવ કટકીનો રાખ્યો તે અંગે સાગઠીયાએ ભેદી મૌન સેવી લીધુ છે. રાજકોટ મહાપાલિકામાં 10 વર્ષથી ટાઉન પ્લાનીંગ ઓફિસર તરીકે ફરજ બજાવતા મનસુખ ધનાભાઈ સાગઠિયા (ઉ.56 રહે.યુનિ.રોડ,પંચાયત ચોક પાસે,રાજકોટ)ની અગ્નિકાંડમાં આરોપી તરીકે ધરપકડ બાદ તેની પાસે 10 કરોડથી વધુ રકમની અપ્રમાણસર એટલે કે આવક કરતા 410 ટકા વધારે મિલ્કત મળતા તે ગુનામાં તેની 19 જૂને ધરપકડ કરાઈ હતી અને બાદમાં તેના કબજાની ઓફિસમાંથી 18 કરોડથી વધુની બેનંબરી રોકડ,સોના વગેરે મળ્યું હતું.
સાગઠિયાના રિમાન્ડ પૂરા થતા એ.સી.બી.એ તેને કોર્ટમાં રજૂ કરતા જેલહવાલે કર્યો
આ ગુનામાં સાગઠિયાના રિમાન્ડ પૂરા થતા એ.સી.બી.એ તેને કોર્ટમાં રજૂ કરતા જેલહવાલે કર્યો છે. જો કે રિમાન્ડ અને લાંબી તપાસ છતાં એ.સી.બી.સામે લોકોમાં ઉઠેલા સવાલો હજુ અનુત્તર જ રહ્યા છે. સાગઠિયાએ ભ્રષ્ટાચારની કમાણીમાંથી રૂ.15 કરોડની કિંમતનું 22 કિલો સોનુ બિસ્કીટ અને ઘરેણાં સ્વરૂપે ખરીદ્યું હતું. આ ખરીદીના બિલો મળ્યા નથી. જે અન્વયે એ.સી.બી. દ્વારા પેલેસ રોડ અને કોઠારીયા નાકા વિસ્તારમાં આવેલા અર્ધો ડઝન જેટલા જ્વેલર્સની પુછપરછ કરી હતી. પરંતુ, સોના ચાંદીના તમામ વેપારીઓએ પોલીસને અમે તો બિલથી જ વેચાણ કર્યું છે, બિલ ફાડી નાખ્યુ હોય તો ખબર નથી, ખરીદી કોણે કરી તે નામ આપો તો કહી શકાય વગેરે લગભગ એકસરખા ઉત્તરો આપ્યા હતા.
હવે ત્રણેય અલગ અલગ કેસ કોર્ટમાં ચાલશે
સાગઠિયાએ અગ્નિકાંડના એકમાત્ર આરોપી સામે અગ્નિકાંડ સર્જાય તેવી ફરજમાં બેદરકારી દાખવી સાપરાધ મનુષ્યવધ, ઈમ્પેક્ટ અરજી ઈન્વર્ડનું બોગસ રેકોર્ડ સર્જવા સરકારી રેકર્ડ સાથે ચેડાં કર્યાનો અને અપ્રમાણસર મિલ્કતનો એમ ત્રણ ગુના નોંધાયેલા છે અને ત્રણેય ગુનામાં તે જેલહવાલે કર્યો છે. હવે આ ત્રણેય અલગ અલગ કેસ કોર્ટમાં ચાલશે.